નવા વિક્રમ સંવત વર્ષમાં ભારતીય શેરબજારની વિક્રમી દોટ જારી રહેશે

    0
    8

    લૉકડાઉનના કારણે ભારતીય શેરબજારો ઉંધા માથે પટકાવાની સાથે દાયકાના તળિયે ઉતરી આવ્યા હતા

    – જો વિવિધ પરિબળો સાનુકૂળ પુરવાર થશે તો નવા વિક્રમ વર્ષમાં સેન્સેક્સ 50,000ની સપાટી હાંસલ કરી શકે છે…

    – આગામી સમયમાં ભારત- ચીન વચ્ચેના તણાવ તેમજ કોરોના મહામારીના બીજા તબક્કાની બજાર પર અસર જોવાશે

    અ ઢળક પ્રતિકૂળ અસરો સાથે વિક્રમ સંવત વર્ષ ૨૦૭૬ કાળના ગર્ભમાં વિલીન થવાની સાથે આજે નવા વિક્રમ સંવત વર્ષ ૨૦૭૭નો સૂર્યોદય થયો છે. વિતેલા વિક્રમ સંવત વર્ષના પ્રારંભિક તબક્કા દરમિયાન (જાન્યુઆરી ૨૦૨૦) ભારતીય શેરબજારો વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા પરંતુ, માર્ચ માસ દરમિયાન કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે ભારતીય શેરબજારો ઉંધા માથે પટકાવાની સાથે દાયકાના તળિયે ઉતરી આવ્યા હતા. જેના કારણે તમામ સ્તરના રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો હતો. જો કે, મે માસના અંતથી આરંભાયેલ અનલૉકની પ્રક્રિયાની સાથોસાથ વિવિધ સ્તરે આર્થિક ગતિવિધિઓનો પુનઃ આરંભ સહિતના અન્ય સાનુકૂળ પરિબળોને પગલે બજાર તેની બોટમની સપાટીથી ઝડપથી ઉંચકાયું હતું ટૂંકા સમયગાળામાં બોટમ લેવલથી ૨૦ ટકાનો ઉછાળો લાંબો સમય ટકશે નહીં તેવું એનાલિસ્ટો માનતા હતા. પરંતુ, ત્યારબાદ વિવિધ સાનુકૂળ પરિબળોના પગલે બજારમાં એકધારી સુધારાની ચાલના પગલે ચાલુ વર્ષમાં ગુમાવેલ તમામ સપાટીઓ પરત હાંસલ કરી લીધી હતી. વિક્રમ વર્ષના અંતિમ સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલટાઇમ હાઇની રચના કરી દીધા બાદ હવે નવા વર્ષમાં બજાર નવા શિખર હાંસલ કરવા તરફ આગેકૂચ કરશે. જો બધું સમુસૂતરું પાર પડશે તો આજથી શરૂ થયેલ નવા વિક્રમ વર્ષમાં સેન્સેક્સ ૫૦,૦૦૦ની સપાટી આંબી શકે છે….

    લૉકડાઉન દરમિયાન કામકાજથી અળગા થયેલા લાખો ભારતીયોએ શેરબજારમાં ઘણાં જ સસ્તા ભાવે મળતા બ્લુચીપ શેરોમાં પોતાનું નસીબ અજમાવવા મોટા પાયે નવા ડિમેટ એકાઉન્ટ ખોલાવતા પાછલા દશકોના સૌથી વધારે ડિમેટ ખાતા ખોલાયાનો વિક્રમ રચાયો હતો. સેક્ટર્સની વાત કરીએ તો લૉકડાઉનની શરૂઆતથી આઇટી અને ફાર્મા સેક્ટર્સનો દબદબો રહ્યો હતો. અમેરિકન બજારોની વાત કરીએ તો ફેસબુક, ગુગલ, અને એપલ જેવી કંપનીઓમાં અભુતપૂર્વ તેજી એ નાસ્ડેકને કોવિડ-૧૯ના લેવલથી ૨૦% પ્રિમિયમમાં લાવી દીધું હતું. ભારતીય બજારોની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટર્સ લોન મોરેટોરિયમના ગુંચવાડામાં અટવાયેલું હતું પરંતુ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો  બેંકો અને લોનધારકો માટે હાશકારાદાયક રહ્યું હતું.  તેમ જણાવતા ટોરીન વેલ્થ મેનેજમન્ટના જીગ્નેશ વાધવાણીએ ઊંમેર્યું હતું કે, કંપનીઓના પરિણામો ધારણાથી સારા આવ્યા હતા તેમાં ય ખાસ કરીને આઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક, હિરોમોટોર્સ, એચડીએફસી અને ટીસીએસના પરિણામો આશ્ચર્યજનક રહ્યા હતા. આથી આ શેરો ૫૨ સપ્તાહની નજીક પહોંચ્યા છે.

    અર્થતંત્રની વાત કરીએ તો જીએસટી  કલેક્શન લોકડાઉન દરમ્યાન ૩૦ લાખ કરોડથી સતત પ્રગતિ બતાવીને ઓક્ટોબર મહિનામાં ફરીથી રૂા. ૧૦૪ લાખ કરોડે પહોંચ્યું છે. જે ફેબુ્રઆરી ૨૦૨૦ના લેવલે પહોંચ્યું છે. ઓટો સેલ્સના આંકડા ઘણાં જ પ્રોત્સાહનજનક આવ્યા છે. 

