તહેવારો પૂર્વે સોનામાં ડિસ્કાઉન્ટના બદલે પ્રીમિયમો બોલાયા

0
88

– કરન્સીમાં બંધ બજારે ડોલરમાં પીછેહટ: સોના-ચાંદીના ભાવમાં આગળ વધેલી તેજી

– વિશ્વબજારમાં નોર્વે ખાતે હડતાલ પૂરી થતાં ક્રૂડ તેલના ભાવમાં વધ્યામથાળેથી ઘટાડો

મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સ ાાવાર બંધ રહી હતી, પરંતુ બંધ બજારે ખાનગીમાં સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ ઝવેરી બજારમાં પણ આજે ભાવમાં નવો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વબજારના સમાચાર તેજી બતાવનારા મળ્યા હતા અને તેના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચકાતા તહેવારો પૂર્વે સોના-ચાંદીના ભાવ ઊછળતા જોવા મળ્યા હતા. 

દરમિયાન, તહેવારો નજીક આવતાં હવે દેશના ઝવેરી બજારોમાં સોનામાં ડિસ્કાઉન્ટના બદલે પ્રીમિયમો બોલાવાની શરૂઆત થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

આ પૂર્વે દેશમાં સોનાના ડિસ્કાઉન્ટ ઔંશદીઠ આશરે ૬ ડોલર રહ્યા હતા, તેના બદલે હવે ઔંશદીઠ ૨ ડોલર જેટલા પ્રીમિયમો બોલાતા થયા છે, જ્યારે ચીનમાં હજી ઔંશદીઠ ૩૦થી ૩૨ ડોલર જેટલા ડિસ્કાઉન્ટ બોલાઈ રહ્યાના સમાચાર હતા, સામે સિંગાપોર તથા જાપાનમાં સોનાના ભાવમાં નજીવા પ્રીમિયમો બોલાઈ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૦,૬૭૪થી વધી રૂ.૫૦,૮૭૫ બોલાઈ રહ્યા હતા, જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૦,૮૭૮થી વધી રૂ.૫૧,૦૨૫ બોલાઈ રહ્યા હતા, સામે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઊંચા રહ્યા હતા.

મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ .૯૯૯ના કિલોદીઠ જીએસટી વગર રૂ.૬૧,૧૦૬થી ઊછળી રૂ.૬૨,૧૦૦ બોલાઈ રહ્યા હતા, જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઊંચા રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ખાતે ચાંદીના ભાવ રૂ.૧,૦૦૦ વધી રૂ.૬૨,૫૦૦ રહ્યા હતા, જ્યારે સોનાના ભાવ રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૫૨,૫૦૦ અને ૯૯.૯૦ના રૂ.૫૨,૭૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૯૧૬ ડોલરથી ઊછળી ૧૯૩૦ ડોલર બોલાયાના સમાચાર મળ્યા હતા તથા સોનાના પગલે ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૪.૩૯ ડોલરથી વધી ૨૫.૧૬ ડોલર રહ્યા હતા. અન્ય કીમતી ધાતુઓ પણ ઊછળી હતી. વિશ્વબજારમાં પ્લેટિનમના ભાવ ૮૮૫ ડોલરથી વધી ૮૯૩ ડોલર, જ્યારે પેલેડિયમના ભાવ ૨૪૩૨ ડોલરથી વધી ૨૪૪૧ ડોલર બોલાઈ રહ્યા હતા.

અમેરિકા ખાતે સરકાર દ્વારા નવું સ્ટિમ્યુલસ પેકેજ વિષે પોઝિટીવ વાતાવરણ ઊભું થયું છે અને આવું પેકેજ અપાશે ત્યારે કરન્સી બજારમાં પુરવઠો વધવાની શક્યતા વચ્ચે વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ નીચો ઊતરતાં વૈશ્વિક સ્તરે સોનામાં ફંડો અને મની મેનેજરોની લેવાલી નીકળી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૭૩.૧૪થી ઘટી રૂ.૭૩.૧૦ બોલાઈ રહ્યા હતા.

વિશ્વબજારમાં સોનાના ભાવ સતત બે સપ્તાહથી વધી રહ્યા છે અને આ વર્ષે સોનાના ભાવમાં અત્યાર સુધીમાં આશરે ૨૬ ટકાની વૃદ્ધિ થઈ છે. વૈશ્વિક ક્રૂડ તેલ વાયદામાં તેજીવાળાઓએ પોઝિશન ઘટાડયાના પણ નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક ગોલ્ડ ઈટીએફમાં આ વર્ષે પ્રથમ નવ મહિનામાં આશરે ૧,૦૦૦ ટન સોનું જેનું મૂલ્ય ૬૦ અબજ ડોલર થાય છે એટલા જથ્થામાં હોલ્ડિંગ વધ્યું હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્યામથાળેથી આશરે ૧થી ૧.૫૦ ટકો ઘટી સપ્તાહના અંતે બેરલદીઠ ભાવ ન્યૂયોર્ક ક્રૂડના ૪૦.૬૦ ડોલર તથા બ્રેન્ટ ક્રૂડના ૪૨.૮૫ ડોલર રહ્યાના સમાચાર હતા. નોર્વે ખાતે ઓઈલ ફિલ્ડમાં કામ કરતાં કામદારોની હડતાળ સમાપ્ત થતાં હવે વિશ્વબજારમાં નોર્વેનું ક્રૂડ તેલ વધુ આવશે એવી શક્યતા વચ્ચે ક્રૂડ તેલના ભાવ ઊંચા મથાળેથી નીચા ઊતર્યા હોવાનું વૈશ્વિક જાણકારોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here