દિલ્હીના ‘બાબા કા ઢાબા’ જેટલો જ પ્રસિદ્ધ છે મોરબીનો ‘બચુદાદા કા ઢાબા’, 40 વર્ષથી લોકોને જમાડે છે , માત્ર રૂ.40માં અનલિમિટેડ ફુલ ડિશ

    0
    7
    • દરરોજ 15 લોકોને મફતમાં જમાડવાનો નિયમ આજે પણ અકબંધ, 10 મહિના પહેલાં પત્નીના નિધન બાદ એકલા હાથે ઢાબા ચલાવે છે
    • બચુદાદાનો રોજનો રૂ. 1700 ખર્ચ, 100 રૂપિયા જ બચે છતાં કોઈની પાસે પૈસા ન હોય તો કહે, ‘કાંઈ નહીં, કાલે આપજે, પણ ભૂખ્યો ન રહેતો’
    • ઢાબામાં રોજ 150 લોકો જમવા આવે છે અને તેમાં 10 પાસે તો પૈસા પણ હોતા નથી, ડિશમાં 3 શાક, રોટલી, દાળ-ભાત, પાપડ, છાશનું મેનુ

    થોડા સમય પહેલાં દિલ્હીના એક વૃદ્ધ દંપતીનો વિડિયો ‘બાબા કા ઢાબા’ના નામે સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. એક વૃદ્ધ દંપતીના ઢાબે લોકડાઉનમાં કોઈ જમવા ન જતું હોવાની વેદના દર્શાવતા આ વિડિયોએ સારીએવી ચર્ચા જગાવી હતી. જોકે સેલિબ્રિટીઓએ આ વિડિયો શેર કરતાં દિલ્હીવાળા બાબાના ઢાબા પર લોકોની ભીડ ઊમટી પડી હતી, પરંતુ મોરબીના ‘બચુદાદા કા ઢાબા’માં તો સવારે 11 વાગતાં જ આપોઆપ ભીડ ઊમટવા લાગે છે. કેમ ન હોય, આખા મોરબીમાં આ એક જ દાદા છે જે છેલ્લાં 40 વર્ષથી લોકોને જમાડે છે, માત્ર રૂ.40માં ભરપેટ જમાડે છે. કોઇ ભરપેટ જમીને 40 રૂપરડી પણ આપી શકે તેમ ન હોય તો એ જેટલા આપે તેમાં રાજીપો વ્યક્ત કરે છે અને ઘણા એવા છે જેમને તો તેઓ મફતમાં જમાડે છે. 72 વર્ષના બચુદાદા એકલે હાથે ઢાબા ચલાવી રહ્યા છે અને લોકો તેને ‘બચુદાદા કા ઢાબા’થી ઓળખે છે. એક સમયે ત્યાં 40 લોકો જમવા આવતા હતા, પરંતુ હવે 100થી 150 લોકો રોજ જમે છે.

    ‘બચુદાદાના ઢાબા’ નામે વર્ષોથી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારવા સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.

    કોઈ 10 કે 20 રૂપિયા આપે તોપણ હસતા મોઢે દાદા લઈ લે છે
    બચુદાદા મૂળ મોરબીના રંગપુર ગામના વતની અને છેલ્લાં ઘણાં વર્ષોથી મોરબીમાં સ્થાયી થયા છે. તેઓ શહેરના સ્ટેશન રોડ પર સૂરજબાગની દીવાલે નાનીએવી ઝૂંપડી બનાવીને રહે છે અને ત્યાં જ નાનીએવી કેબિન અને ટેબલ રાખીને ‘બચુદાદાના ઢાબા’ નામે વર્ષોથી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારવા સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. તેમની માત્ર 40 રૂપિયાની ફુલ ડિશ મોરબીના ભૂખ્યાજનોનો મોટો આશરો છે. જો કોઇ તેમના ઢાબે જમ્યા બાદ તેનાથી ઓછા એટલે રૂ. 10 કે રૂ. 20 આપે તોપણ તેઓ રાજીપો વ્યક્ત કરીને એ રકમ લઇ લે છે. ક્યારેક કોઇ દરિદ્રનારાયણ આટલી રકમ ન આપે તોપણ તેઓ તેમને પ્રેમથી ભરપેટ આરોગ્યપ્રદ ભોજન કરાવે છે.

