દાયકાઓ પછી શેરી ગરબાની ગરિમા પાછી આવશે!, નવરાત્રિ શરૂ થવામાં માંડ બે દિવસ બાકી છે ત્યારે દર વર્ષની જેમ..

0
95

નવરાત્રિ શરૂ થવામાં માંડ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ હજુ કોઈ ચહલપહલ જોવા મળતી નથી. યુવાનોનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ કોરોનાના કારણે આ વખતે ફિક્કો રહેવાનો છે. સરકાર તરફથી નવરાત્રિનાં મોટાં આયોજનો પર પાબંદી મૂકવામાં આવી છે તેને કારણે યૂથ નિરાશ છે. વર્ષના નવ દિવસ યૂથ બની-ઠનીને રાસ ગરબા કરતું હોય છે. આખું વર્ષ આ નવ દિવસની રાહ જોવામાં અને તેનું પ્લાનિંગ કરવામાં યુવક-યુવતીઓ ગૂંથાયેલાં રહેતાં હોય છે. આ નવ દિવસ યુવક-યુવતીઓ માટે આઝાદીના, મુક્તમને હરવા-ફરવાના અને યૌવનનો ઉન્માદ પ્રગટ કરવાના હોય છે. આ વર્ષે જ્યારે માત્ર શેરી ગરબાની મંજૂરી મળી છે ત્યારે દાયકાઓ પછી શેરી ગરબા જીવંત બનશે તેવું લાગી રહ્યું છે. નવી પેઢીનાં યુવક-યુવતીઓ મને-કમને પણ શેરી ગરબામાં જોડાશે ત્યારે તેમને પણ એક જમાનામાં શેરી ગરબાની જે ગરિમા હતી તેનો અહેસાસ થશે. પેરન્ટ્સને આ વર્ષે નવરાત્રિમાં જેટલી શાંતિ મળવાની છે તેટલી અગાઉ કદાચ ક્યારેય નહીં મળી હોય. પેરન્ટ્સ પણ પોતાનાં યુવાન દીકરા-દીકરીઓને પહેલી વાર લાઈવ ગરબા રમતાં જોશે તે પણ એક અનોખી વાત નથી ?

શેરી ગરબા દાયકાઓથી પાર્ટીપ્લોટ થતા કોમર્શિયલ ગરબાઓમાં ખોવાઈ ગયા છે પરંતુ શેરી ગરબાનો પણ એક આગવો ઇતિહાસ છે. આજના પાર્ટીપ્લોટ પર યોજાતા કોમર્શિયલ ગરબાઓમાં જ્યારે પાસથી લઈને પાર્કિંગ અને નાસ્તા સુધી રૂપિયાનું ચલણ છે ત્યારે શેરી ગરબામાં કોઈ પાસ ન હતા કે પાર્કિંગની કોઈ કડાકૂટ ન હતી. નાસ્તો પણ ગરબાના બ્રેક દરમિયાન શેરી, પોળ કે સોસાયટીના કોઈ ને કોઈ સધ્ધર રહીશ દ્વારા મળી જતો હતો અને ઉપરાંત લહાણી લટકામાં મળતી. લહાણી એટલે શું એ આજનાં યુવક-યુવતીઓને ખબર નહીં હોય પરંતુ દરેક ગરબા ગાનારને ગરબા પૂરા થયા પછી નાનીમોટી ભેટ અપાતી તેને લહાણી કહેવાતી. લહાણીનો આ રિવાજ નવેનવ દિવસ મોટા ભાગે દરેક શેરી ગરબાના આયોજનમાં અચૂક રહેતો. કોઈને ત્યાં સંતાનનો જન્મ થયો હોય કે નવાં લગ્ન થયાં હોય કે પછી કોઈએ નવું ઘર બનાવ્યું હોય આ બધા જ નવરાત્રિમાં પોતાના તરફથી ગરબા રમનારને ગિફ્ટ આપતા. શેરી ગરબાની આ જ તો ખૂબી હતી કે ઘરઆંગણે ગરબા યોજાતા એટલે ૧૦૦ ટકા સેફ્ટી રહેતી. વાલીઓને પોતાનાં સંતાનોની કોઈ ચિંતા રહેતી નહીં. આજે એક વાગ્યે કે ર વાગ્યે પાર્ટીપ્લોટના ગરબા રમીને સંતાન ઘરે ન આવે ત્યાં સુધી વાલીઓનો જીવ ઘરે સતત ઊંચો રહેતો હોય છે. શેરી ગરબામાં નજર સામે સંતાનો ગરબા રમતાં હોય એટલે મા-બાપના જીવને ટાઢક રહેતી.

