નાયબ તહેસિલદારને ગુંડો કહેતી મહિલા મિનિસ્ટર, ઉત્તર પ્રદેશમાં જાહેરમાં અધિકારીને ગુંડો કહેતાં સર્જાયો વિવાદ

0
27

– ‘હું ખાણ માફિયા સામે પગલાં લઉં છું એ પ્રધાનશ્રીને ગમતું નથી’

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોગી સરકારના મહિલા કલ્યાણ અને બાળ કલ્યાણ વિભાગના રાજય પ્રધાન સ્વાતિ સિંઘે એક જાહેર કાર્યક્રમમાં નાયબ તહેસિલદારને ગુંડો કહેતાં વિવાદ સર્જાયો હતો.

સ્વાતિ સિંઘના આ વક્તવ્યનો એક વિડિયો પણ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો હતો. લખનઉના સરોજિની નગરમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં સ્વાતિ સિંઘ પહોંચ્યાં હતાં અને જાહેરમાં બોલ્યા હતા, ‘આ નાયબ તહેસિલદાર છે કે ગુંડો છે ? મને મારા તહેસિલમાં આવા માણસો નહીં જોઇએ જે ન્યૂસન્સ ક્રીયેટ કરે…અને આજે તહેસિલ દિવસ છે. તહેસિલ વિભાગના બીજા બધા અધિકારીઓ અહીં છે. તું ક્યાં રખડતો હતો ?’ 

આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર રજૂ થયા બાદ સ્વાતિ સિંઘનો સંપર્ક સાધી શકાયો નહોતો. જે નાયબ તહેસિલદારને તેમણે ગુંડો ગણાવ્યો એ અધિકારી મનીષ ત્રિપાઠીએ કહ્યું કે હું ખાણ માફિયા સામે પગલાં લઉં છું એ આ પ્રધાનશ્રીને ગમતું નથી એટલે હું તેમને આંખમાં ખૂંચી રહ્યો છું. હું સદૈવ મારું હથિયાર સાથે રાખું છું કારણ કે મારા જીવને ખતરો છે એની મને જાણ છે. જે લોકો ગેરકાયદે રેતી ખોદી રહ્યા છે એમની સામે હું સતત પગલાં લઉં છું. તેથી આ પ્રધાનશ્રી નારાજ હતા. હું હથિયાર સાથે રાખું છું એ મારા વરિષ્ઠ અધિકારી જાણે છે. મારે ઘણીવાર રાત્રે દરોડો પાડવો પડે છે. એટલે મારે હથિયાર સાથે રાખવું પડે. 

તેમણે વધુમાં કહ્યું કે મંગળવારે મને પ્રધાનશ્રીના પીએનો ફોન આવ્યો કે ફલાણા કાર્યક્રમમાં તમે હાજર રહો એવી પ્રધાનશ્રીની ઇચ્છા છે. હું ન જઇ શક્યો એટલે મારા પર ગુસ્સો વ્યક્ત કર્યો.  ભૂતકાળમાં અમારા વિભાગના કેટલાક અધિકારીઓને રેતી માફિયા દ્વારા હત્યા કરાઇ હતી એટલે આવા રેતી માફિયાને પકડવા અમારે ઘણો પુરુષાર્થ કરવો પડે છે.

આ બાબતમાં લખનઉના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશનો સંપર્ક સાધવામાં આવ્યો અને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઇ પ્રતિભાવ આપવાનો ઇનકાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here