નખત્રાણાના વેરસલપર,ખીરસરા સીમમાં તીતીઘોડા જેવા તીડ દેખાયા, કિસાનોને નિશ્ચિંત રહેવા ખેતીવાડી વિભાગની ધરપત

0
53

નખત્રાણા તાલુકાના વેરસલપર અને ખીરસરાના સીમાડા વિસ્તારમાં તીતીઘોડા જેવા જંતુ દેખાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા પણ તાલુકા વહીવટી તંત્રે ખેડૂતોને હૈયાધારણ આપતા જણાવ્યું કે ખેતી ને આ તીડ નુકસાનકારક નથી.

આ અંગે વેરસલપર ગામના સરપંચે જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ તીતીઘોડા જેવા દેખાતા જંતુ જોવા મળતા ખેડૂતોને ફાળ પડી હતી. તાલુકા ખેતીવાડી અધિકારી પુષ્પકાન્ત અને તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈ જોશીનું ધ્યાન દોરીને આ બાબતે યોગ્ય કરવા માટેની જાણ કરવામાં આવી હતી.

ખેતીવાડી અધિકારીએ સ્થળ તપાસ કરીને જણાવ્યું હતું કે, સ્થાનિકે તીતીઘોડા કહેવાતા આ તીડ જંગલના સીમાડાના વિસ્તારમાં જોવા મળ્યા હતા. જે પાકને કોઈ નુકસાન કારક જણાતા નથી.આમ છતાં જે ખેડૂતોના વાડી વિસ્તારમાં દેખાયા હોય ત્યાં ખેડૂતોને ખેતીવાડી વિભાગ તરફથી છંટકાવ માટે વિનામૂલ્યે દવા આપવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ તીડ સામાન્ય રીતે જંગલી વૃક્ષો પર બેસીને તેના પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે અને વધુ ઉડી શકતાં પણ નથી. તેમનું આયુષ્ય પણ ખુબ જ ઓછુ હોવાના કારણે ટૂંક સમયમાં જ તે મૃત્યુ પામશે. ખેડૂતોને કોઈપણ જાતનું નુકસાન થાય એવું જણાતું નથી. આમ છતાં 100 થી 150 એકર જેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકાય તે માટે પર્યાપ્ત જથ્થામાં દવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી છે. જો કોઈ ખેડૂતને નુકસાન થયાનું જણાય તો ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here