દિલ્હીની વાત : મોદીની હિમાચલમાં જૂના મિત્રો સાથે ચાય પે ચર્ચા

0
22

નરેન્દ્ર મોદી શનિવારે અટલ ટનલનું ઉદઘાટન કરવા માટે હિમાચલ પ્રદેશના રોહતાંગ જવાના છે. આ ટનલના કારણે મનાલી-લેહ વચ્ચેનું અંતર ૪૬ કિલોમીટર ઘટશે પણ સમયમાં પાંચેક કલાકનો ફરક પડી જશે.લોકડાઉન લદાયા પછી મોદી માત્ર ચોથી વાર દિલ્હીની બહાર જવાના છે.

મોદીના સત્તાવાર કાર્યક્રમની તો જાહેરાત થઈ ગઈ છે પણ આ મુલાકાત દરમિયાન મોદી પોતાના કેટલાક જૂના મિત્રો સાથે પણ ગોઠડી કરવાના છે.

મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પહેલાં હિમાચલ પ્રદેશના પ્રભારી હતા. ગુજરાતમાં તેમની સામે વિરોધ થયો પછી ભાજપ હાઈકમાન્ડે તેમને ગુજરાતથી દૂર હિમાચલ પ્રદેશ મોકલ્યા હતા.

મોદી હિમાચલમાં ખાસ્સો સમય રહ્યા હતા. એ દરમિયાન તેમની નિકટના ગણાતા દસેક લોકોને મોદીએ ખાસ નિમંત્રણ આપીને બોલાવ્યા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બુધવારે જ આ મહેમાનોને નિમંત્રણ પાઠવી દીધાં હોવાનું સૂત્રોનું કહેવું છે.

મોદી ટનલના ઉદઘાટન પહેલાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ના ગેસ્ટ હાઉસમાં થોડો સમય રોકાશે. આ દરમિયાન ચાની ચૂસકી મારતાં મારતાં મોદી હિમાચલની જૂની યાદોને તાજી કરશે.

શાહ ડેમેજ કંટ્રોલ માટે બંગાળ જશે

પશ્ચિમ બંગાળમાં ભાજપના જૂના વફાદારોને બાજુએ મૂકીને મુકુલ રોય અને અનુપમ હાજરા જેવા તૃણમૂલ કોંગ્રેસમાંથી આવેલાને મહત્વના હોદ્દા અપાતાં ભારે નારાજગી છે. આ નારાજગી દૂર કરવા માટે અમિત શાહ દુર્ગાપૂજા પહેલાં બંગાળ જશે. દુર્ગાપૂજા ૨૨ ઓક્ટોબરથી શરૂ થાય છે.

ભાજપના જૂના નેતાઓએ પક્ષની નારાજગી અંગે પહેલાં નડ્ડા ને પછી મોદી સામે નારાજગી વ્યક્ત કરી હતી.  મોદીએ શાહને તાત્કાલિક આ મુદ્દો હાથ પર લેવા કહેતાં શાહે ગુરૂવારે નડ્ડા અને બંગાળ ભાજપના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી હતી.  

શાહે પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષને કહ્યું કે, પોતે દુર્ગાપૂજા પહેલાં બંગાળ આવશે અને એ વખતે તમામ સમસ્યાઓનો અંત લાવી દેશે. મોદીની સૂચના પછી શાહે સૌથી વધારે નારાજ રાહુલ સિંહા સાથે પણ વાત કરીને તેમને ધીરજ રાખવા કહ્યું છે.

શાહ પછી નડ્ડા પણ બંગાળની મુલાકાતે જશે. ભાજપ સૂત્રોના મતે, ભાજપ બંગાળની ચૂંટણી માટે સંકલન સમિતી બનાવીને નારાજ નેતાઓને તેમાં સ્થાન આપીને મનાવી લેશે.

નીતિશની સૂચનાથી મોદીએ ગિરિરાજ-ચૌબેને દૂર કર્યા

બિહારની ચૂંટણીના જંગમાં ભાજપના બે ધુરંધર ગિરિરાજસિંહ અને અશ્વિની કુમાર ચૌબે સાવ ગાયબ છે. ગિરિરાજ અને ચૌબે બંને મોદી સરકારમાં મંત્રી છે પણ આશ્ચર્યજનક રીતે બંનેને બિહારના ચૂંટણી પ્રચારથી સાવ દૂર રખાયા છે.

