સ્થિતિ વધુ ખરાબ બની શકે છે
– પંજાબ અને હરિયાણામાં બાળવામાં આવતી પરાળીના કારણે પ્રદુષણ વધ્યું
પંજાબ અને પાડોશી રાજ્ય હરિયાણામાં ખેડૂતો દ્વારા બાળવામાં આવતી પરાળીના કારણે દેશના પાટનગરમાં હવા અત્યંત ઝેરીલી બની ગઇ હતી જેના કારણે દિલ્હીમાં પ્રદુષણમાં સતત વધારો થતો જાય છે. દિલ્હી ઉપરાંત ગાઝીઆબાદ અને નોઇડામાં પણ ધુમ્મસના કારણે રસ્તો નહીં દેખાતા વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
વાહન ચાલકોને તેમના વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડયા હતા. હવાની ગુણવત્તામાં સુધારો થવાને બદલે વધારે બગાડ થાય છે.દિલ્હી અને પાટનગર વિસ્તારનું હવાનું સ્તર ખુબ જ ખરાબ હતું. મોટા ભાગે ઇન્ડેક્ષ 300 થી ઉપર હતું. દિલ્હી અને પાટનગર વિસ્તારના આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતા.
ધુમાડો ચારે તરફ દેખાતા લોકોની આંખોમાં બળતરા થતી હતી.ડોકટરોના કહેવા મુજબ સિૃથતી વધુ ખરાબ થશે, માટે બાળકોને ઘરે જ રાખવા. ઉપરાંત દમ અને શ્વાસના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું પડશે. અગાઉ મંગળવારે પણ પાટનગર અને તેની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત પ્રદુષિત થઇ જતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
એક ખાનગી હવામાન એજન્સી એ આગાહી કરી હતી કે દિલ્હીની હવા અત્યંત ખરાબ ઝોનમાં પહોંચી ગઇ છે. આગામી બે ત્રણ દિવસો આવા જ જશે અને ફરીથી હવા ઝેરીલી બનશે. દિલ્હીના આનંદ વિહાર, રોહિણી અને દ્વારકામાં હવાની ગુણવત્તા અત્યંત નિમ્ન સ્તરે પહોંચી ગઇ હતી.મંગળવારે દિલ્હીમાં પરાળી બાળવાથી સર્જાયેલા ધુમાડાનો હિસ્સો દસ ટકા હતો.