દિલ્હીની વાત : મોદીની ઈન્વેસ્ટર્સ બેઠકમાં નિર્મલાની બાદબાકી

  0
  27

  નરેન્દ્ર મોદી દેશમાં વિદેશી રોકાણ આકર્ષવા માટે ગુરૂવારથી વિશ્વની ટોચની કંપનીઓના વડાઓ સાથે વન-ટુ-વન બેઠકો કરવાના છે. મોદી સળંગ બે અઠવાડિયાં સુધી રોજ અલગ અલગ ક્ષેત્રની કંપનીઓના વડાઓ સાથે વાત કરીને ભારતમાં રોકાણ કરવા અપીલ કરશે. આશ્ચર્યજનક રીતે આ ક્વાયતથી નાણાં મંત્રી નિર્મલા સીતારમનને બાકાત રખાયાં છે જ્યારે નાણા સચિવ તરૂણ બજાજને સામેલ કરાયા છે.

  મોદી કોઈ પણ કાર્યક્રમને સરસ મજાનાં અંગ્રેજી નામો આપવા માટે જાણીતા છે. આ બેઠકોને પણ વર્ચ્યુઅલ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ-૨૦ (વીજીઆઈઆર-૨૦) નામ અપાયું છે. ગુરૂવારે પહેલી વીજીઆઈઆર-૨૦મા મોદી વિશ્વનાં સૌથી મોટાં ૨૦ પેન્સન અને સોવરેઈન ગ્રોથ ફંડના વડાઓ સાથે ચર્ચા કરશે. અલબત્ત આ વડાઓ કોણ છે તેમનાં નામ જાહેર કરાયાં નથી.

  વિશ્લેષકોના મતે, મોદી સરકારમાં પ્રધાનો શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે અને અધિકારીઓનું વર્ચસ્વ છે તેનો આ વધુ એક પુરાવો છે. આ પ્રધાનોમાં નિર્મલાની હાલત સૌથી ખરાબ છે. મોદીના આદેશોનું પાલન કરવા સિવાય તેમણે કશું કામ જ કરવાનું નથી.

  ટ્રમ્પના પુત્રે મોદીને શરમજનક સ્થિતીમાં મૂક્યા

  મોદી ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવે છે ત્યારે ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે મોદી સરકારને શરમજનક સ્થિતીમાં મૂકી દીધી. ટ્રમ્પ જુનિયરે એક નકશા દ્વારા વિશ્વમાં ટ્રમ્પ તરફી કોણ ને બાયડન તરફી કોણ છે એ દર્શાવ્યું છે. નકશામાં તેણે જમ્મુ અને કાશ્મીરને ભારતનો નહીં પણ પાકિસ્તાનનો પ્રદેશ દર્શાવ્યો છે.

  ટ્રમ્પે ઉત્તર-પૂર્વનાં કેટલાક પ્રદેશોને પણ ભારતના પ્રદેશ તરીકે નથી દર્શાવ્યા. ટ્રમ્પે ભારતને બાયડન તરફી પણ ગણાવ્યો છે. ભારત ઉપરાંત ચીન અને મેક્સિકો એ બે દેશ જ બાયડન તરફી હોવાનો ટ્રમ્પનો દાવો છે.

  ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં ભારતની હવાને ગંદી ગણાવીને વિવાદ છેડયો હતો. હવે તેમના પુત્રે પણ એવી જ હરકત કરતાં વિપક્ષના નેતાઓ મોદી સરકાર પર તૂટી પડયા છે. જુનિયર ટ્રમ્પ સત્તાવાર રીતે ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય સલાહકાર છે ત્યારે આ કોમેન્ટ અત્યંક ગંભીર કહેવાય. સરકાર આ મુદ્દે ચૂપ છે પણ ભાજપના નેતા બચાવ કરી રહ્યા છે કે, અમેરિકાએ સત્તાવાર રીતે કશું કહ્યું નથી તેથી આ મુદ્દાને ચગાવવો ના જોઈએ.

  ભાજપનું વર્ચસ્વ તોડવાનો ગેહલોતનો દાવ સફળ

  રાજસ્થાનમાં સચિન પાયલોટના બળવા પછીની પહેલી કસોટીમાં અશોક ગેહલોત પાસ થઈ ગયા છે. રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે બે કોર્પોરેશનમાં સત્તા મેળવી છે જ્યારે ભાજપને ફાળે પણ બે કોર્પોરેશન ગઈ છે.

