દહેજ માટે ત્રાસ આપી પત્નીને મૂકીને પતિ અમેરિકા ભાગી ગયો

0
51

– મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

– દિકરી જન્મતા સાસરીયા ત્રાસ આપવા લાગ્યા હતા પત્નીને કહ્યું અમેરિકામાં લગ્ન કરી સેટ થવા માંગું છુંં

વાડજમાં રહેતી અને મિલમાં મેનેજર તરીકે કામ કરતી મહિલાના લગ્ન ગાંધીનગર ના કલોલ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. જોકે પતિ અને સાસરીયા દિકરી જન્મતા પરિણીતાને ત્રાસ આપવા લાગ્યા હતા અને દહેજ લઈ આવવા દબાણ કરતા હતા. દરમિયાન પતિ દિકરી અને પત્નીને મુકીને અમેરિકા જતો રહેતા સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત મુજબ નવા વાડજમાં રહેતા દિપ્તીબહેનના લગ્ન2013માં ગાંધીનગર ના કલોલમાં રહેતા સ્નેહલ એ.બારોટ સાથે થયા હતા.લગ્નજીવનથી દિપ્તીબહેનને દિકરી જન્મી હતી. જોકે પતિ, સાસુ અને સસરાને દિકરી જન્મી તે ગમ્યુ ન હતું. જેને કારણે તેઓ દિપ્તીબહેન સાથે ઝગડો કર્યા કરતા હતા.

દરમિયાન 2016માં પતિ સ્નેહલે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા માટેની ફાઈલ મુકી હતી. જેમાં પાંચ લાખની જરૂર પડતા પતિએ પત્નીને પૈસા લઈ આવવા માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આથી સાંતેજની એક મિલમાં મેનેજર તરીકે કામ કરતા દિપ્તીબહેને ફાઈલ બનાવવા માટે ફાયનાન્સર સપોર્ટ તરીકે મદદ કરી હતી. અમેરિકાના વિઝા મળી જતા પતિ અમેરિકા ચાલ્યો ગયો હતો.

બીજીતરફ સાસુ સસરા સાથે રહેતા દિપ્તીબહેનને તેઓ ઘરકામ માટે પરેશાન કરવા લાગ્યા હતા. ક્વાટર્સમાં રહેતા દિપતીબહેને અન્ય સારી જગ્યાએ રહેવા જવાનું કહેતા સાસુ સસરાએ ગાળાગાળી કરીને અમે કહીએ એમ રહેવું પડશે નહી તો ઘરમાંથી નીકળી જા એમ કહી દીધું હતું.આથી દિપતીબહેન દિકરીને લઈને પિયરમાં જતા રહ્યા હતા.

બીજીતરફ પતિએ અમેરિકા ગયા બાદ વિઝા ફાઈલ પ્લાનીંગ સાથે રિજેક્ટ થાય તે રીતે મુકાવતા દિપ્તીબહેનનું વિઝા ફાઈલનું સ્ટેટસ રિજેક્ટ થયું હતું. દિપ્તીબહેનના બે વાર અમેરિકા અને એક વાર કેનેડાના વિઝા રિજેક્ટ થયા હતા.

2018માં પતિ ભારત આવતા દિપ્તીબહેન દિકરીને લઈને કલોલમાં પતિના ઘરે આવ્યા હતા. દિવાળીમાં દિપ્તીબહેન સંબંધીના ઘરે બેસવા જતા ઘરે આવવામાં મોડુ થયું હતું. જેમાં સાસરીયાઓએ મારઝુડ કરી હતી. બાદમાં પતિએ હવે અમેરિકામાં બીજા લગ્ન કરીને સેટ થવા માંગુ છું તુ મને છુટાછેડા આપી દે નહીતર તને ઘરમાં ટકવા નહી દઈએ. 

બાદમાં તે પત્ની અને દિકરીને તેના પિયરમાં મુકી ગયો હતો અને ટુંક સમયમાં તમને અમેરિકા લઈ જઈશ કહીને અમેરિકા પરત જતો રહ્યો હતો. જેને પગલે દિપ્તીબહેને મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ સ્નેહલ, સસરા અશોકભાઈ બી.બારોટ અને સાસુ કોકીલાબહેન એ.બારોટ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here