ગણપતિ ઉત્સવ પૂરો થાય એટલે જ શેરી ગરબાનાં આયોજનોની તૈયારી દરેક ફળિયા કે સોસાયટીઓ કે પોળમાં થવા માંડતી હતી. ગરબાનું ગ્રાઉન્ડ તૈયાર થતું, ગરબા ગ્રાઉન્ડ પર ડેકોરેશન માટે કાગળની રંગબેરંગી પટ્ટીઓથી માંડીને ઈલેક્ટ્રિક બલ્બની સીરિઝો સહિતના જાતજાતના શણગારનું પ્લાનિંગ થતું. આમાં ફળિયાનાં જ મોટા ભાગનાં યુવક યુવતીઓનો સહકાર રહેતો. વહીવટમાં આગળ પડતા યુવાનોની ટીમ આયોજન માટે ફંડ-ફાળાની વ્યવસ્થા કરતી. જેમાં ફળિયામાં રહેતા દરેકના ઘરે જઈને ટીપ લખાવવામાં આવતી. શેરીના રહીશો પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે ફાળો નોંધાવતા અને અનુકૂળતાએ આયોજકોને આપતા. આમાં કોઈ જબરજસ્તી થતી નહીં, પરંતુ પ્રેમથી ખેંચતાણ જરૂર થતી. ફાળો નોંધાવનારા શેરીના વડીલો જો ઓછી ટીપ લખાવતા તો યુવાનો કહેતા કે કાકા, આ વર્ષે ખર્ચો વધારે છે આપણે નવરાત્રિ માટેની સાઉન્ડ સિસ્ટમ વસાવવાની છે એટલે તમે વધુ ફાળો લખાવો. મોટા ભાગે આ પ્રેમભર્યા આગ્રહને વડીલો માન આપતા અને આયોજકોનો ઉત્સાહ વધારતા. શેરી ગરબામાં કોમર્શિયલ ગાયકો અને વાજિંત્રો વગાડનારાઓને બોલાવવાની પ્રથા તો ખૂબ મોડી શરૂ થઈ. શેરીના જ કલાકારો ગરબા ગાવા અને વગાડવાની કામગીરી મોટેભાગે ઉઠાવી લેતા. આ કલાકારોનું નવરાત્રિ દરમિયાન ખૂબ માનપાન રહેતું. આયોજકો તેમને હાથમાં જ રાખતા, કારણ કે આખા આયોજનની સફળતાનો આધાર આ ઘરઆંગણાના કલાકારોના હાથમાં રહેતો.

નવરાત્રિના પહેલા દિવસથી જ આખી શેરી ચોખ્ખીચણાક થઈ જતી. શેરીની વચ્ચે ખુલ્લી જગ્યા રોશની અને શણગારથી ઝગમગી ઊઠતી. ગ્રાઉન્ડની વચ્ચે માતાજીની છબી પધરાવવામાં આવતી તો કેટલીક જગ્યાએ માંડવડીઓ મૂકવામાં આવતી, જેના પર દીવડાઓની રોશની થતી. સંપૂર્ણ ધાર્મિક વાતાવરણની સાથે શેરીમાં ગરબા ગવાતા. વડીલો આજુબાજુના ઓટલા પર બેસીને ગરબા નિહાળતા અને યુવક-યુવતીઓ અને મહિલાઓ સજી-ધજીને ફળિયામાં ગરબા કરતાં.

