દિવાળીની ખરીદીમાં મશગૂલ મહિલા દીકરીને જ ભૂલી ગઈ !

0
56

જસદણની બજારનો કિસ્સો

– પુત્રીએ મોલમાં રડારડ કરી મૂકતાં સ્ટાફ અને ગ્રાહકો મૂંઝવણમાં મુકાઈ ગયા

જસદણમાં દિવાળી તહેવાર દરમ્યાન ખરીદી કરવામાં એક મહિલા એટલી ગળાડૂબ થઈ ગઈ કે શોપિંગ મોલમાં સગી દીકરીને ભૂલી ગઈ હતી. બાળકીએ રોકકળ કરતાં મોલસંચાલક અને ગ્રાહકો પણ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને મોલનો સ્ટાફ દોડધામમાં પડી ગયો હતો.

કોરોના લોકડાઉન બાદ નિરાશ વેપારીઓના ચહેરા દિવાળીમાં નીકળેલી ઘરાકીથી ખીલી ઊઠયા છે. એવા સમયે ગઈ કાલે ધનતેરસના દિવસે જસદણની બજારમાં લોકોએ ખરીદી માટે ભારે ધસારો બોલાવ્યો હતો. બજારમાં ગ્રાહકોનો ધસારો એટલો જબ્બર હતો કે પરિસ્થિતિને સંભાળવા ખુદ પોલીસે પણ મેદાનમાં ઊતરવું પડયું હતું. એ દરમ્યાન એક મહિલા પોતાની પુત્રીને લઈને એક મોલમાં પહોંચી હતી અને ત્યાં ખરીદી કરવામાં એટલી મશગૂલ બની ગઈ કે બહાર નીકળતી વેળાએ દીકરીને લેવાનું જ ભૂલી ગઈ. બીજી તરફ માતાથી વિખૂટી પડેલી બાળકીએ રડવાનું શરૂ કરી દેતાં ગ્રાહકો ચોંકી ઊઠયા હતા. મોલસંચાલક અને એનો સ્ટાફ પણ દોડધામમાં પડી ગયો હતો.  

સૌએ બજારમાં નજર રાખી, સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા. મોડે સુધી બાળકીની માતાનો કોઈ પત્તો લાગ્યો નહિ. છેવટે પોતાની ભૂલનું ભાન થતાં ખુદ એ મહિલા પરત મોલમાં આવી પહોંચી હતી. ત્યારે સૌએ હાશકારો અનુભવ્યો હતો. અમુક ગ્રાહકોએ તો મહિલાને મીઠો ઠપકો પણ આપ્યો હતો. જેના જવાબમાં મહિલાએ ‘ઉતાવળમાં હતી એટલે ભૂલ થઈ ગઈદ એમ કહ્યું હતું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here