દુનિયામાં દર દસમો માણસ કોરોના સંક્રમિત થઇ શકે : WHOનો ચોંકાવનારો વર્તારો

0
30

-આવું બને તો સંક્રમિતોની સંખ્યા 20 ગણી વધુ થઇ જઇ શકે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પોતાના એક નિરીક્ષણમાં જણાવ્યું હતું કે વિશ્વની દરેક દસમી વ્યક્તિ કોરોનાના ચેપથી ગ્રસ્ત થઇ શકે છે. એનો અર્થ એવો થયો કે હાલ કોરોનાના જેટલા દર્દીઓ છે એના કરતાં વીસ ગણા લોકો કોરોનાના દર્દી થઇ શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ઇમર્જન્સી પ્રોગ્રામના વડા ડૉક્ટર માઇકલ રિયાને કહ્યું કે આ આંકડા ગ્રામ વિસ્તારો અને શહેરી વિસ્તારોના અલગ અલગ હોઇ શકે છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે સમગ્ર દુનિયા આ વાઇરસની ઝપટમાં આવી ચૂકી હતી. ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના 34 સભ્યોની કારોબારી સમિતિની કોરોના અંગેની બેઠકમાં ડૉક્ટર રિયાન બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે સંક્રમણને રોકવાના પ્રયાસો ઠેર ઠેર થઇ રહ્યા હતા પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ સંક્રમણ સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઇ ચૂક્યું હતું. અનેક લોકો જાન ગુમાવી ચૂક્યા હતા અને બીજા અનેકના જાન બચાવી શકાયા હતા.

તેમણે કહ્યું કે સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં પરિસ્થિતિ વધુ ખરાબ હતી. યૂરોપ અને વેસ્ટર્ન મેડિટરેનિયન સમુદ્રના વિસ્તારમાં ડેથ રેટ વધુ હતો. આફ્રિકા અને વેસ્ટ્રન પેસિફિક સમુદ્રકાંઠે વસેલા દેશોમાં પરિસ્થિતિ વધુ સારી હતી. 

ડૉક્ટર રિયાને કહ્યું કે અમારા અંદાજ મુજબ વિશ્વની દસ ટકા વસતિ કોરોનાગ્રસ્ત થઇ હતી. વિશ્વની સાડા સાત અબજની વસતિ ગણીએ તો 76 કરોડ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. જ્હૉન હોપકિન્સ યુનિવર્સિટી અને WHO દ્વારા અપાયેલા આંકડા કરતાં આ સંખ્યા ઘણી વધુ હોઇ શકે છે. આ બંને સંસ્થાઓના કહેવા મુજબ અત્યાર સુધીમાં દુનિયાભરના સાડા ત્રણ કરોડ લોકો કોરોના પોઝિટિવ હતા. ડૉક્ટર રિયાનના કહેવા મુજબ વાસ્તવિક આંકડા કરતાં ઓછાં આંકડા જાહેર કરવામાં આવ્યા હોઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here