ધોનીની 5 વર્ષીય પુત્રી પર રેપની ધમકી આપનાર વિકૃત સગીર કચ્છમાંથી ઝડપાયો, રાંચી પોલીસને સોંપાશે

0
101

આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ દરમિયાન મહેન્દ્રસિંઘ ધોનીના નબળાં દેખાવથી ટીમની હાર બાદ ટ્રોલર્સે સોશિયલ મીડિયામાં હદ વટાવતી કોમેન્ટનો મારો શરૂ કર્યો હતો. આ દરમિયાનમાં ધોનીની પત્ની સાક્ષીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની પાંચ વર્ષની દીકરી પર રેપ કરવાની ઘૃણાસ્પદ ધમકી આપતી કોમેન્ટ કરાતાં અનેક ક્રિકેટર, ટોચના રાજકારણી સહિત ધોનીના ચાહકો ગુસ્સાથી ઉકળી ઉઠયા હતા. ટ્રોલર્સ તેમજ રેપની ધમકી આપનાર સામે કાર્યવાહી કરવા પીએમઓ સહિતને ટ્વિટ કરવામાં આવી હતી.

બીજીતરફે, રાંચી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરતાં રેપની ધમકી આપતી કોમેન્ટ કરનાર કચ્છના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામનો ધો.12માં અભ્યાસ કરતો સગીર છાત્ર હોવાનો ખુલાસો થયો હતો. રાંચી પોલીસની વિગતના આધારે કચ્છ પોલીસે સગીરને રાઉન્ડઅપ કરીને પ્રાથમિક પૂછરપછ કરતાં સગીરે વર્લ્ડકપમાં ભારતની હાર અને આઈપીએલમાં ધોનીના નબળાં દેખાવથી નારાજ થઈને આવેશમાં આવી કોમેન્ટ કરી હોવાનો સ્વીકાર કર્યો હતો.

વર્લ્ડકપમાં ભારતની હારથી જ સગીરના મનમાં ઘૃણા હતી : એસપી

પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે જણાવ્યું કે, 2019ના વર્લ્ડકપમાં ભારતની હાર તેમજ કેકેઆર સામે સીએસકેની હાર બાદ સગીરના મનમાં ધોની પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ હતી. આવેશમાં આવીને તેણે જ કોમેન્ટ કરી હોવાનું જણાવ્યું છે. રાંચી પોલીસ દ્વારા બનાવની તપાસમાં કોમેન્ટ કરનારનું લોકેશન કચ્છનું હોવાનું જાણવા મળતાં અહીં જાણ કરાઈ હતી. જેના આધારે એલસીબીએ વેરિફિકેશન કરી નાના કપાયા ખાતેથી સગીરનો ફોન હસ્તગત કરીને તેને ચેક કરતાં તેમાંથી પોસ્ટ થઈ હોવાનો ખુલાસો થયો હતો.

ક્રિકેટર, ફિલ્મજગત અને રાજનેતાઓ દ્વારા કાર્યવાહીની માગ કરાઈ હતી

ક્રિકેટર ઈરફાન પઠાણ, અભિનેત્રી નગ્મા, શિવસેના પ્રવક્તા તેમજ સાંસદો અને અનેક ધારાસભ્યો સહિત ધોનીની દીકરી પર રેપ કરવાની ધમકી આપતી કોમેન્ટ મામલે કાર્યવાહી કરવાની માગ સાથે ટ્રોલર્સની ટીકા કરી હતી. તો કેટલાંક લોકોએ સમગ્ર મામલે પીએમઓને પણ ટ્વિટ કરીને કાર્યવાહીની માગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે IPL મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 167 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ 157 રન જ બનાવી શકી અને કોલકાતા નાઈટ રાઈડર્સને 10 રને જીત મેળવી હતી. આ વાતથી નારાજ થઈને એક સગીર યુવકે સોશિયલ મીડિયા પર મહેન્દ્રસિંહ ધોનીને ધમકી આપી દીધી હતી અને તેમના પર અભદ્ર ટિપ્પણી પણ કરી હતી.

સોશિયલ સાઈટ્સ પર મળેલી આ ધમકી બાદ રાંચી પોલીસે ફરિયાદ દાખલ કરતા, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રાંચી સ્થિત ફાર્મ હાઉસની સુરક્ષા વધારી દીધી હતી. જ્યારે, આ અભદ્ર ટિપ્પણી પછી, રમત, સિનેમા જગત સહિત આખા દેશમાં દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી.

બોલિવુડ અભિનેત્રી નગમાએ આ વાતની નિંદા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે, આ દેશમાં શું થઈ રહ્યું છે? નગમાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, એક દેશ તરીકે આજે આપણે ક્યા ઉભા છીએ? આ ખૂબ જ શરમજનક છે કે આઈપીએલમાં કેકેઆર વિરુદ્ધ ચેન્નાઈને મળેલી હાર પછી લોકોએ ધોનીની 5 વર્ષીય પુત્રીને ધમકી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here