  કોટાની બંને કોર્પોરેશનમાં અપક્ષોનો દબદબો રહેતાં ભાજપ-કોંગ્રેસ બેઉ તડજોડમાં લાગ્યાં છે. આ બંને કોર્પોરેશનમાં કોંગ્રેસની બેઠકો વધારે હોવાથી તેના માટે સત્તા હાંસલ કરવાની તક વધુ છે.

  ગેહલોત માટે સૌથી મોટું આશ્વાસન એ છે કે, કોંગ્રેસને  છ મહાનગરપાલિકાના ૫૬૦ વોર્ડમાંથી ૨૬૧ વોર્ડમાં જીત મળી છે જ્યારે ભાજપ ૨૪૨ વોર્ડ સાથે બીજા નંબરે છે. ગેહલોત સરકારે શહેરી વિસ્તારોમાં ભાજપના વર્ચસ્વને તોડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનોને બે ભાગમાં વહેંચવાનો દાવ ખેલેલો અને આ દાવ સફળ થયો છે. પહેલાં ત્રણેય કોર્પોરેશનમાં ભાજપની સત્તા હતી. હવે જયપુર અને જોધપુર એ બે સૌથી મોટાં શહેરોમાં એક-એક કોર્પોરેશન કોંગ્રેસ પાસે આવી છે. કોટામાં તો ભાજપ સાવ જ લટકી ગયો છે એ જોતાં ગેહલોત ભાજપનું વર્ચસ્વ તોડવામાં સફળ થયા છે.

  બિહારના પ્રેમી યુગલ મુદ્દે બે સરકારો સામસામે

  બિહારના એક પ્રેમી યુગલને મામલે કેજરીવાલ સરકાર અને નીતિશ કુમાર સરકાર વચ્ચે જામી છે. આ કેસમાં છોકરો-છોકરી બંને દિલ્હી રહેતાં હતાં પણ પ્રેમ પ્રકરણની ખબર પડતાં છોકરીનો પરિવાર તેને બિહાર લઈ ગયો ને છોકરીને પૂરી દીધી હતી. ધામક સંગઠનો પણ મેદાનમાં આવી ગયાં હતાં. છોકરીને મારી નાંખવાની ધમકી મળવા માંડી હતી.

  છોકરાએ દિલ્હી મહિલા પંચને મેઈલથી જાણ કરતાં મહિલા પંચના સભ્યે પોલીસે સાથે પટણા જઈને છોકરીને શોધી કાઢી. બિહાર પોલીસે પણ તેમાં મદદ કરીને છોકરીને સહીસલામત દિલ્હી પહોંચાડી. આ વાતની જાણ ધામક સંગઠનોને થતાં તેમણે દબાણ વધારીને પોલીસ ફરિયાદ કરી દેતાં બિહાર સરકારે છોકરીને પરિવારને સોંપવા દિલ્હી સરકારને કહ્યું છે. મહિલા પંચનાં સભ્ય છોકરીને બળજબરીથી ઉપાડી લાવ્યાં હોવાનો આક્ષેપ પણ બિહાર સરકારે કર્યો છે. છોકરીને બિહાર ના મોકલાય તો મહિલા પંચના સભ્યો સામે વોરંટ કાઢવાની ધમકી મળ્યા પછી મહિલા પંચે કોર્ટમાં રજૂઆત કરતાં હાલ તો કોર્ટે છોકરીને સુરક્ષા પૂરી પાડવા આદેશ આપ્યો છે.

  મોદી લાઈન તોડીને મતદાન કરવા ઘૂસી ગયા

  બિહારમાં મગળવારે બીજા તબક્કાના મતદાન દરમિયાન નાયબ મુખ્યમંત્રી પટણામાં લાઈનમા ઉભા રહ્યા વિના મતદાન કરવા ઘૂસી ગયા તેનો વીડિયો વાયરલ થતાં ભાજપની હાલત કફોડી થઈ છે.

  નીતિશ કુમાર અને રવિશંકર પ્રસાદ જેવા વીવીઆઈપી મતદાન માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. લોકોએ વિનંતી કરી પછી તેમણે આગળ જઈને મતદાન કર્યું હતું ત્યારે મોદી બધાંથી ઉપર હોય તેમ સીધા અંદર જતા રહ્યા. મતદાન કર્યા પછી આ મુદ્દે સવાલ થતાં કારમાં બેસીને રવાના થઈ ગયા. લોકોએ આ સામે આક્રોશ દર્શાવીને મોદીને સુપર વીવીઆઈપી ગણાવ્યા.

