- SRP ગ્રુપ-14ના જવાનો સાથે મંદિર સુરક્ષા Dyspના યજમાન પદે સૌ પોલીસ જવાનોએ સોમનાથ દાદાને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી
સોમનાથ મહાદેવને નૂતન વર્ષ વિક્રમ સવંત 2077ના પ્રથમ દિવસે પહેલી ધ્વજા સોમનાથ મંદિર સુરક્ષા વિભાગ અને SRP બટાલિયન 14 દ્વારા ચડાવવામાં આવી હતી. સોમનાથની સુરક્ષામાં રાત-દિવસ ખડેપગે રહી ફરજ સુરક્ષા વિભાગના જવાનોએ ઢો-શરણાઈ સાથે પ્રથમ ધ્વજારોહણ કર્યુ હતું. તેમજ દેશ અને વિશ્વ કોરોનાથી મુક્ત થાય અને વિશ્વકલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
સોમનાથ મહાદેવ સુરક્ષાની દ્રષ્ટીએ ઝેડ પ્લસ કેટેગરીમાં આવે છે
સોમનાથ મંદિર સુરક્ષાની દ્રષ્ટીએ ઝેડ પ્લસ કેટેગરીમાં આવતું હોવાથી ત્યાં ફરજ બજાવતા હાલ SRP ગ્રુપ-14ના જવાનો સાથે મંદિર સુરક્ષા Dyspના યજમાન પદે સૌ પોલીસ જવાનોએ સોમનાથ દાદાને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ સમગ્ર રાષ્ટ્રની સલામતિ અને સુખાકારી સાથે કોરોના મુક્તિની પ્રાર્થના કરી હતી.
ગઈકાલે સોમનાથમાં ભાવિકોની ભીડ જામી હતી
ગઈકાલે નવા વર્ષના દિવસે સૌરાષ્ટ્રનાં ધાર્મિક સ્થળો પર ભાવિકોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે મંદિરમાં ભાવિકોની લાંબી લાઈન લાગી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવેલા ભાવિકોમાં કેટલાક ભાવિકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા.