ડ્રેગનની પૂંછડી છેક કચ્છની સરહદ સુધી આવી પહોંચી!, પાવર પ્લાન્ટ, ખાણ, માર્ગ તથા વિન્ડ ફાર્મનાં કામોના નામે ચીની કંપનીઓની સરહદ પાસે હાજરી!

  0
  8
  • કચ્છની બોર્ડર સુધી જતા માર્ગો પર પાકિસ્તાન અને ચીનના ઝંડા સાથે લગાડી દેવામાં આવ્યા!

  એક સમયે પાકિસ્તાન કચ્છને અડીને આવેલી પોતાની સરહદ પર માળખાગત સુવિધાઓ અંગે બિલકુલ ધ્યાન આપતું ન હતું. પ્રોક્ષી વોરના નામે હથિયારો, દાણચોરી અને ઘૂસણખોરી માટે પણ કચ્છની સરહદનો ઉપયોગ પાકિસ્તાને સમયાંતરે કર્યો છે. જોકે છેલ્લાં થોડાં વર્ષોથી પાકિસ્તાનના સિંઘમાં કચ્છને અડીને આવેલા વિસ્તારોમાં લશ્કરી અને માળખાગત સુવિધાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એમાં પણ મુખ્ય કારણ ચીન છે ! છેક ચીનથી શરૂ થતા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની પૂછડી છેક કચ્છને અડીને આવેલા વિસ્તારો સુધી પૂર્ણ થાય છે.

  આ મહત્ત્વપૂર્ણ કોરિડોરને લીધે સિંઘ અને બલુચિસ્તાનમાં અનેક કામો ચીનની કંપનીઓ કરી રહી છે. ખાસ કરીને કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી તો સરહદની લગોલગ જ ચીની કંપનીઓને જમીનો આપવામાં આવી રહી છે. ઇકોનોમિક કોરિડોરના ભાગ રૂપે કચ્છની સરહદ નજીક ખાણ, માર્ગો તથા પાવર પ્લાન્ટ સહિતનાં કામો ચીની કંપનીઓને આપવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન કરાચી પાસે આવેલા બે મહત્ત્વપૂર્ણ ટાપુ વિકાસના નામે ચાઇનીસ કંપનીને સોંપવા માગે છે એવી હિલચાલ છે. આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં પણ આ અહેવાલો આવતાં સિંઘનો સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો છે. પાકિસ્તાને ગ્વાદર બંદર પહેલેથી જ ચીનને સોંપી દીધું છે. હવે કરાંચી પાસે બે ટાપુ પણ ચીનને સોંપવામાં આવે તો કચ્છ અને ભારતની સુરક્ષા સામે ખતરો બની શકે છે.

  કચ્છને અડીને આવેલો કારોંજર ડુંગર ડ્રેગન ભરખી જશે?
  કચ્છની પૂર્વ સરહદની લગોલગ પાકિસ્તાનમાં નગરપારકર આવેલું છે, જ્યાં સરહદની બિલકુલ પાસે પ્રખ્યાત કારોંજર ડુંગર આવેલો છે. સ્થાનિક સરકારે તો આ ડુંગરને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવાના પ્રયાસો પણ આદર્યા છે. આ ડુંગરોની તળેટીઓમાં હિંદુ અને જૈન મંદિરો આવેલાં છે. હવે આ ડુંગરમાં ખાણની લીઝો મંજૂર કરવામાં આવી રહી છે. અહીં પણ ચીન કંપનીઓ કામ કરી રહી હોવાનો દાવો સિંઘના જાગ્રતો કરી રહ્યા છે.

  બોર્ડરથી માત્ર 50 કિમી દૂર ચીની કંપનીના પાવર પ્લાન્ટ!
  કચ્છની બોર્ડરથી ઉત્તરે 50 કિમી દૂર પાકિસ્તાનમાં ઇસ્લામકોટ શહેર છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનાં કામો અહીં સુધી પહોંચી આવ્યાં છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટના ભાગરૂપે અહીં થાર એન્ગ્રો કોલ પ્રોજેક્ટો ચાલુ છે. આ પાવર પ્લાન્ટ પાકિસ્તાન અને ચીનની કંપની સાથે રહીને સ્થાપ્યો છે. 25 કિમી દૂર આ પ્રોજેક્ટનો બીજો તબક્કો પણ આકાર લઇ રહ્યો છે. એટલું જ નહીં, સિંઘમાં જ કચ્છની નજીક જ આવેલા પોર્ટ કાસીમમાં પણ ચીન એક પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે. તથા અન્ય અનેક પ્રોજેક્ટ સિંઘમાં આકાર લઇ રહ્યા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here