બિહારની ચૂંટણી અંગે ચર્ચા કરવા ઈલેક્શન ઈન્ચાર્જ દેવેન્દ્ર ફડણવિસ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા બોલાવાતી બેઠકોમાં પણ બંને ગેરહાજર હોય છે.

ભાજપનાં સૂત્રોના મતે, નીતિશ કુમારની સૂચના પછી ભાજપ હાઈકમાન્ડ એટલે કે મોદીએ ગિરિરાજ અને ચૌબે બંનેને બિહારની ચૂંટણીથી દૂર રહેવા કહ્યું છે.

ગિરિરાજ-ચૌબે બંનેની છાપ પ્રખર સવર્ણ હિંદુવાદી નેતા તરીકેની છે. બંને વિવાદાસ્પદ અને ખાસ તો મુસ્લિમ વિરોધી નિવેદનો આપવા માટે જાણીતા છે. બંનેને નીતિશ સાથે ફાવતું પણ નથી. 

નીતિશ નથી ઈચ્છતા કે, ચૂંટણી સમયે એવું કોઈ પણ નિવેદન કરાય કે જેના કારણે મુસ્લિમોના મતો સાગમટે આરજેડીને મળે. નીતિશે તો ભાજપને એ પણ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, મોદી અને અમિત શાહ સિવાય બીજો કોઈ નેતાની વર્ચ્યુઅલ રેલી યોજવાની પણ જરૂર નથી.

ભાજપ નેતા ખેડૂતો વચ્ચે જવા તૈયાર નહીં

નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાના ફાયદા સમજાવવા માટે પંજાબ અને હરિયાણામાં ભાજપના સાંસદો-ધારાસભ્યોને આદેશ આપ્યો છે પણ ખેડૂતોનો મિજાજ જોયા પછી કોઈ નેતા લોકો વચ્ચે જવા તૈયાર નથી.

મોદીએ કૃષિ કાયદા સંસદમાં પસાર થયા પછી તરત જ આ ફરમાન બહાર પાડેલું. જે.પી. નડ્ડાને તેમણે આ અંગે રીપોર્ટ મોકલવા પણ કહ્યું હતું પણ હજુ સુધી ભાજપનો કોઈ નેતા લોકો વચ્ચે ગયો જ નથી તેથી બગડેલા મોદીએ ગુરૂવારે નવેસરથી ફરમાન કર્યું છે.

ભાજપનાં સૂત્રોના મતે, પંજાબ-હરિયાણામાં ખેડૂતોનો આક્રોશ એટલો જોરદાર છે કે નેતાઓને ડર લાગે છે. મોદીના ફરમાન પછી પંજાબમાં ભાજપના મહામંત્રી તરુણ ચુગે શુક્રવારે ખેડૂતોન સભા બોલાવી હતી પણ ખેડૂતોને સભાસ્થળે પહોંચવા જ ના દેવાયા. રસ્તામાં જ ખેડૂતોએ તેમને રોકીને કારમાંથી નીચે ઉતાર્યા અને પોતાની વચ્ચે બેસાડી દીધા.

ચુગે તેમને કૃષિ કાયદાના ફાયદા સમજાવવા કોશિશ કરી પણ સૂત્રોચ્ચારમાં તેમનો અવાજ દબાવી દેવાયો. ચાર કલાક બેસાડી રખાયા પછી ખેડૂતોએ તેમને છોડયા. ચુગના અનુભવ પછી તો કોઈ નેતા તૈયાર થતો હશે તો પણ નહીં થાય.

હાથરસ ગેંગ રેપ, ભાજપના બે નેતા સામસામે

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત છોકરી પર થયેલા ગેંગ રેપના કેસમાં જ્ઞાાતિવાદી રાજકારણ પણ શરૂ થતાં ભાજપના જ બે નેત સામસામે આવી ગયા છે.  હાથરસના ભાજપ સાંસદ રાજવીરસિંહ દિલેર અને પૂર્વ ધારાસભ્ય રાજવીર સિંહ પહેલવાન વચ્ચે જંગ જામ્યો છે.