  આરજેડીએ આ તકનો લાભ લઈને સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કર્યો છે. ભાજપના નેતા સામાન્ય લોકોને ગણકારતા નથી અને પોતાને કોઈ નિયમ લાગુ પડતા નથી એ રીતે વર્તે છે એવી કોમેન્ટ્સનો પણ મારો ચલાવ્યો છે. બિહારમાં શનિવારે છેલ્લા તબક્કાનું મતદાન છે ત્યારે મોદીની આ હરકત ભારે ના પડે તેની ચિંતામાં ભાજપના નેતા પડયા છે.

  કર્મચારીઓની કાર્યક્ષમતા ચકાસવા જૂતાં તપાસો

  પંજાબના ખાદ્યાન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ભારત ભૂષણ આશુ વિચિત્ર ફરમાન કરીને મજાકનું પાત્ર બની ગયા છે. આશુએ લુધિયાણા મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપ્યો છે કે કર્મચારી-અધિકારી ફિલ્ડમાં જાય છે કે નહીં તેની ચકાસણી તેમનાં જૂતાં પર લાગેલી ધૂળના આધારે કરવી.

  આ અંગે સવાલ પૂછાતાં ભડકેલા આશુએ સામે સવાલ કર્યો કે, કર્મચારીઓ કામ કરે છે કે નહીં એ ચેક કરાય તો તેમાં ખોટું શું છે ?  જરૂર પડશે તો પંજાબ સરકાર તેમનાં કપડાં પણ ચેક કરશે ને તેમાં કશું ખોટું નથી.

  આશુના આ આદેશની વિપક્ષો બરાબર મજા લઈ જ રહ્યા છે પણ સોશિયલ મીડિયા પર પણ મજાક ઉડી રહી છે. વિપક્ષી નેતાએ આશુને સલાહ આપી છે કે, તમારે કેપ્ટન અમરિન્દરસિંહનાં જૂતાં પણ ચેક કરવાં જોઈએ કે જેથી એ ચાર વર્ષમાં લોકો વચ્ચે ગયા છે કે નહીં એ ખબર પડે. સોશિયલ મીડિયા પર મજાક ચાલી રહી છે કે, સોનિયાએ આ ફોર્મ્યુલા કોંગ્રેસના ટોચના નેતાઓ માટે લાગુ કરવાની જરૂર છે. 

  ***

  બિહારની ચૂંટણીમાં મોદી વધુ લોકપ્રિય બન્યા

  બિહારમાં એનડીએની હાર થાય કે જીત તેની પરવા કર્યા વગર જાણકારો કહે છે કે આ ચૂંટણીમાં વડા પ્રધાન મોદી વધુ લોકપ્રિય બન્યા હતા. તેમણે કરેલી અપીલ તમામ વંશ,જાતી અને ક્ષેત્રથી પણ ઉપર હતી. તેઓ કહે છે કે જેઓ બિહારમાંથી એનડીએને ઉખાડી ફેંકવા ઇચ્છતા હતા તેઓ એમ કહેતા થયા હતા કે શા માટે મોદી નીતિશને સમર્થન આપે છે.’શા માટે મોદી પોતાની છબી બગાડે છે?એમ તેઓ પૂછે છે.તેમનું નિરિક્ષણ એ દર્શાવે છે કે મોદીને હવે રાજ્યમાં લોકો સન્માની નજરે જુએ છે.

  તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ જેમાં બ્રાન્ડ મોદી નિષ્ફળ રહ્યું હતું તેના થી વિપરિત તેમની છબી બિહારમાં સુધરી હતી.તો બીજી તરફ તેઓ એમ પણ કહે છે કે રસપ્રદ વાત એ છે કે રાજ્યની બાબુશાહીમાં નીતિશ કુમાર પર ‘૧૯૭૪ બેચ’નો જાદુ છવાયેલા છે.તેઓ એમ માને છે કે અન્યોની સાથે સાથે નીતિશ, લાલુ અને પાસવાન પણ૧૯૭૪ની વિદ્યાર્થીઓની ‘જેપી ચળવળ’ની જ પેદાશ છે.

