તેઓને કામ કરવું નથી .

0
81

શિક્ષણ ક્ષેત્રમાં આ સરકારનું એક યોગદાન એ છે કે એમાં નાણાં ખાતા જેવા બહુ મોટા અખતરાઓ કર્યા નથી. નાણાં ખાતામાં પ્રયોગો કરીને દેશની આર્થિક પોલિસીઓ વેરવિખેર કરી એટલી હદે તો શિક્ષણમાં નુકસાન કર્યું નથી. જો કે કૃષિ ક્ષેત્રમાં ભાજપે બધું રમણભ્રમણ કરવાની હવે શરૂઆત કરી છે.

નોટબંધી અને જીએસટીમાં થયું હતું તેમ લોકો સમજે – ન સમજે ત્યાં તો ખતરનાક નુકસાન શરૂ થઈ ગયું હોય જેની પાકી ખબર તો બે વરસ પછી પડે. ત્રિવિધ કૃષિ બિલોમાં એવું જ થવાનું છે. અત્યારે તો ભાજપના બેવકૂફ પેઈડ પાલતુઓ તો આ કૃષિબિલો કેવા મહાન છે એની પરીકથાઓ ઘડવા ને સંભળાવવામાંથી જ ઊંચા આવવાના નથી. હિઝ માસ્ટર્સ વોઈસની રેકર્ડ હજુ એક વરસ સુધી વાગ્યા કરવાની છે.

વડાપ્રધાન મોદીએ એમ માની લીધું કે સંસદના નીચલા ગૃહમાં આપણી પાસે બહુમતી છે અને ઉપલા ગૃહમાં બહુમતી મેનેજ થઈ જાય છે એટલે કૃષિ બિલો પાસ થઈ જશે ને એમ જ થયું પરંતુ તેઓ એક વાત ભૂલી ગયા કે સંસદની બહાર દેશમાં તો કિસાનોની બહુમતી છે. હવે એ બહુમતીને આ કૃષિબિલો કોઈ રીતે ગળે ઉતરે એમ નથી. એટલે ખરેખર ભાજપ હવે એવો તો ભેખડે ભરાયો છે કે આ સળગતું લાકડું એને બધી જ ચૂંટણીઓમાં નડવાનું છે.

મિસ્ટર મોદી ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ તેઓ શૈક્ષણિક સુધારણાના વિરોધી હતા, તેમના સત્તાકાળમાં ગુજરાતના વિદ્યાજગતમાં એની એ જ જરીપુરાણી ઘટમાળ ચાલતી રહી હતી, છેલ્લા પાંચેક વરસમાં દેશમાં યુનવસટીઓનું જે રીતે પતન થતું રહ્યું છે તે આમ તો ખબર ન પડે એવું છે પરંતુ આંતરરાષ્ટ્રીય તુલનાત્મક અભ્યાસ પ્રગટ થતા રહેતા ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું સ્તર સ્પષ્ટ થવા લાગ્યું છે. કદાચ વિદેશી સંસ્થાઓ સાથે તુલના કરવી જરૂરી નથી એમ માની લઈએ તો કમસે કમ એટલી તો અપેક્ષા રહે કે વિદ્યાર્થીઓ જે ભણે છે તે તો તેને આવડતું હોવું જોઈએ.

આપણી કોલેજોમાં વિદ્યાર્થી જે ભણે છે તે જ તેને આવડતું નથી. ભાજપની એક જૂની થિયરી છે કે શિક્ષણમાં બહુ અપગ્રેડેશનની જરૂર નથી, કારણ કે બધા અભ્યાસમાં તેજસ્વી હશે તો રોજગારી ચાહશે ને ? આજે દેશમાં પરિસ્થિતિ એ છે કે ૯૦ ટકા સ્નાતકો તો નોકરી મેળવવા માટે પોતે યોગ્ય છે કે કેમ તે અંગે જ સાશંક છે. બહુ ઊંડે ડૂબકી મારો તો ખ્યાલ આવે કે આપણા દેશમાં કરોડો લોકો એવા છે કે જેમને કામ કરવું નથી.

આ પરિસ્થિતિની સામે વિવિધ કંપનીઓની ભીતરી હાલત પણ જોવા જેવી છે. જેનામાં કામની આવડત હોય એવા કર્મચારીઓ આસાનીથી મળતા નથી. બીજી પણ એક વાત છે કે કોર્પોરેટ જોબમાં ખંધા અને લુચ્ચા માણસોની સંખ્યા વધુ છે. નવી પેઢીનો કોઈ સિતારો સારી રીતે કામકાજ કરતો હોય તો પેલા ખંધા સિનિયરો સહન કરી શકતા નથી.

દરેક કંપનીમાં તેજસ્વી ઉમેદવારોને કામ કરતા અટકાવવાના બેરિયર્સ ગોઠવેલા છે. આજકાલ પ્રતિભાસંપન્ન લોકો બહુ ઝડપથી નોકરી બદલાવે છે, કારણ કે જે ઉમેદવારમાં ક્ષમતા છે તે પેલા ખંધા મેનેજરોને આધીન રહી શકે નહિ.

દેશમાં સંખ્યાબંધ એચઆર કંપનીઓ અસ્તિત્વમાં આવી છે. તેમનું કામ કંપનીઓને સારા કર્મચારીઓ શોધી આપવાનું છે. આ કંપનીઓને પણ સારા કર્મચારી ઉમેદવારો મળતા નથી. કોર્પોરેટ ક્ષેત્રમાં દેશમાં અનેક આંતરપ્રિનિયોરશિપ કંપનીઓ પણ છે. આજકાલ દેશમાં દરેક કંપની સારા ઉમેદવારોને શોધે છે.

આ સ્થિતિ દર્શાવે છે કે જે વિદ્યાર્થીઓને આપણી શૈક્ષણિક પ્રણાલિકા તૈયાર કરે છે, તેમાંથી બહુ જૂજ લોકો જ સ્પર્ધાત્મક રીતે ટકી શકે એવા તૈયાર થાય છે. એવરેજ ઉમેદવારોની સંખ્યા બહુ મોટી છે, તેઓ પ્રાથમિક રીતે તો સર્વજ્ઞાાની હોય છે, પરંતુ તેઓને કોઈ કામ સોંપવામાં આવે તો તેઓ કરી શકતા નથી, વાતોના વડા કરનારો આવો ઘણો મોટો બેરોજગાર વર્ગ આપણા દેશમાં પેદા થયેલો છે જે હાલ ક્યાંય ચાલે એમ નથી.

દેશમાં બહુ જ ઓછા ઉમેદવારો એવા છે જેમનામાં જોબ ફિટનેસ હોય, મહત્ ઉમેદવારો તો જોબ માટે અનફિટ દેખાય છે. કોર્પોરેટ ક્ષેત્રમાં તીવ્ર સ્પર્ધા અને ચોક્કસ લક્ષ્યાંક સાથે કામ કરવાનું હોય છે. ખાનગી બેન્કો પોતાના કર્મચારીઓને પહેલા અધિકારીની જેમ સન્માન આપે છે. પછી તેમને પોતાના જુદા જુદા લાઇફ પ્લાન એટલે કે વીમા વેચવા માટે ગામેગામ ભટકતા કરી મૂકે છે. ખાનગી બેન્કો તેમના સ્ટાફને ફનચર જ માને છે અને ગમે ત્યાંથી ગમે ત્યાં ખસેડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here