પોલીસે આ કેસમાં જેમની ધરપકડ કરી છે તે ચારેય આરોપી ઠાકુર છે. શુક્રવારે તેમના બચાવમાં ઠાકુર આગેવાન પહેલવાને બઘનામાં ૧૨ ગામનાં લોકોએ પંચાયત કરીને યુવતીના પરિવાર તથા આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવાની માગ કરી.

પહેલવાને તો આક્ષેપ કર્યો કે, છોકરીની માતા-ભાઈએ જ તેની હત્યા કરી નાંખી છે. તેમણે પડકાર પણ ફેંક્યો કે, દિલેરને લોકો એવો પાઠ ભણાવશે કે જીંદગીભર યાદ કરશે.

દિલેર વાલ્મિકી સમાજના નેતા છે તેથી તેમણે આ ઘટનાની ખુલ્લેઆમ ટીકા કરી હતી. દિલેરની દીકરી મંજુ દિલેર પણ રાજકારણમાં છે. મંજુએ ફેસબુક પેજ પર ચારેય આરોપીનાં નામ લખ્યાં પછી પોલીસને તેમની ધરપકડ કરવાની ફરજ પડી હતી. મંજુનો દાવો છે કે, યુવતીએ તેના પરિવારને આપેલી માહિતીના આધારે તેમણે આ નામ લખ્યાં હતાં.

અજીત પવારના પુત્ર પાર્થે ફરી ભાંગરો વાટયો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના દીકરા પાર્થે મરાઠા અનામત મુદ્દે ઉપરાછાપરી ટ્વિટ કરીને ફરી ભાંગરો વાટયો છે. મરાઠા અનામત મુદ્દે વિવેક રહાડે નામના યુવકે આપઘાત કર્યો પછી પાર્થે આ મુદ્દે દખલ કરવા સુપ્રીમ કોર્ટમાં પોતે અરજી કરશે એવી ટ્વિટ કરી હતી.

પાર્થે બીજી ઘણી ટ્વિટ કરીને મરાઠા સમુદાયના નેતાઓને જાગીને આવી ઘટનાઓને રોકવા અપીલ કરી. પાર્થે મરાઠા અનામત ચળવળની આગેવાની લેવાની તૈયારી પણ બતાવી હતી.

પાર્થની ટ્વિટ્સથી મૂંઝવણમાં મૂકાયેલી એનસીપીએ સ્પષ્ટતા કરવી પડી કે, આ પક્ષનું સત્તાવાર વલણ નથી. સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતન અમલ સામે સ્ટે આપીને આ મામલો લાર્જર બેંચને સોંપ્યો છે.

આ મુદ્દો બંધારણીય અર્થઘટનને લગતો છે તેથી એ અંગે કશું પણ બોલવું અયોગ્ય છે. પાર્થે આ વાત સમજ્યા વિના ટ્વિટ કરીને અપરિપક્વકતા બતાવી છે.

આ પહેલાં પાર્થે સુશાંત રાજપૂત મૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરીને પાર્થે એનસીપીની હાલત બગાડી હતી. પવારે એ વખતે પાર્થને અપરિપક્વ ગણાવીને જાહેરમાં ટીકા કરતં અજીત નારાજ થઈ ગયા હતા.

***

હાથરસની ઘટના બિહાર ચૂંટણીમાં અસર કરી શકે છેઃભાજપ

ભાજપના અનેક નેતાઓ બળાપો કાઢે છે કે હાથરસની બળાત્કારની ઘટના બિહારની ચૂંટણી પર નકારાત્મક અસર પાડી શકે છે.’જેે રીતે પોલીસે કાર્યવાહી કરી હતી તેનાથી વહીવટી તંત્ર અને ઉત્તપ પ્રદેશ ભાજપના આબરૂ પર કલંક લગાડયો હતો.

મુખ્યમંત્રી એ તાત્કાલિક કાર્યવાહી તો કરી હતી, પરંતુ જે રીતે વિપક્ષો આ મુદ્દો ઉઠાવી રહ્યા છે તેનાથી પ્રેરણા લઇ શાસને હજુ વધુ પગલાં ભરવાની જરૂર છે.

જો તેઓ બિહારની ચૂંટણીમાં આ મુદ્દો ઉઠાવશે  તો તેનાથી ભાજપની આબરૂનું ધોવાણ નક્કી છે’એમ નામ ન આપવાની શરતે ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ એક રાષ્ટ્રીય  મુદ્દો બની ગયો છે અને લોકો પોતાના ટીવી સેટ પર તમામ ઘટના જોઇ રહ્યા છે.