  નીતિશ અને લાલુ-રબાડી સરકારમાં કામ કરી ચુકેલા એક વરિષ્ઠ સનદી અધિકારી એ કહ્યું હતું ‘તેઓ જેપી પાસેથી ચળવળનું નેતૃત્વ શીખ્યા હતા, પરંતુ તેમની પ્રવૃત્તિઓ અથવા તો તેમના રાજકારણે આશાસ્પદ યુવાનોની આશાઓ પુરી કરી નથી.તેમનું રાજકારણ અને શાસન માત્ર બીજલી,પાની અને સડક અને લાલુ પ્રસાદ દ્વારા શરૂ કરાયેલા સોશિયલ એન્જીનીયંરિંગ  સુધી જ છે.

  બિડેન રાજકીય રીતે મોદી માટે લાભદાયી નથી

  નિષ્ણાતો કહે છે કે જો બિડેન અમેરિકાના પ્રમુખ બનશે તો તેઓ ટ્રમ્પે કર્યું એના કરતાં ‘થોડું’ સારૂં ભારત માટે કરશે. પણ સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે રાજકીય રીતે તેઓ મોદી માટે સારા સાબીત થશે નહીં. તેઓ કહે છે કે બિડેન શાંત નહીં બેસે.તેઓ કહે છે કે ૨૦૧૫માં લઘુમતીઓના ધર્માંતરણ એટલે કે ઘરવાપસી સમયે બરાક ઓબોમાએ ભારતમાં આવીને લઘુમતીઓ પર કરવામાં આવતા અત્યાચાર અને ધાર્મિક અસહિષ્ણુતા પર લેકચર આપી ગયા હતા.

  ભારત છોડતા પહેલા એરપોર્ટ પર તેમણે કહ્યું હતું ‘પુરૂષના સૌથી કાળા આવેગથી કોઇપણ સમાજ રોગ પ્રતિરક્ષક નથી, અને અનેક વખતે ઇશ્વરના પ્રકાશને બદલે તેઓ પોતાના ડહાપણને વધારે મહત્ત્વ આપે છે.દરેક વ્યક્તિને પોતાની મરજીના ધર્મ પર ચાલવાનો હક છે’એમ ઓબોમાએ મોદીની ધરતી પર કહ્યું હતું.ચાલુ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ ભારતની મુલાકાતે આવેલા ત્યારે ઉત્તર દિલ્હીમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. ટ્રમ્પે હિંસાને વખોડી કાઢવા ઇનકાર કર્યો હતો અથવા ભારતના નવા સીએએ કાયદા વિષે પણ તેઓ બોલ્યા નહતા.

  ભારતમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વિચિત્ર અહેવાલ

  રાજ્યોમાંથી આવતા અધુરા અને ભરોસા વગરના અહેવાલના કારણે લગભગ અપંગ બની ગયેલા ભારતની માંદગીઓ અંગેની અગ્રણી સંસ્થાએ પોતાના ડેશબોર્ડ પર લેબમાંથી પ્રમાણિત ૮૨ લાખ કોરોના સંક્રમિતને બદલે માત્ર ૨૮ લાખો લોકોના ડ ડેટા મૂક્યા હતા.નવી દિલ્હી સ્થિત નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ દ્વારા આ ડેશબોર્ડની જાણવણી કરાય છે તેમાં દેશના કુલ ૮૨૨૯૩૧૩ કોરોના સંક્રમિતોને બદલે માત્ર ૩૫ ટકા એટલે કે ૨૮૭૮૬૧૮ લોકોની માહિતી એપલોડ કરાઇ હતી.

  અન્ય માંદગીઓના આંકડા તો એના કરતાં પણ ઓછા હતા.લિંગ આધારિત ડેટામાં ૮૨ લાખ પૈકી  ૩૩૪૪૭૧ એટલે કે ચાર ટકા અને માંદાઓની સંખ્યા શહેરી-ગ્રામીણ ૩૭૨૫૨ દર્શાવવામાં આવી હતી.પણ સૌથી મોટી ખોટ એ હતી કે દેશના ૧૨૨૦૦૦ ઉપરાંત કોવિડ-૧૯ સંક્રમિતોના વય જુથ પ્રમાણે તેમની પાસે કોઇ આંકડા જ નથી.

  – ઇન્દર સાહની

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here