    40 રૂપિયામાં ત્રણ સ્વાદિષ્ટ શાક, રોટલી, દાળભાત, છાશ, પાપડ અને અથાણું આપે છે.

    ત્રણ સ્વાદિષ્ટ શાક, રોટલી, દાળ-ભાત, છાશ-પાપડ-અથાણાની ફુલ ડિશ
    બચુદાદાએ 40 રૂપિયાનો ભાવ માત્ર શાક-પાંદડાંનો ખર્ચ કાઢવા માટે રાખ્યો છે, પોતાની આજીવિકા માટે નહીં. આ ઢાબા પાછળ તેમનો કમાણી કરવાનો નહીં, પણ ઓછા રૂપિયામાં જરૂરિયાતમંદ ભરપેટ ભોજન કરી શકે એવો તેમનો ઉદ્દેશ છે. તેઓ 40 રૂપિયામાં ત્રણ સ્વાદિષ્ટ શાક, રોટલી, દાળભાત, છાશ, પાપડ અને અથાણું આપે છે, એટલે કે ભૂખ્યાજનોને ઓડકાર આવી જાય તેટલું જમવાનું પીરસે છે. હાલના મોંઘવારીના જમાનામાં સામાન્યમાં સામાન્ય હોટલ કે ઢાબામાં પણ ઓછામાં ઓછા 100 રૂપિયા થાળીનો ભાવ હોય છે.

    હવે એકલા હોવા છતાં પણ જાતે જ લોટ બાંધી તથા શાક બનાવીને લોકોને જમાડે છે.

    દીકરી સાસરે ગઈ, પત્નીનું નિધન થયું તોપણ એકલા હાથે બધું સંભાળે છે
    બચુદાદા કા ઢાબા જે વિસ્તારમાં છે ત્યાં પછાત અને ગરીબ લોકો વધુ રહે છે, આથી દરરોજ ઢાબા પર 150 જેટલા લોકો જમવા આવે છે, જેમાંથી 10 લોકો એવા હોય છે કે જેમની પાસે જમ્યા પછી આપવા માટે પૈસા હોતા નથી, પરંતુ બચુદાદાના પ્રેમાળ સ્વભાવને કારણે તેમના ઢાબા પરથી કોઇ જમ્યા વગર પાછું જતું નથી. બચુદાદાને પરિવારમાં એક જ દીકરી છે અને તે પણ પરણીને સાસરે જતી રહી છે. જ્યારે પત્નીનું 10 મહિના પહેલાં અવસાન થયું છે. હવે એકલા હોવા છતાં પણ જાતે જ લોટ બાંધી તથા શાક બનાવીને લોકોને જમાડે છે. બાપા પાસે કોઇ મૂડી નથી.

    મોરબીના યુવાને યુટ્યૂબ ચેનલ પર બચુદાદાનો વિડિયો મૂક્યો હતો
    મોરબીમાં રહેતા કમલેશ મોદી નામના યુવાને બચુદાદા કા ઢાબાનો વિડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પર મૂક્યો હતો. આ વિડિયો રાતોરાત જ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વિડિયો વાઈરલ થતાં જ લોકો બચુદાદાની મદદે દોડી આવ્યા છે. પહેલા બચુદાદા કા ઢાબામાં 40 લોકો જમતા હતા, પરંતુ લોકોની સહાય મળતાં જ બચુદાદા હાલ 100થી 150 લોકોને ભરપેટ રોજ જમાડે છે. આ વિડિયોથી બચુદાદા રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયા હતા.

    ક્યારેક કોઇ દરિદ્રનારાયણ આટલી રકમ ન આપે તોપણ તેઓ તેમને પ્રેમથી ભરપેટ આરોગ્યપ્રદ ભોજન કરાવે છે.