આની અસર બિહારની ચૂંટણી પર થશે જ, એટલા માટે તો અમારી રણનીતિ સ્થાનિક મુદ્દાઓ અને અને કરેલા વિકાસના કાર્યો પર જ ધ્યાન આપવાનું છે.

જો કે અત્યાર સુધી વિપક્ષોએ જોરશોરથી આ મુદ્દો ઉપાડયો નથી, પરંતુ જો તેઓ વધુ જોરથી આ મુદ્દે હોબાળો મચાવશે તો અમે ઝડપી કાર્યવાહી કરવા આદેશ આપીશું.

ઉત્તર પ્રેદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવની માગ જોર પકડે છે

ઉન્નાવ બળાત્કારની પીડિતા જેને ડીસેમ્બરમાં જીવતી બાળી નાંખવામાં આવી હતી તે ઘટના પછી ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉઠયા હતા.

કોંગ્રેસે કહ્યું હતું કે રાજ્ય તો બળાત્કારનું પાટનગર બની ગયું છે. ઉન્નાવ કેસ પછી સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું જોઇએ.

બલરામપુર અને હાથરસમાં દલિત બાળાઓ પર કરાયેલા બળાત્કાર પછી સફાળા જાગેલા માયાવતીએ પણ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી.રાષ્ટ્રપતિ કોવિંદને આપેલા એક આનેદન પત્રમાં વકીલોએ પણ યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી.

આવેદન પત્રમાં તેમણે લખ્યું હતું કે હાથરસમાં અને બલરામપુરમાં દલિત યુવતીઓ પર કરાયેલા બળાત્કાર અને તેમની કરાયેલી હત્યા દર્શાવે છે કે યુપીમાં મહિલાઓ વિરૂધ્ધ અત્યાચારો વધતા જાય છે.ગઇ કાલે અધિવકતા સંઘના બેનર હેઠળ તેમણે માર્ચ કરી હતી.

બંગાળ મિશન માટે શાહ પર મોટો મદાર

ભાજપના સૂત્રો અનુસાર, બંગાળમિશન ગૃહ પ્રધાન અમીત શાહ માટે મોટો પડકાર છે.તેઓ બંગાળના રાજકારણ પર બારિક નજર રાખી રહ્યા છે. બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે શાહ દુર્ગા પુજા પહેલા બંગાળ આવે તેવી શક્યતા છે.

તેઓ આગામી વિધાનસભાની તૈયારીઓ માટે કાર્યકર્તાઓને સબોધશે.’અમે શાહનને બગાળની મુલાકાતે આવવા વિનંતી કરી હતી.

અમે પક્ષના કાર્યકરો સાથે બેઠકોનું આયોજન કર્યું છે.અમે તેમની તારીખની રાહ જોઇ રહ્યા છીએ’એમ ધોષે કહ્યું હતું.ભાજપના પ્રંમુખ નડ્ડા પણ બંગાળની મુલાકાતે આવે તેવી શક્યતા છે. બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગી તો સતત આવતા જ રહે છે.

પરાળી બાળવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી

હરિયાણાના એનેક જિલ્લાઓના ખેડૂતો કહે છે કે સરકારે અમને પરાળી ન બાળવા અંગે જાગૃત થવા કહ્યું હતું. પરાળીની જે નકારાત્મક અસરો પડે છે તેની વાત અમને કહી હતી.પરંતુ તેનો અન્ય કોઇ વિકલ્પ આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.

‘અમે નાના ખેડૂતોને મશીનરી ખરીદવા સલાહ આપી હતી અને તેમના માટે સરળ હપ્તાની યોજના પણ કહી હતી.

પરંતુ નાના ખેડૂતો જેમની પાસે એક એકર કરતાં પણ ઓછી જમીન છે તેઓ મશીનરી ખરીદી શકતા નથી.તેઓ કહે છે કે આ મશીનરી તદ્દન બેકાર હોય છે.

એના કરતાં તો અમે પરાળીને સળગાવી દઇએ એ અમને સસ્તુ પડે છે, એમ હરિયાણાના મોટા બાગના ખેડૂતો  માને છે અને કહે પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here