- યુરોપ-અમેરિકા સહિત આફ્રિકા અને એશિયામાં પણ પાસ્તા ખાનારાની સંખ્યા વધી રહી છે
- ભારતમાં પાસ્તાનો ઉપયોગ વર્ષે 16%ના દરે વધવાનું અનુમાન
- એપ્રિલથી મધ્ય જુલાઈના 12 અઠવાડિયામાં દેશમાં લૉકડાઉન વખતે પાસ્તાની ખપત ચાર ગણી વધી હતી
કોરોનાકાળમાં દુનિયાભરમાં લોકોની ખાનપાનની આદતોમાં મોટા પાયે ફેરફાર જોવા મળ્યા છે. પાસ્તાને સૌથી વધુ ઈટાલીના લોકો પસંદ કરે છે. ઈટાલીમાં રોજ વ્યક્તિદીઠ 23 કિલો પાસ્તાની ખપત થાય છે, પરંતુ કોરોનાના કારણે લૉકડાઉનમાં ઈટાલી સિવાયના દેશોમાં પણ પાસ્તાનો ઉપયોગ ઝડપથી વધ્યો છે.
ઈટાલીના પાસ્તા દુનિયાભરમાં ખવાય છે. ઈટાલીમાં ઉત્પાદિત થતાં 60% પાસ્તાની નિકાસ થાય છે. ઈટાલીથી યુરોપના અન્ય દેશો અને અમેરિકામાં મોટા પાયે પાસ્તા જાય છે. ઈટાલીની સરવે કંપની આઈએસટીએટી પ્રમાણે આ વર્ષના પહેલા છ મહિનામાં પાસ્તાની નિકાસ ગયા મહિનાથી 30% જેટલી વધી ગઈ છે. સૌથી પ્રતિષ્ઠિત પાસ્તા ઉત્પાદક કંપની બૈરિલાએ છેલ્લા 12 મહિનામાં દુનિયાભરમાં 4.2 બિલિયન ડૉલરના પાસ્તા વેચ્યા છે. કંપનીના હેડ ક્વાર્ટરે રોજ 1000 ટન પાસ્તા ઉત્પાદિત થાય છે. એટલું જ નહીં, કડક લૉકડાઉન વચ્ચે પણ આ કંપનીનું પાસ્તાનું ઉત્પાદન ચાલુ હતું. જર્મનીમાં બેરિલાના બેસ્ટિયન ડાઈલેગ કહે છે કે, બેરિલા ફેક્ટરીઓએ પહેલાથી અનેકગણા વધારે પાસ્તાનું ઉત્પાદન કર્યું છે. આ સાથે તેની કિંમતો પણ વધી છે.
વર્લ્ડ વાઈડ પાસ્તા ઓર્ગેનાઈઝેશનના લુઈગી ક્રિસ્ટિયાનો લોરેન્ઝા કહે છે કે, મહામારી પછી પાસ્તાની લોકપ્રિયતા વધી છે. દુનિયાભરમાં પાસ્તાની ખપત 1999માં 70 લાખ ટન હતી, જે છેલ્લા 12 મહિનામાં ઝડપથી વધીને 160 લાખ ટન સુધી પહોંચી ગઈ છે. લોરેન્ઝા કહે છે કે, પાસ્તા સસ્તા અને સ્વાદિષ્ટ ખોરાક છે. તે બધાને ભાવે છે. બાળકોમાં પણ તે ભારે લોકપ્રિય છે. એશિયા અને આફ્રિકામાં પણ પાસ્તાને પસંદ કરનારા ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને મહામારી વખતે આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકોમાં તેનો ઉપયોગ ઘણો વધ્યો છે.
ભારતમાં પણ લૉકડાઉનમાં પાસ્તાની ખપત ચાર ગણી વધી
માર્કેટ રિસર્ચ કંપની આઈએમએઆરસીના રિપોર્ટ પ્રમાણે ભારતીય પાસ્તા બજારનું કદ 2019માં 391.5 મિલિયન અમેરિકન ડૉલર સુધી પહોંચી ગયું, જે 2024 સુધી 821.9 મિલિયન ડૉલરના મૂલ્ય સુધી પહોંચી જવાનું અનુમાન છે. આ ગાળામાં તેનો ઉપયોગ 16%ના દરે વધ્યો.
એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં પણ લૉકડાઉન વખતે પાસ્તાની લોકપ્રિયતા વધી. લૉકડાઉનના શરૂઆતના ત્રણ-ચાર મહિનામાં જ ભારતમાં તેની ખપત ચાર ગણી વધી ગઈ. ભારતમાં હવે તે પિઝાની જેમ લોકપ્રિયતા હાંસલ કરી રહ્યા છે.