પાકિસ્તાનના રેલવે મંત્રીની બુદ્ધિ બહેર મારી ગઈ! ભારત પર લગાવ્યા સણસણતા આરોપ

0
39

વિચાર્યા વગર કંઈ પણ અણઘડ બોલતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે દાવો કર્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સી RAW પાકિસ્તાનના નેતાઓ પર ઘાતક હુમલો કરી શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે RAWએ પાકિસ્તાનને અંદરથી અસ્થિર કરવાની કાર્યવાહી શરૂ કરી છે, તેથી પાકિસ્તાનના નેતાઓએ તેમની સુરક્ષાની જાતે કાળજી લેવી જોઈએ. રશિદે દાવો કર્યો કે તેમના ઉપર પણ ત્રણ વાર હુમલો કરવામાં આવી ચુક્યો છે.

RAW  પાકિસ્તાની નેતાઓને નુકસાન પહોંચાડી શકે છે

રશિદે કહ્યું, “RAW કોઈપણ મોટા પાકિસ્તાની નેતાને નુકસાન પહોંચાડી શકે છે.” રશિદનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશી અને સૈન્યના પ્રવક્તાએ તાજેતરમાં ભારત પર બલુચિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. કુરેશીએ દાવો કર્યો હતો કે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય ગુપ્તચર એજન્સી RAWએ ચીનના ડ્રીમ પ્રોજેક્ટ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને નષ્ટ કરવા 80 અબજ રૂપિયા આપ્યા છે અને 700 આતંકવાદીઓને તૈયાર કર્યા છે.

ભારતે સીપીઈસીને બરબાદ કરવા 80 અબજ રૂપિયા આપ્યા?

જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત આતંકવાદીઓને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કથિત ભારતીય આતંકવાદ અંગે શનિવારે આ ડોઝિયર રજૂ કરાયું હતું. કુરેશીએ કહ્યું, “ભારતે સીપીઈસીને બરબાદ કરવા 80 અબજ રૂપિયા આપ્યા છે. ભારતે 700 લોકોનું લશ્કર બનાવ્યું છે જે બલુચિસ્તાનમાં સીપીઈસીને નિશાન બનાવતા રહેશે. ગિલગિટ-બાલ્ટિસ્તાનની ચૂંટણી પહેલા ભારતે ત્યાં રાષ્ટ્રવાદને પ્રસારિત કરવાનો પ્રયાસ કર્યો. ચૂંટણી પછી પણ ભારતનો આશય ઉમદા નથી.”

RAWએ એક વિશેષ સેલ તૈયાર કર્યો!

કુરેશીએ દાવો કર્યો હતો કે સીપીઈસીને લક્ષ્ય બનાવવા માટે RAWએ એક વિશેષ સેલ તૈયાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે તેની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. એટલું જ નહીં ભારત અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન પર હુમલો કરવા માટે પણ કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ચેતવણી આપી કે આગામી સમયમાં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધી શકે છે. તેમણે કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર, વિએના સંમેલન સહિત ત્રણ આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત અમને એફએટીએફમાં બ્લેક લિસ્ટ કરવા દબાણ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here