    આગામી દિવસોમાં રેલ્વે અને અન્ય પરિવહનના વિકલ્પો ન હોવાના કારણે આ આંકડાઓ વધી શકે છે. જૂન- ઓગસ્ટ દરમિયાન વરસાદના આંકડાઓએ ગ્રામીણ અર્થતંત્રને ઘણો ટેકો આપ્યો હતો. આથી ટેક્ટર્સ ટુ-વ્હીલર્સ અને ખેતપેદાશોના વેચાણમાં સારો વધારો જોવા મળ્યો હતો. મેન્યુફેક્ચરીંગ સેક્ટર્સ અને સર્વિસ સેક્ટર્સના પીએમઆઇ ના ડેટા પ્રોત્સાહક જાહેર થયા હતા જે અર્થતંત્રની ગતિવિધિમાં વેગની સાબિતી આપે છે.

    શેરબજારની વાત કરીએ તો છેલ્લા એક વર્ષથી લાર્જકેપના ગણ્યાગાંઠયા શેરોમાં તેજીની ચાલ જોવા મળી રહી છે.  રિલાયન્સ, એચડીએફસી બેંક, કોટક બેંક, ટીસીએસ જેવા શેરોએ બજારની આગેવાની લીધી હતી. પરંતુ મિડકેપ- સ્મોલકેપ ઇન્ડેક્સના શેરો આજે પણ ૨૦૧૮ના ઑલટાઇમ હાઇથી ૨૫% સસ્તા મળી રહ્યા છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં તેમાં સારા વળતરની અપેક્ષા રાખી શકાય. અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા ૪ ટ્રિલિયન ડોલરના ફ્લોના કારણે આગામી દિવસોમાં અમેરિકા અને ઉભરતા માર્કેટમાં તેજી જોવા મળી શકે છે. ેંજી ખઈઘ દ્વારા આગામી વર્ષ દરમિયાન વ્યાજ દરોમાં વધારાની શક્યતા  નકારી કાઢવામાં આવી છે. સોનામાં પણ છેલ્લા એક વર્ષમાં મોટી ઉછાળો જોવાઈ ગયો છે. આથી પરિબળો ઇક્વિટી માર્કેટ તરફી બન્યા છે. નિફ્ટી ૧૨૦૦૦ના સાયકોલોજીકલ સપાટીને વિકલી ધોરણે બંધ આપવામાં સફળ થઈ છે. આથી આગામી દિવસોમાં તે નવા હાઇ તરફ આગળ ધરો. બેંક નિફ્ટીએ પણ છેલ્લા મહિનામાં ૧૫% દોડ લગાવી છે. જે આગામી દિવસોમાં પણ જોવાતી રહેશે.

     અમેરિકાની વાત કરીએ તો કંપનીઓ તથા ધનવાન અમેરિકનો પર વેરામાં વધારો કરવાની જો બાઈડનની  યોજનાને જોતા  પ્રમુખપદ  પર તેમની વરણી અમેરિકાની ઈક્વિટીઝ માટે નેગેટિવ બની રહેશે જ્યારે અન્ય બજારો માટે તે પોઝિટિવ હશે, એમ જાણીતા રોકાણકાર માર્ક મોબિઅસે મત વ્યકત કર્યો છે. વેરામાં વધારો અમરિકન સ્ટોકસમાં રોકાણ કરવાથી લોકોને નિરુત્સાહી કરશે. અમેરિકન બજારમાં કોઈપણ પીછેહઠ ઊભરતી બજારો તથા અન્ય વૈશ્વિક ઈક્વિટી માટે સારી સ્થિતિ બનાવશે. ઊંચા વેરાને કારણે  અમેરિકાની સ્ટોક માર્કેટસમાં રોકાણ કરવાથી પોતાની સંપતિ પર અસર થશે તેવો જે લોકોને ભય હશે તેઓ શેર બજારમાં રોકાણ કરવાથી દૂર રહેશે.  કોંગ્રેસમાં વિભાજન થવાની શકયતાને જોતા વેરા વધારવાનું બાઈડન માટે આસાન નહીં હોય એમ કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે. વર્ષે બે લાખ ડોલરથી વધુની આવક ધરાવતાઓ પર વધુ ેવેરો વસૂલવાની બાઈડનની યોજના છે.  બાઈડનના પ્રમુખપદ હેઠળ ડિજિટલ ટેકસના સરળ તથા વ્યાપક અમલીકરણ માટે ઓઈસીડી સાથે વધુ સંકલન જોવા મળશે જેને કારણે વૈશ્વિક ટેક ક્ષેત્ર પર દબાણ આવશે અને અમેરિકન ઈક્વિટીઝ પર તાણ એમ તેમણે ઉમેર્યું હતું. 

     જો કે આમ છતાં ચીન અને ભારત વચ્ચેનો તનાવપૂર્ણ માહોલ અને કોરોના વાઇરસનો બીજો તબક્કો બજારો માટે મહત્ત્વપૂર્ણ રહેશે. છેલ્લા બે અઠવાડિયામાં યુરોપ અને અમેરિકન બજારોમાં પુનઃ લોકડાઉનના સમાચારોએ ૧૦%થી વધુ કડાકા બોલી ગયા હતા પરંતુ એનાથી વિરૂદ્ધ ભારતમાં પરિસ્થિતિ ઘણી જ સારી હોવાથી બજારો એ સમાચારોને અવગણીને વૈશ્વિક બજારોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું છે અને આગામી સમયમાં એટલે કે નવા વિક્રમ સંવત વર્ષમાં સેન્સેક્સ ૫૦,૦૦૦ની વિક્રમી સપાટી હાંસલ કરવા તરફ પ્રયાણ કરશે તેવી સંભાવના નકારી શકાય નહીં…

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here