બ્લાસ્ટ થતાં નવ ગોડાઉનની દિવાલો-છત પત્તાની જેમ તૂટી પડી
– સાહિલ કેમિકલ ફેકટરીમાં પ્રોસેસ દરમિયાન ધડાકો થતાં કાપડના ગોડાઉનમાં કામ કરતા પાંચ મહિલા, સાત પુરૂષનાં મોત : ત્રણ મહિલા, સાત પુરૂષ ઘાયલ
પિરાણા-પીપળજ રોડ ઉપર રેવાકાકા એસ્ટેટમાં આવેલી ગેરકાયદે શાહિલ કેમિકલ ફેકટરીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં બાજુમાં આવેલા કાપડના નવ જેટલા ગોડાઉન તથા કાપડની ફેકટરીની દિવાલો અને છત પત્તાના મહેલની જેમ તૂડી પડતાની સાથે જ આગ લાગી હતી, જેના કારણે કેમિકલ ફેકટરી અને કાપડની ફેકટરી-ગોડાઉનમાં કામ કરતી પાંચ મહિલા અને સાત પુરૂષના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા.
જ્યારે ત્રણ મહિલા અને સાત પુરૂષ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કરૂણાંતિકામાં રાજ્ય સરકારે મૃતકોને રૂપિયા ચાર લાખની સહાય જાહેર કરીને ઉચ્ચ કક્ષાની તપાસના આદેશો આપ્યા છે. પિરણા-પીપળજ રોડ ઉપર આવેલા રેવાકાકા એસ્ટેટમાં વર્ષોથી હેતલ સુતરિયા નામની વ્યક્તિ ગેર કાયદે ચાલતી શાહિલ નામની કેમિકલ ફેકટરી ચલાવતા હતા.
આ કેમિકલ ફેકટરીમાં આજે સવારે 11 .30 વાગે કેમિકલ પ્રોસસ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેના કારણે ફેકટરીમાં કામ કરતા મુસ્તૂફા નામના યુવકનું મોત નીપજ્યું હતું, કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થતાની સાથે જ બાજુમાં નાનુંભાઇ એસ્ટેટમાં આવેલી કાપડની ફેકટરી અને કાપડના નવ જેટલા ગોડાઉનની દિવાલો અને છત પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી.
કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ બાદ બાજુમાં આવેલા કાપડના ગોડાઉન અને કાપડની ફેકટરીમાં આગ લાગી હતી ફેકટરીમાં કાપડના કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટના બની ત્યારે કાપડની ફેકટરીમાં મહિલા અને પુરૂષો સહિત 28 લોકોે કાપડ પેકિંગની કામગીરી કરી રહ્યા હતા.આગ લાગતાની સાથે કેટલાક લોકોએ જીવ બચાવીને નાસભાગ કરી મૂકી હતી.
આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો બ્રિગેડ કોલ જાહેર કરીને ફાયરના ઉચ્ચ અધિકારી સહિત 125 કર્મચારીની ટીમો તાબડતોબ પાણીની ટેન્કરો સહિત 16 સાધનો સાથે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
આગના બનાવમાં ફેકટરી અને ગોડાઉનમાં કામ કરતી પાંચ મહિલા અને સાત પુરૂષના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ મહિલા અને સાત પુરૂષ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમ અને કોર્પોરેશનના સ્ટાફ દ્વારા જેસીબીની મદદથીઆખો દિવસ કાટમાળ હટાવીને દટાયેલા લોકોેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે દસ કલાકની ભારે જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે હાલ તો અકસ્માતે મોત નોધીને ફેકટરીના માલિક હેતલ સુતરિયાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.
મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
મૃતકોના વારસદારોને રૂા.4 લાખની સહાય, વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી
અમદાવાદ,તા.4
અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક તપાસના આદેશ જારી કર્યાં છે. એટલું જ નહીં, મૃતકોના વારસદારોને રૂા.4 લાખની સહાય આપવા જાહેરાત કરી છે.
દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારાં પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીપળજ કેમિકલ ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં 11 લોકોએ જાન ગુમાવ્યા હતાં. આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે શ્રમ રોજગાર વિભાગના અધિક સચિવ વિપુલ મિત્રા અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન સંજીવકુમારની નિયુક્તિ કરી છે. આ બંને અધિકારીઓ આંગકાડની તપાસ કરી રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે.
મુખ્યમંત્રીએ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂા.4 લાખ ચૂકવવા જાહેરાત કરી હતી. દરમિયાન,લઘુ ઉદ્યોગ મજૂર મહાજન સંઘે પણ આ ઘટનામાં મૃતક કામદારોને રૂા.4 લાખની સહાય ઉપરાંત અન્ય સહાય આપવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.
બ્લાસ્ટ બે કિ.મી. સુધી સંભળાયો, તીવ્રતાથી શરીરના ચીંથરાં ઉડયાં
કેમિકલના બેરલ, આરસીસીના પિલર તૂટી 300 ફૂટ દૂર સુધી ફંગોળાયા : વૃક્ષ પણ ધરાશાયી
પીરાણા પાસે કેમિકલ ફેકટરીમાં થયેલા બ્લાસ્ટની તીવ્રતા એટલી બધી હતી કે બાજુમાં કાપડની ફેકટરી અને ગોડાઉનમાં કામ કરતી મહિલા અને પુરૂષો ગંભીર રીતે ઘાયલ થયેલા હતા, જેમાં કેટલાક લોકોના હાથ સહીતના અંગોના ચીથરા ઉડી ગયા હતા અને ઉછળીને ફેકટરી આગળ દૂર સુધી આવીને પડયા હતા.
કાળજુ કંપાવનારી ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પીપળજની કેમિકલ ફેકટરીમાં આજે સવારે કેમિકલ પ્રોસેસ દરમિયાન બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટ થતાંની સાથે ફેકટરીમાં કામ કરતો કર્મચારી તો સ્થળ ઉપર જ મરી ગયો હતો.
જ્યારે બ્લાસ્ટની તીવ્રતા એટલી જોરદાર હતી કે બાજુમાં આવેલા નાનુભાઇ એસ્ટેટમાં 9 કાપડના ગોડાઉન અને કાપડની ફેકટરી દિવલો ધરાશયી થઇ હતી એટલું જ નહી આરસીસીની બિમ પણ તૂટીને તેનો કાટમાળ કેમિકલ ફેકટરી પાછળ આવેલા મેદાનમાં 300 ફૂટ દૂર સુધી ફંગોળાયો હતો.
જ્યારે કેમિકલ ફેકટરીના પ્લાસ્ટીક સહિતન બેરલો અને ઘટાદાર વૃક્ષ પણ તૂટી પડયું હતું. બ્લાસ્ટના ધડાકાનો અવાજ પણ બે કિ. મીટર દૂર સુધી સંભાળાતાં સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા બ્લાસ્ટ બાદ કાપડના ગોડાઉન અને કાપડની ફેકટરીમાં લાગેલી આગના ગોટે ગોટા પણ દૂર દૂર સુધી છવાઇ ગયા હતા જેના કારણે લોકોની આંખોમાં બળતરા શરૂ થઇ ગઇ હતી.
બાજુના એકમના 36 મજૂરોએ વિસ્ફોટ જોયો
બાજુના કારખાનામાં નાસભાગ : બે સેકન્ડમાં જ 22 દટાયા, 14 ભાગ્યા
પિરાણા રોડ પર આવેલા નાનુ કાકા એસ્ટેટમાં આવેલી કનિકા ટેક્સોફેબ અને એચ.કે. સાડી નામના બે એકમમાં સવારે 11 વાગ્યાના અરસામાં કામ ચાલી રહ્યું હતું. અંદાજે 36 મજૂરો કામ કરતાં હતાં. બે સેકન્ડસમાં જ આ 36 મજૂરોએ મોત જોયું.
36માંથી 12ના મૃત્યુ થયાં છે, 10 સારવાર હેઠળ છે અને 14 લોકો જીવ બચાવી ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતાં. આ બે એકમની પાછળ આવેલા રેવા કાકા એસ્ટેટમાં આવેલા સાહિલ એન્ટરપ્રાઈઝ નામના કેમિકલ એકમમાં એવો બ્લાસ્ટ થયો કે બન્ને સાડી પ્રોસેસ હાઉસ ભાંગીને ભૂક્કો થઈ ગયાં. બે સેકન્ડસના વાયરલ થયેલા વિડિયો હચમચાવી દે તેવા છે.
પિરાણા-પીપળજ રોડ પર રેવા કાકા એસ્ટેટ અને નાનુ કાકા એસ્ટેટ બાજુ બાજુમાં આવેલાં છે. રેવા કાકા એસ્ટેટમાં આવેલા સાહીલ એન્ટરપ્રાઈઝમાં કેમિકલ પ્રોસેસ થતી હતી.
સવારે 11 વાગ્યાના અરસામાં સાહીલ એન્ટરપ્રાઈઝમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ એવો પ્રચંડ હતો કે, તેની એક જ દિવાલે પડતાં નાનુકાકા એસ્ટેટમાં આવેલા કનિકા ટેક્સો ફેબ (કનિકા સાડી) અને એચ.કે. સાડી નામના બે પ્રોસેસ હાઉસ ધરાશાયી થઈ ગયાં.
માત્ર બે સેકન્ડસમાં જ બ્લાસ્ટ સાથે અગનગોળો એવો ફેલાયો કે બે એકમોમાં કાર્યરત 36 કામદારોએ મોત ભાળ્યું હતું. એવી વિગતો ખૂલી છે કે, કનિકા સાડીમાં આ સમયે 30 અને એચ.કે. સાડીમાં 6 કામદારો કામ કરી રહ્યાં હતાં. જ્યારે, બ્લાસ્ટ થયો તે સાહિલ એન્ટરપ્રાઈઝમાં એક કામદાર હતો તેનો તો પતો જ નથી.
સાડી એકમોના 36 લોકોમાંથી 12ના મૃત્યુ થયું છે અને 10 સારવાર હેઠળ છે. બે સેકન્ડસના મોતના ખેલમાં બાવીસ કામદારો દટાઈ ગયાં હતાં અને 14 કામદારો જીવ બચાવી બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં. કુલ 36 કામદારો હતાં તેવી વિગતો વચ્ચે એન.ડી.આર.એફ.ની ટીમની મદદ પણ લેવાઈ છે અને કાટમાળ હટાવવાની અને અન્ય મૃતકો છે કે કેમ તેની તપાસ કામગીરી હજુ ચાલશે.
ભોગ બનેલાઓના નામની યાદી
(1) કલુવા બુન્દુ (41)
(2) યુનુસભાઈ મલેક (52)
(3) રાગીણી જે.ક્રિશ્ચિયન (50)
(4) રામારામ ડી.દેવાશી (26)
(5) જેક્લીન આર.ક્રિચિયન (17)
(6) હિતેશભાઈ
(7) રંજનબહેન વી. ગોરીયા
(8) નજમોનિશા એમ. શેખ
(9) મુસ્તુફા એ. શૈયદ
(10) મતુરભાઇ એચ.ચાવડા
(11) નિતીન એ. પરમાર
(12) એન્જલીના એમ. ચાવડા
ઈજાગ્રસ્તોનાં નામ
(1) શાતિબહેન વી.કહારી (50)
(2) હેતલબહેન આર.પ્રજાપતિ (18)
(3) રીઝીયાના પરવીન એમ.શેખ (16)
(4) પંચાલ અશ્વીન કાંતીલાલ (42)
(5) નરેશ સોલંકી
(6) રોહન ચૌહાણ (18)
(7) સુબ્રમણ્યમ ક્રિશ્નમુર્તિ (47)
(8) સુરેન્દ્ર આર.ચૌહાણ (62)
(9) અજાણી વ્યક્તિ