નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)એ દિલ્હી સહિત આખાય NCRમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ આજે રાતે 12 વાગ્યાથી લાગુ થઈ જશે અને 30 નવેમ્બર સુધી રહેશે. વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાય છે. NGTએ કહ્યું હતું કે આ આદેશ દેશનાં એ તમામ વિસ્તાર અને શહેરોમાં પણ લાગુ થશે જ્યાં ગત વર્ષે નવેમ્બરમાં હવાની ક્વોલિટીનું લેવલ પૂઅર અથવા એનાથી ઉપરની કેગેટરી સુધી પહોંચી ગયું હતું.
જે શહેરોમાં એર ક્વોલિટી સારી ત્યાં પ્રદૂષણ રહિત ફટાકડાઓ માટે છૂટ
NGTના આદેશ પ્રમાણે, જે શહેરો-વિસ્તારમાં હવાની ક્વોલિટી મોડરેટ અથવા એનાથી નીચેના લેવલ પર છે ત્યાં પ્રદૂષણ રહિત ફટાકડા વેચવાની છૂટ અપાઈ છે, પરંતુ દિવાળી, છઠ, ક્રિસમસ, નવા વર્ષ જેવા અવસરો પર માત્ર 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ હશે. આ 2 કલાક રાજ્ય સરકાર તરફથી નક્કી કરેલા સમય પ્રમાણે હશે. જો રાજ્ય તરફથી કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નહીં હોય તો દિવાળી અને ગુરુપર્વ પર રાતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને છઠ પર સવારે 6થી 8 વાગ્યા સુધીનો રહેશે.
જે શહેરો-વિસ્તારમાં હવાની ક્વોલિટી સારી છે ત્યાં ફટાકડા પર પ્રતિબંધ ઓપ્શનલ હશે. લોકલ ઓથોરિટી ઈચ્છે તો તેમના હિસાબથી ગાઈડલાઈન્સ નક્કી કરીને પ્રતિબંધ લગાવી શકે છે. કોરોનાના કેસ વધવાની આશંકાને ધ્યાનમાં રાખતા NGTએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું હતું કે કોઈપણ સોર્સથી થતા પ્રદૂષણને અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવો.