દિવાળી પર આકર્ષણ જમાવવા માગો છો, સુરતી મહિલા પાસેથી શીખો પાણીની અંદર અને પાણી પર તરતી રંગોળી

0
52
  • હેમંતી જરદોષ નામની મહિલાએ પોતાની કલાનો ઉપયોગ કરીને પાણીની અંદર અને પાણી પર તરતી રંગોળી બનાવી

દિવાળીને લઈને સુરતવાસીઓએ તૈયારીઓ કરી લીધી છે. ત્યારે દિવાળી પર આકર્ષણ જમાવવા માટે આજે તમને પાણીની અંદર અને પાણી પર તરતી રંગોળી અંગે માહિતગાર કરી રહ્યા છીએ. સુરત શહેરના હેમંતી જરદોષ નામની મહિલાએ પોતાની કલાનો ઉપયોગ કરીને પાણીની અંદર અને પાણી પર તરતી રંગોળી બનાવી છે. આ સાથે તેની બનાવવાની રીત પણ જણાવી છે.

દર વર્ષે અલગ રંગોળી બનાવે છે
રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોષે જણાવ્યું કે, હું દરવર્ષે અલગ અલગ કોન્સેપ્ટ સાથે રંગોળી બનાવું છું. આ વર્ષે પાણીની અંદર અને પાણીમાં તરતી રંગોળી પણ બનાવી છે. આ સાથે લીલા શાકભાજીમાંથી રંગોળી તૈયાર કરી છે. કોરોના કાળમાં લીલા શાકભાજી ખાઈને ઈમ્યુનિટી પણ વધારવાનું મહત્વ હોવાથી શાકભાજીમાંથી રંગોળી પણ બનાવી છે. પાણી પર તરતી અને પાણીની અંદરની રંગોળીઓમાં ચાર્લી ચેપલીન, 3ડી મહિલા અને સૌથી વધારે આકર્ષણ પાડતી શ્રીનાથજીની વોટર રંગોળી જે પેઇન્ટિંગ જેવી લાગે છે તે બનાવી છે.

પાણીની અંદર રંગોળી બનાવવાની રીત
સ્ટીલ અથવા કાચની ડીશ લો તેમાં નીચે દિવેલ અથવા તેલ લગાવો અથવા તેલનો સ્પ્રે કરી પાતળું પડ બનાવો. જેવી રીતે જમીન ઉપર રંગોળીની ડિઝાઇન બનાવીએ તેવી રીતે જ તેલના પડ પર કરોઠીના રંગથી ડિઝાઇન બનાવો. આ રંગોળીને 15થી 20 અથવા 30થી 40 મિનિટ રહેવા દો. જેથી કરોઠીના રંગો તેલ સાથે સરખી રીતે ચોંટી જાય. હવે સાઈડ ઉપરથી ધીરે ધીરે પાણી ઉમેરો. પાણીની અંદરની રંગોળી તૈયાર થઈ જશે.

પાણીની સપાટી ઉપર રંગોળી બનાવવાની રીત
એક લિટર પાણીમાં દસ ચમચી મીઠું નાખો અને બરાબર ઓગાળો પાણીને કાચના બાઉલમાં ભરી દો. હવે તેના ઉપર ટેલ્કમ પાવડર ચાળણી અથવા ગલણીથી હળવા હાથે છાંટો. પાવડરનું એક પાતળું પડ બનાવો હવે તેના ઉપર કરોઠીના રંગ વડે મનગમતી રંગોળી બનાવો. આ રંગોળીને ઘરમાં ટિપોઈ ઉપર કે ટેબલ પર રાખી શકાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, કેટલીક વોટર રંગોળીઓ તો 4થી 5 વર્ષ સુધી પર જો કાળજી લઈ રાખીએ તો એજ રીતની આકર્ષણ પાડતી રંગોળી રહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here