    35 વર્ષ પહેલાં મોરારિ બાપુએ કહ્યું હતું- બચુભાઈ, તમે સેવાનું કામ ચાલુ રાખજો
    72 વર્ષીય બચુદાદાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે મારું આખું નામ બચુભાઈ નારણભાઈ પટેલ છે. 40 વર્ષથી હું અહીં સેવા આપી રહ્યો છું. પહેલાં તો મારે ઘર-પરિવાર હતો ત્યારે થોડું થોડું કરીને ચલાવતો હતો, પરંતુ હવે બધાની સહાય મળી છે એટલે મને પણ લોકોને જમાડીને સંતોષ થાય છે. હજી અહીં બહાર ત્રણ ટેબલ અને ખુરશીની વ્યવસ્થા છે. મને આ ધંધાનો શોખ હતો ને 35 વર્ષ પહેલાં મને મોરારિબાપુએ કહ્યું હતું કે તમે જે કરો છો એ ચાલુ રાખજો. એ દિવસથી હું આ સેવા અવિરતપણે કરતો જાઉં છું અને મને બાપુના આશીર્વાદ ફળ્યા છે.

    જ્યાં સુધી હું થાકું નહીં ત્યાં સુધી મારે આ જ કરવાનું છે
    બચુદાદાએ જણાવ્યું હતું કે અત્યારે હું એક થાળીદીઠ 40, 30, 20 અને 10 રૂપિયા લઉ છું. જેમની પાસે પૈસા ન હોય તેમને ફ્રીમાં જમાડું છું. સાવ ફ્રીમાં જમતા લોકોની સંખ્યા 10થી 15 થઇ જાય છે અને બાકીના 100થી 150 લોકો રોજ જમે છે. રોજ ત્રણ જાતનાં શાક આપું છું, જેમાં સેવટમેટા, મિક્સ બટેટા અને મગનું શાક આપું છું. આ સિવાય દાળભાત-રોટલી, ગોળ અને છાશ આપું છું. જેને જેટલું ખાવું એટલી બધી વસ્તુ આપું છું. ગમે તેટલું ખાય પણ તેમની સામે નહીં જોવાનું. જ્યાં સુધી હું થાકું નહીં ત્યાં સુધી મારે આ જ કરવાનું છે. બચુદાદા પાર્સલ પણ આપે છે.

    દરરોજ ઢાબા પર 150 જેટલા લોકો જમવા આવે છે.

    પૈસા હોય તો આપો, નહીંતર ઉપરવાળો ભલું કરેઃ બચુદાદા
    બચુદાદાએ જણાવ્યું હતું કે જે મફત ખાતા હોય એની હું સામે પણ હું જોતો નથી, કારણ કે તેને એમ ન થવું જોઈએ કે હું મફત ખાઉં છું અને બાપા મારી સામે જુએ છે અને મેં રોટલી વધુ ખાધી એવું ન લાગે. એને તો જેટલું ખાવું હોય એટલું ભલે ખાય. પૈસા આપે કે ન આપે એનો મને ફરક જ પડતો નથી. મારો એક જ મંત્ર છે જેટલું ખાવું હોય એટલું ખાઓ, પૈસા હોય તો આપો, નહીંતર ઉપરવાળો ભલું કરે.

    જમવાનું સારું આવે છે એટલે તો અહીં આવીએ છીએઃ ગ્રાહક
    બચુદાદાના ઢાબા પર જમતા અતરસિંગ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે હું વર્ષોથી બચુદાદાના ઢાબામાં જમુ છું. રોજ જમવા આવતો નથી, પરંતુ ક્યારેક ક્યારેક જમવા આવું છું. અહીં જમવાની બહુ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ જમવાનું આપે છે. દાળ-ભાત, રોટલી, શાક, છાશ આપવામાં આવે છે. જમવાનું સારૂ આવે છે એટલે તો અહીં આવીએ છીએ. રમેશભાઈ ઉકાભાઈ સોરઠિયા નામની વ્યક્તિ તો રોજ ફ્રીમાં જમવા માટે બચુદાદાના ઢાબામાં આવે છે. તેમણે જણાવ્યું, હું ઘણા સમયથી બાપાના ઢાબામાં જમું છું. જમવાનું બહુ જ સારું છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here