દિલ્હીનાં તોફાનોમાં પોલીસ પણ સંડોવાઇ હતી ? દિલ્હીના ગૃહ મંત્ર્યાલયે વિડિયો ક્લીપ રજૂ કરી

0
28

– પોલીસ પથ્થમારો કરતી દેખાય છે

નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકતાના રજિસ્ટર વિરુદ્ધ આ વર્ષના આરંભે પાટનગર નવી દિલ્હીમાં થયેલાં હિંસક તોફાનોમાં પોલીસ પણ સંડોવાયેલી હતી એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

અત્યાર અગાઉ કેટલીક એનજીઓ અને સામાજિક કાર્યકરોએ પણ એવા આક્ષેપ કર્યા હતા કે હિંસક તોફાનોમાં પોલીસ પણ સંડોવાયેલી હતી. હવે દિલ્હી સરકારના ગૃહ ખાતાએ કેટલીક વિડિયો ક્લીપ રજૂ કરી હતી જેમાં તોફાનીઓ સાથે પોલીસના યુવાનો પણ પથ્થરમારો કરતા નજરે પડ્યા હતા. દિલ્હીના ગૃહ ખાતાએ પાંચમી ઓક્ટોબરે સાત વિડિયો ક્લીપ રજૂ કરી હતી જેમાં ઓછામાં ઓછા બે પોલીસ કોન્સ્ટેબલ ભીડ પર પથ્થમારો કરી રહેલા દેખાયા હતા. એજ રીતે બીજી એક ક્લીપમાં સડક પર ઇજાગ્રસ્ત પડેલા લોકોને ત્રણ પોલીસ કેાન્સ્ટેબલ રાષ્ટ્રગીત ગાવાની ફરજ પાડી રહેલા જોઇ શકાયા હતા.

દિલ્હીના ગૃહ ખાતાએ આ ક્લીપ્સ પોલીસ ખાતાને સોંપી હતી. ઇશાન દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનરે બે દિવસ પછી જવાબ આપતાં કહ્યું હતું કે તમે આપેલી ત્રણ વિડિયો ક્લીપમાં દેખાતા પોલીસ જવાનો સામે પગલાં લેવામાં આવ્યાં હતાં. અન્ય વિડિયો ક્લીપ્સની ટેક્નિકલ બાબતોની તપાસ કરાઇ રહી હતી. ઘટના સ્થળ, તારીખ, સમય વગેરેની ખાતરી કર્યા બાદ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. સડક પર પડેલા ઘાયલોને રાષ્ટ્રગીત ગાવાનું કહેતા પોલીસ અંગે દિલ્હી પોલીસે કહ્યું હતું કે આ વિડિયો ક્લીપની તપાસ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટીવ ટીમ કરી રહી હતી. એકવાર એ સાચી પુરવાર થઇ જાય ત્યારબાદ સંબંધિતો સામે પગલાં લેવાશે અને એનો રિપોર્ટ તમને મોકલવામાં આવશે.

અન્ય એક વિડિયોમાં સશસ્ત્ર પોલીસની એક ટુકડી તોફાનીઓ પર સામો પથ્થમારો કરી રહેલી દેખાતી હતી. નજીકમાં એક પોલીસ આઉટપોસ્ટ દેખાય છે જેના પરથી સ્થળનો ખ્યાલ આવી શકતો હતો. આ ક્લીપમાં સંડોવાયેલા પોલીસના ચહેરા સાફ નજરે પડતા હતા. આ ઉપરાંત એક ક્લીપમાં પોલીસ લોકોને ધમકી આપી રહેલી પણ દેખાતી હતી. આ વિડિયો ક્લીપ્સ કોણે ક્યારે ઊતારી અને ગૃહ ખાતા પાસે ક્યાંથી આવી એની સ્પષ્ટતા થઇ નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here