આરપીએસ મૈની શિરોમણી અકાલી દળમાં જોડાઇ ગયા
કેન્દ્ર સરકારે ઘડેલા કૃષિ કાયદાની વિરુદ્ધ એક તરફ પંજાબ અને ચંડીગઢમાં જોરદાર વિરોધી આંદોલન ચાલી રહ્યા છે ત્યારે ખુદ શાસક પક્ષ ભાજપમાં આ કાયદા વિરુદ્ધ બળવો શરૂ થઇ ગયાના અણસાર મલ્યા હતા.
તરનતારન ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ આરપીએસ મૈનીએ શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંઘ બાદલની હાજરીમાં શિરોમણી અકાલી દળમાં સભ્યપદ મેળવી લીધું હતું. ભાજપને રામ રામ કરી દીધા હતા.
વ્યવસાયે વકીલ એવા મૈની 2002માં ભાજપમાં જોડાયા હતા. 2009થી 1014 સુધી એ તરનતારન જિલ્લા ભાજપના અધ્યક્ષ હતા. 2017 સુધી ભાજપના રાજ્ય એકમના પ્રવક્તા હતા. તેમણે મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે જમ્મુ કશ્મીરમાં પંજાબી ભાષા સાથે ભેદભાવ થઇ રહ્યો છે અને હવે કેન્દ્ર સરકારે ખેડૂતોને અન્યાય થાય એવા કાયદા ઘડ્યા છે એટલે મેં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હવે બધા નિર્ણયો મોવડી મંડળ લેતું હતું. ભાજપના પંજાબ એકમની અવગણના કરાઇ રહી હતી. અમારી વાત કેન્દ્રમાં કોઇ સાંભળતું નથી.
આ પ્રસંગે સુખબીર સિંઘ બાદલે કહ્યું કે ભાજપ સાથેના જોડાણનો અંત લાવ્યા બાદ હવે અમે રાજ્યના તમામ 117 મતદાર વિભાગોમાં કામ કરીશું અને પક્ષને મજબૂત બનાવીશું. કેન્દ્ર સકાર ખેડૂતોને દુશ્મન માની રહી હતી એ ખોટું છે. ખેડૂતોએ અગાઉ રેલવે રોકો આંદોલન કર્યું હતું. એ આંદોલન પાછું ખેંચ્યાને એક સપ્તાહ થઇ ગયું પરંતુ સરકારે ખેડૂતોને અન્યાય થાય એવા કાયદા રદ કર્યા નથી.