તેજસ્વીના હસ્તે નીતીશનો તેજોવધ બિહારમાં નવા રાજકીય સમીકરણો

  0
  5

   31 વર્ષના યુવાને રાજકારણમાં નવો રાહ ચીંધ્યો છે

  બિહારના ચૂંટણી જંગમાં ભલે ભાજપે એક રાજ્ય સાચવી રાખ્યું હોય પણ તેને સાચવી રાખતા આંખે પાણી આવી ગયા હતા. એક ૩૧ વર્ષના યુવાને સુશાસનની વાતો કર્યા કરતા મુખ્ય પ્રધાન નિતીશ કુમારનો તેજોવધ કર્યો છે. 

  બિહારની ચૂંટણીમાં ડાબેરી પક્ષો પણ લાંબા સમય બાદ ઝળકી શક્યા છે. અસઉદ્દીન ઓવૈસીનો પક્ષ પણ ચમત્કાર બતાવી શક્યો હતો. કોંગ્રેસ માટે ભાગ્યોદય થયો હોય એમ લાગતું નથી. કોંગ્રેસ માટે બિહારનો જંગ ગોલ્ડન ચાન્સ હતો. 

  તેજસ્વિ યાદવે કઇ વ્યૂહ રચના અપનાવી તે તો ખબર નથી પડતી પણ તેમની સભાઓમાં આવતી જંગી ભીડ જોઇને એક્ઝીટ પોલ વાળા પણ ગેરમાર્ગે દોરવાયા હતા. બિહારના કેસમાં  દરેકે તેજસ્વિને ૧૫૦ બેઠક મળશે એમ જણાવ્યું હતું. જોકે એક્ઝીટ પોલ લોકોનો સમય બગાડતો એક વિષય બની ગયો છે. આવા પોલના કારણે તેજસ્વિ યાદવે પોતાનું મંત્રીમંડળ તૈયાર કરી નાખ્યું હતું અને રસગુલ્લાનો જથ્થો તૈયાર કરી નાખ્યો હતો. 

  મંગળવારની મોડી રાત સુધી મતગણત્રી ચાલુ હતી. દરેક પક્ષના નેતાઓ જાગતા હતા. તેજસ્વિના પક્ષે મોડે સુધી  પોતાની જીતનો દાવો કર્યા કર્યો હતો. તેજસ્વિ યાદવની પ્રશંસા એટલા માટે કરવી જોઇએ કે તેના પિતા જેલમાં છે, માતા સભા પણ સંબોધી શકે એમ નથી, ભાઇ આડો ફાટેલો છે.
  પક્ષમાં સંગઠનના ધાંધિયા છે. છતાં તેની વિજય મેળવવાની ધગશ જોઇને ભાજપવાળા ચિત્ત થઇ ગયા હતા. અનેક યુવા રાજકારણીઓ કુટુંબના જોરે મુખ્ય પ્રધાન બન્યા છે જેમકે અખિલેશ યાદવ,ઓમાર અબ્દુલ્લા, ઉધ્ધવ ઠાકરે વગેરે. પરંતુ આ બધા સારું શિક્ષણ મેળવનાર હતા. તેમના પિતા સામે ભ્રષ્ટાચારના કોઇ કેસ નહોતા કે જેલમાં નહોતા. તેજસ્વિ યાદવ નિતીશ કુમારને એટલા માટે પડકારી શક્યા હતા કે લોકોને પરિવર્તન જોઇતું હતંું તે જાણી ગયા હતા. 

  નિતીશ કુમાર બોલવામાં ઢીલા પડતા હતા તેનો લાભ તેજસ્વિએ ઉઠાવ્યો હતો. રોજગારીની સમસ્યા ધ્યાનમાં રાખીને ૧૦ લાખ નોકરીઓનું વચન આપવામાં તેમણે પાછા વળીને જોયું નહોતું. બિહાર પરત ફરેલા લોકોને સવલતો આપવાની વાત કરીને તેમણે મતદારોના દિલ જીતી લીધા હતા. સતત ૧૫ વર્ષ મુખ્ય પ્રધાન રહ્યા બાદ પણ પોતાના પક્ષને જીતવા માટે ફાંફા પડે એ કેવું ? જનતા દળ (યુ)માટે આત્મ પરિક્ષણનો સમય છે કે ભાજપમાં વિલય થઇ જવાનો સમય છે એમ કહી શકાય. 

  અહીં મહત્વની વાત એ છે કે દરેક મોટા રાજ્યમાં ઘૂસ મારવા ભાજપ પહેલાં પ્રાદેશિક પક્ષો સાથે રહે છે પછી  એકલા હાથે ચૂંટણી લડીને રાજ્ય જીતે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે એકલા હાથે સત્તા રચી છે. બિહારમાં અને મહારાષ્ટ્રમાં પણ હવે આવું જ કરશે. પ્રાદેશિક પક્ષો ેએકાદ મજબૂત નેેતાના જોરે ટકતા હોય છે.

  ભાજપે નિતીશકુમાર મુખ્ય પ્રધાન બનાવીને બિહારના લોકોમાં પોતાની ઇમેજ વધારી છે.  ભાજપે  હવે શીખવું જોઇએ કે યુવાનો માટે જગ્યા કરી આપો નહીંતર લોકો ધક્કા મારીને કાઢશે. સત્તાધારી રાજકારણીઓનો એક વર્ગ ટોચ પર આવી ગયા પછી ખસવાજ તૈયાર નથી હોતો. તે નહીં તો તેમના કુટુંબીને સત્તા આપીને રાજકીય સત્તાને એક ફેમિલી બિઝિનેસ બનાવી દેતા હોય છે. 

  જે યુવા રાજકારણીઓ આગળ વધવા માંગે છે તેમણે તેજસ્વિ યાદવની ભાષણ કરવાની છટા અને ત્વરીત જવાબો આપવાની ક્ષમતાની પ્રેકટીસ કરવાની જરૂર છે. રાજકારણમાં આગળ વધવાની ધૂન પણ તેજસ્વિ પાસેથી શીખવી જોઇએ. ચિરાગ પાસવાને નિતીશની સામે પડીને પોતાની રાજકીય કારકિર્દી દાવ પર લગાવી હતી. તે નિતીશને નુકશાન પણ કરી શક્યા હતા પરંતુ તેમનો પક્ષ એક પણ બેઠક જીતી શક્યો નહોતો. 

  તેજસ્વિ યાદવનો પક્ષ માંડ ૧૧ બેઠકોથી હાર્યો છે. બિહારમાં પાંચ ્અપક્ષો પણ છે. આ લોકો એવા રાજકીય જુગારીઓ છે કે જે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહે કરેલી રાજકીય તોડફોડ જેવું બિહારમાં કરી શકે છે. તેજસ્વિ નામનો રાજકીય વાઘ ઇજાગ્રસ્ત છે તે નિતીશને રાજ નહીં કરવો એમ લાગી રહ્યું છે.   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here