દુઃખદ:85 વર્ષીય બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જીનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

    0
    11
    • છ ઓક્ટોબરથી હોસ્પિટલમાં એડમિટ હતા
    • કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
    • સૌમિત્ર ચેટર્જીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે

    જાણીતા 85 વર્ષીય બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જીનું આજે, 15 નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં સૌમિત્ર એડમિટ હતા અને ડૉક્ટર્સે એક્ટરને બચાવવાનો અંતિમ પ્રયાસ કર્યો હતો. શનિવાર, 14 નવેમ્બરના રોજ ડૉક્ટર્સની ટીમે આ માહિતી આપી હતી. એક્ટરને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. 15 નવેમ્બરના રોજ બપોરે 12.15 વાગે સૌમિત્ર ચેટર્જીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે સૌમિત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 6 ઓક્ટોબરના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ કોરોના નેગેટિવ આવ્યા હતા પરંતુ કોવિડ એન્સેફૈલોપેથીને કારણે અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

    દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત સૌમિત્ર ચેટર્જીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી. તેમની સારવાર કરતાં એક ડૉક્ટર્સે કહ્યું હતું, ‘અમારા તમામ પ્રયાસો બાદ પણ તેઓ ફિઝિયોલોજિકલ સિસ્ટમને કોઈ રિસ્પોન્ડ કરતાં નથી. તેમની હાલત પહેલાં કરતાં વધારે ખરાબ છે. તેમને દરેક પ્રકારના સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે અને તે જીવન માટે ઝઝૂમી રહ્યા છે.’

    સમાચાર એજન્સી ‘PTI’ના પ્રમાણે, ડૉક્ટર્સે કહ્યું હતું, ‘કોરોનાને કારણે તેમની નર્વસ સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ હતી અને તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા હતા. અમે તેમને સ્ટેરોયડ, ઈમ્યુનોગ્લોબુલિન, કાર્ડિયોલોજી, એન્ટિ વાઈરલ થેરપી, ઈમ્યુનોલોજી બધું જ કરવાનો પ્રયાસ કર્યો હતો.’ છેલ્લાં 40 દિવસથી ન્યૂરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ક્રિટિકલ કૅર મેડિસિનના એક્સપર્ટની એક ટીમ સૌમિત્ર ચેટર્જીની સારવાર કરી હતી.

    ડૉક્ટર્સે કહ્યું હતું, ‘અમને દુઃખ છે કે તેઓ કોઈ પ્રતિક્રિયા આપતા નથી. અમે છેલ્લીવાર પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યાં સુધી કે તેમના પરિવારે પણ એ વાત સ્વીકારી લીધી છે કે તેમની હાલતમાં હવે કોઈ સુધારો થશે નહીં.’

    ડૉક્ટર્સે કહ્યું હતું કે તેમની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. સિટી સ્કેન પણ કરવામાં આવ્યો હતો. EEG કરવામાં આવ્યો હતો પરંતુ તેમના મગજની અંદર બહુ જ ઓછી ગતિવિધિ નોંધાઈ હતી. ઓક્સિજનનું પ્રમાણ વધી ગયું હતું. કિડની યોગ્ય રીતે કામ કરતી નહોતી. સૌમિત્રને ગયા ગુરુવારના (12 નવેમ્બર) રોજ પહેલીવાર પ્લાસ્મફેરેસિસ આપવામાં આવ્યું હતું અને પછી ટ્રેકોસ્ટોમી કરવામાં આવી હતી.

    સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
    બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા હતા. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ ‘અપૂર સંસાર’થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમાંથી બે હિંદી ફિલ્મ ‘નિરૂપમા’ તથા ‘હિન્દુસ્તાની સિપાહી’ હતી. હિંદીમાં તેમણે ‘સ્ત્રી કા પત્ર’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ ‘સાંજબાતી’માં દેખાયા હતા.

    આ મોટા સન્માન મળ્યા

    • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
    • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
    • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here