શેરીમાં પરંપરાગત ગરબા ગવાતા જેમાં મા જગદંબાની સ્તુતિના ગરબા હોય, સાથે સાથે લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા હોય, સાસુ-વહુની મીઠી નોકજોક, નવદંપતીઓનાં મનામણાં-રીસામણાંની વાત હોય આ બધી વાતો ગરબામાં વણી લેવાતી અને હોંશેહોંશે સૌ જોનારા અને રમનારા ગરબાને માણતા. મોટાભાગે અધરાત-મધરાત સુધી શેરી ગરબા ચાલતા તો કેટલીક પોળોમાં તો વહેલી સવાર સુધી ગરબા રમાતા.

શેરી ગરબાની સુંદરતા એ હતી કે અહીં કોઈ અમીરગરીબ ન હતું, કોઈ ઊંચ-નીચ ન હતું, ગરબા રમવા માટેના કે જોવા માટેના કોઈ પાસ ન હતા, દરેક જણ ગરબામાં સામેલ થઈ શકતો અને તેનો આનંદ માણતો. જ્યારથી પાર્ટી પ્લોટ પરના ગરબા અને કોમર્શિયલ ગરબાની શરૂઆત થઈ ત્યારથી આ શેરી ગરબાઓ પર જાણેઅજાણે ગ્રહણ લાગી ગયું. દેખાદેખીમાં યુવક-યુવતીઓ આ કોમર્શિયલ ગરબાનાં આયોજનમાં જવા લાગ્યાં. જ્યાં એન્ટ્રી માટે મોંઘાદાટ પાસ હોય, વાહન પાર્કિંગ માટે અલગ ફી હોય, ચડસાચડસીમાં દરરોજ નવા નવા ડ્રેસ અને ઓર્નામેન્ટ્સ લાવવાના હોય, સાથે સાથે ગરબા પતે એટલે નાસ્તા-પાણી કરવા માટેનું અલગ બજેટ હાથવગું રાખવાનું હોય. એક યુવક-યુવતી દીઠ નવરાત્રિમાં ઓછામાં ઓછો ૨૫થી ૩૦ હજારનો ખર્ચ થાય છે. આ બજેટ મોટાભાગે વાલીઓ સંતાનોની ખુશી માટે જોકે હસતા હસતા ફાળવતા હોય છે પરંતુ તેમને સામી દિવાળીએ બે છેડા ભેગા કરતા શું તકલીફ પડે છે તેની ભાગ્યે જ તેમનાં સંતાનોને ખબર પડતી હોય છે.

આસ્થા અને આરાધનાના પર્વ નવરાત્રિને જ્યારથી કોમર્શિયલ રંગ લાગ્યો છે ત્યારથી ઘણીબધી મુશ્કેલીઓનું સર્જન થયું છે. કોમર્શિયલ નવરાત્રિના આયોજનમાં કેટલીક અણધારી બાબતો એવી બનતી હોય છે કે જે યુવતીઓ અને તેમના પેરન્ટ્સ માટે ન કહેવાય ન સહેવાય તેવી સ્થિતિનું સર્જન કરતી હોય છે. આ વર્ષે શેરી, પોળ કે સોસાયટીના ગ્રાઉન્ડમાં ફરી પાછી માતાજીની છબી મુકાવાની છે અને યુવક-યુવતીઓ કદાચ પહેલી વાર પોતાના ઘરઆંગણે ગરબા રમવાનાં છે. પેરન્ટ્સને આ વર્ષે નવરાત્રિમાં જેટલી શાંતિ મળવાની છે તેટલી અગાઉ કદાચ ક્યારેય નહીં મળી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here