લાલુ યાદવનો પુત્ર તેજસ્વી નીતિમત્તાની વાતો કરે છે
અર્ધો ડઝન ગુના માટે જેલવાસ ભોગવતા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવને સત્તા માટે હવે નીતિમત્તા યાદ આવી હતી. એણે પત્રકારોની સાથે વાત કરતાં કહ્યું હતું કે પ્રજાએ સ્પષ્ટ રીતે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. નીતિશ કુમારે નૈતિક દ્રષ્ટિએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઇએ.
તેજસ્વીએ એવો આક્ષેપ કર્યો હતેા કે એનડીએએ સંપત્તિ, છળકપટ અને જોરજુલમથી ચૂંટણી જીતી લીધી હતી. એક તરફ દેશના વડા પ્રધાન હતા અને બીજી બાજુ રાજ્યના મુખ્ય પ્રધાન સમગ્ર સરકારી તંત્ર સાથે હતા છતાં મારા જેવા 31 વર્ષના યુવાનને હરાવી શક્યા નહીં. નીતિશ કુમારમાં અંતરાત્મા જેવું અને થોડી પણ નીતિમત્તા જેવું કંઇ બચ્યું હોય તો એમણે રાજીનામું ધરી દેવું જોઇએ. એવું કરશે તો બિહારની પ્રજા અને ઇતિહાસ સદાને માટે તેમને યાદ રાખશે. તમામ પ્રકારની તડજોડ પછી પણ આ લોકો અમારા વિજયરથને રોકી શક્યા નથી.
તેણે વધુમાં કહ્યું કે ચૂંટણીમાં રાજદ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો હતો. જદયુ તો ત્રીજા નંબર પર છે. તેમણે સમજદારી અને સૂઝબૂઝ દાખવીને સત્તાની ધુરા છોડી દેવી જોઇએ. લોકોએ પરિવર્તન માગ્યું હતું. અમે ચૂંટણી હાર્યા નથી, જીત્યા છીએ. બિહારની જનતા અમારી સાથે છે. જનતા પરિવર્તન માગે છે.