કોરોનાની વેક્સિન દેશમાં ક્યારે આવશે અને લોકોને ક્યારે મળતી થશે તે અંગે ચર્ચાએ વેગ પકડયો છે ત્યારે AAIMS નાં ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે દેશમાં સામાન્ય માનવી સુધી ૨૦૨૨ સુધીમાં વેક્સિન પહોંચી શકશે. ભારત દેશ વિસ્તાર અને કદમાં મોટો છે તેમજ વસ્તી ઘણી વધારે છે આથી તમામને વેક્સિન આપતા એક વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. રણદીપ ગુલેરિયા કોરોના વાઈરસ મેનેજમેન્ટ માટે બનાવાયેલા નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય છે. તેમણે કહ્યું કે કોરોના જલદી ખતમ થશે નહીં. ભારતનાં બજારોમાં તેની દવા પહોંચતા એક વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. દેશનાં તમામ વિસ્તારોમાં ઝડપથી વેક્સિન પહોંચાડવી એ મોટો પડકાર છે.
દેશમાં કોરોનાનું સંક્રમણ વધવાનું સતત ચાલુ રહ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૫,૬૭૪ કેસ નોંધાયા હતા જ્યારે ૫૫૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૮૫,૦૭,૭૫૪ થઈ હતી. મોતનો આંકડો ૧.૨૬ લાખને પાર કરીને ૧,૨૬,૧૨૧ થયો હતો. સતત નવમા દિવસે એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો અને તે ૫,૧૨,૬૬૫ થયો હતો.
૧૫ ડિસેમ્બર પહેલાં બીજો તબક્કો શરૂ થઈ શકે
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દેશમાં ૧૫ ડિસેમ્બર પહેલાં ગમે ત્યારે કોરોનાનાં સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે તેથી લોકોને સાવધ રહેવા, માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરાઈ છે. બીજી બાજુઆઈસીએમઆરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૯૪,૪૮૭ લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં જેમાંથી ૪૫,૬૭૪ કેસ પોઝિટિવ જણાયા હતા.