દાહોદમાં પ્રણય ત્રિકોણમાં બે પરિવારો પીંખાયાં, અનૈતિક સંબંધોની શંકાએ મિત્રની હત્યા, 4 બાળકોનું ભવિષ્ય અંધકારમય

  0
  31

  પિયર ગયેલી પત્નીએ ફરિયાદ કરતાં આક્રોશમાં મિત્રને જાહેરમાં ચપ્પુ ઝીંકી પતાવી દીધો… હત્યા કરી આરોપી પોલીસ મથકે હાજર થઇ જતા હત્યાનો ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી..

  દાહોદમાં ફ્રીલેન્ડગંજમાં સોમવારે એક મિત્રએ પોતાની પત્ની સાથે તેનો મિત્ર આડો સંબંધ રાખતો હોવાની શંકાએ જાહેરમાં ચપ્પુના મારી ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. હત્યા કરી પછી આરોપી પોતે જ પોલીસ મથકે હાજર થઇ જતા પોલીસે ધરપકડ કરી છે.

  દાહોદના પ્રેમ નગરમાં રહેતાં પપ્પુ રમણભાઇ ડાંગી અને ફ્રીલેન્ડગંજમાં રહેતા સરબજીત રામનાથ યાદવ સાથે જ રેલવે વર્કશોપમાં ફરજ બજાવે છે. ચાર માસથી પપ્પુની પત્ની કોઇક કારણોસર તેના પિયર ચાલી ગઇ છે, અને તેણે દાહોદ મહિલા પોલીસ મથકે પતિ પપ્પુ અને સાસુ વિરુધ્ધ અરજી કરી હતી. બીજી તરફે સરબજીત પોતાની પત્ની સાથે આડો સંબંધ રાખતો હોવાનો શંકાનો કીડો પણ પપ્પુના મનમાં સળવળતો હતો.

  આજે સવારના ૯ વાગ્યાના અરસામાં પપ્પુએ જાહેરમાં ચપ્પુ લઇને સરબજીત યાદવ તરફ ધસી જઈ પેટમાં જીવલેણ ઘા ઝીંકી દેતાં સરબજીત જમીન પર ફસડાઇ ગયો હતો. તેમ છતાં ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દઈ પપ્પુ ડાંગી ભાગી ગયો હતો. બનાવ બાદ એમ્બ્યુલન્સ મંગાવી સરબજીતને રેલવે હોસ્પીટલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતુ. શહેર પોલીસ મથકે જાણ થતાં ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પંચનામુ કરી આગળની કાર્યવાહી શરુ કરી હતી. પપ્પુ ડાંગી પોલીસ મથકે હાજર થઇ ગયો હતો અને પોલીસે પણ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  પ્રણય ત્રિકોણમાં બે પરિવારો પીંખાયાં

  સરબજીત બીમાર થાય અને તેણે મુંબઇ રેલવેના દવાખાને સારવાર માટે જવાનુ હોય તો પપ્પુ જ તેને લઇને મુંબઇ જતો હતો. તેમ છતાં પ્રણય ત્રિકોણમાં એક સાથે બે પરિવારો પીંખાઇ જતા મુખ્યત્વે બાળકોની સ્થિતિ વિકટ બની ગઇ છે.

  ચાર બાળકોનું ભવિષ્ય મુશ્કેલીમાં મુકાયું

  પપ્પુની પત્ની ચાર માસથી તેના બે બાળકોને પપ્પુ પાસે મુકીને પિયર ચાલી ગઇ છે. સરબજીતને પણ બે બાળકો છે ત્યારે હવે પપ્પુ જેલમાં છે અને સરબજીતનુ મૃત્યુ થયુ છે. જેથી ચાર બાળકોનાં ભવિષ્ય મુશ્કેલીમાં મુકાયા છે.

  હત્યાના બે બનાવ વર્ષાેથી વણઉકલ્યા

  સિધ્ધેશ્રવરી સોસાયટીમાં વર્ષાે પહેલાં પાલિકાના માજી ઇજનેરની ગોળી ધરબી દઇને હત્યા થઈ હતી. તેનો ભેદ હજી સુધી ઉકલ્યો નથી. ત્યાર પછી ગુજરાતી વાડમાં વૃધ્ધાની પણ ધોળે દિવસે હત્યા કરી દેવામાં આવી હતી અને તે ઘટનામાં પણ આજ દિન સુધી કોઇ પગેરું મળ્યુ નથી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here