દીપાવલી વિશેષ:નવસારીના જવાનો માટે દેશ જ પરિવાર, દેશની સલામતી જ સાચી દિવાળીઃ પરિવાર કહે છે- અમારા દીકરા પછી, પહેલા ભારતમાતાના સંતાન

0
49
  • દેશનાં ઘરે ઘરે કાયમ ઉજાશ રહે એ માટે દિવાળીમાં પણ ફરજ પર તહેનાત
  • રાષ્ટ્રસેવા બજાવનાર જવાનોનો પરિવાર કહે છે- અમારા દીકરા પછી, પહેલા ભારતમાતાના સંતાન

આપણે હર્ષોલ્લાસથી દિવાળીની રંગેચંગે ઉજવણી કરી રહ્યા છીએ, પણ આપણા દેશના વીર જવાનો તહેવારના દિવસોમાં પણ પોતાના પરિવારથી દૂર રહીને પરિવાર કરતાં પહેલા દેશને મહત્ત્વ આપીને પોતાની દેશ પ્રત્યેની ફરજ અદા કરી રહ્યા છે. આર્મીના જવાનો હોળી હોય કે પછી દિવાળી, તેમના માટે કોઇ તહેવાર દેશ કરતાં મહત્ત્વનો નથી. દેશના જવાનોને બિરદાવવાની સાથે તેમના પરિવારને પણ બિરદાવાની જરૂર છે, કેમ કે જવાનોની એવી કેટલીય દિવાળી હશે, જે તેમના બાળકો, પત્ની અને માતા-પિતા વગર વિતાવી હશે. નવસારીના વીર જવાનો પણ દીપાવલીના દિવસે ફરજ નિભાવી રહ્યા છે. રાષ્ટ્રસેવા બજાવનાર જવાનોનો પરિવાર કહે છે, અમારા દીકરા પછી, પહેલા ભારતમાતાના સંતાન. આ જવાનો તહેવારોમાં ઘરે ઉજવણી કરવાને બદલે દેશની રક્ષા કરી રહ્યા છે. આવા જ નીડર, સાહસી અને દેશની સુરક્ષા માટે કંઈપણ કરનાર જવાનોને શત શત નમન છે.

ક્રિષ્ના સાથી જવાનોને આપે છે હથિયારી તાલીમ
ભારતીય ભૂમિદળમાં હવાલદાર ક્રિષ્ના અમૃતભાઇ મિસ્ત્રી છેલ્લાં 18 વર્ષથી ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેઓ છેલ્લાં 4 વર્ષથી વેપન ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે મધ્યપ્રદેશના મહાર રેજિમેન્ટમાં જવાનાને ટ્રેઇન કરવાની કામગીરી કરે છે. ખૂબ જ સામાન્ય પરિવારમાંથી પોતાના આપમેળે આગળ આવી સાહસિકતા તથા શિસ્તબદ્ધ જીવન જીવી રહ્યા છે. નવસારીનો યુવાન સૈનિક અન્ય સૈનિકોને હથિયારી ટ્રેનિંગ આપે છે. એ ખરેખર આપણા માટે ગૌરવની બાબત છે.

પ્રદ્યુમ્નસિંહ રાજપૂત.

નવસારીના પ્રદ્યુમ્નસિંહ બરેલીમાં સેના પોલીસ
પ્રદ્યુમ્નસિંહ રાજપૂત નવસારીના વિજલપોરમાં ધીરુદાજીની વાડીમાં રહે છે. તેઓ છેલ્લાં 4 વર્ષથી સેનામાં સેના પોલીસ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. હાલમાં તેઓ ઉત્તરપ્રદેશના બરેલીમાં કાર્યરત છે, આ પહેલાં તેઓ બેંગ્લુરુમાં ફરજ પર હતા. તેઓ દિવાળી બાદ નવેમ્બરના અંતમાં રજામાં ઘરે પરત આવવાના છે. તેમનું માનવું છે કે જીવનમાં શિસ્ત આવવાથી નૈતિક હિંમત ખૂબ જ વધી જાય છે અને ગમે તેવા પડકાર ઝીલવા સક્ષમ બની જવાય છે.

રમેશભાઈ બાપુભાઈ બેસાણે.

વિજલપોરના રમેશ બેસાણે કાશ્મીરના કુપવાડામાં ફરજ પર
રમેશભાઈ બાપુભાઈ બેસાણે વિજલપોરમાં રહે છે. તેઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં હાલ ફરજ બજાવી રહ્યા છે. રમેશભાઇ વર્ષ 1999માં સૈન્યમાં ભરતી થયા હતા. તેમણે ટ્રેનિંગ મધ્યપ્રદેશમાં લીધી અને હાલમાં 172-બટાલિયનમાં કાશ્મીરના કુપવાડા ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેમણે ભારતમાં નાગાલેન્ડ, રાજસ્થાન બોર્ડર, શિલોંગ, ભુજ બોર્ડર પર પ્રશંસનીય સેવા આપી છે.

રવિસિંહ રાજપૂત.

નવસારીના રવિસિંહ બેંગ્લુરુમાં પેરાશૂટ રેજિમેન્ટમાં ટ્રેનિંગ પર
નવસારીના ઘેલખડી વિસ્તારના રામનગર-1માં રહેતા રવિસિંહ રાજપૂત છેલ્લા એક વર્ષથી આર્મીમાં કાર્યરત છે. ગ્રેજ્યુએટ થઇને ભારતીય સૈન્યમાં જોડાયા હતા. આ બાદ તેમને બેંગ્લુરુ મોકલવામાં આવ્યા હતા. બેંગ્લુરુમાં તેઓ પેરાશૂટ રેજિમેન્ટ સેન્ટરમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે. ગત માર્ચ મહિનામાં ટ્રેનિંગ માટે ગયેલા રવિસિંહ આવતા વર્ષે માર્ચમાં ઘરે રજામાં પરત આવશે. દીપાવલીએ માતા-પિતાને બેંગ્લુરુથી જ વંદન કરી સાથી કર્મચારીઓ સાથે દીપાવલી અને નૂતન વર્ષ મનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here