ગોઝારી દુર્ઘટના બાદ દોડતું થયેલું મ્યુનિ. તંત્ર
– ફેક્ટરીઓ કોઈ પણ જાતના લાયસન્સ કે એનઓસી વગર ચાલતી હતી
જોખમી જણાતા કેમિકલનો મોટો જથ્થો પણ મળ્યા
અમદાવાદમાં પિરાણા- પીપળજ રોડની ગોજારી દુર્ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા બાદ દોડતાં થયેલા મ્યુનિ. તંત્રએ આજે ગેરકાયદે ચાલી રહેલી છ ફેક્ટરીઓને ‘સીલ’ મારી દીધા છે.
દક્ષિણ ઝોનની ટીડીઓ- એસ્ટેટ ખાતાની ટીમે પીપળજ અને લાંભા વિસ્તારમાં ચાલતી ફેક્ટરીઓની ચકાસણી હાથ ધરી હતી, ત્યારે એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે કોઈ પણ જાતની સરકારની કે મ્યુનિ.ની મંજૂરી વગર જ આ ફેક્ટરીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ધમધમતી હતી.
ઉપરાંત આ ફેક્ટરીઓમાં જોખમી જણાતા કેમિકલનો જથ્થો પણ મોટા પ્રમાણમાં હોવાનું જણાયું હતું કાચા પાકા દેખાતા પતરાના શેડ હેઠળ કેમિકલને લગતી કામગીરી ચાલતી હતી. સુકા કેમીકલની થેલીઓ અને મોટા પ્રમાણમાં નાની મોટી સાઇઝના વાદળી રંગના ડ્રમ દેખાતા હતા.
આ ફેક્ટરીઓ ચલાવનારાઓ પાસે આશ્ચર્યજનક રીતે મ્યુનિ.ના હેલ્થ લાયસન્સથી લઈને સરકારની કોઈ પણ જાતની મંજૂરી, પરવાના કે એનઓસી કશું જ હતું નહીં. હવે સવાલ એ થાય છે કે, આટલા વર્ષો સુધી રાજ્ય સરકારના જીપીસીબીથી લઈને એક પણ તંત્રના ધ્યાનમાં આ બાબત આવી કેમ નહીં ? સરકારી તંત્રમાં પણ કેટલી હદે પોલંપોલ ચાલે છે, તેનો આ નમૂનો છે. બીજી તરફ જવાબદારી કોની તે મુદ્દે ખેંચતાણ ચાલે છે.
અગાઉ કાંકરિયાની રાઇડ તૂટી પડી ત્યારે બેના મૃત્યુ અને 39 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તે સમયે પણ જવાબદારી સરકારી તંત્રની મ્યુનિ. તંત્રની તે બાબત નક્કી થઈ શકી ના હતી, તો આ વખતની દુર્ઘટના તો એથી પણ ઘણી મોટી છે. સરકારી તંત્ર દોષનો ટોપલો મ્યુનિ. પર ઢોળવા પ્રયત્નશીલ હોવાનું જણાય છે. ખરેખર તો મ્યુનિ. અને સરકારે સાથે મળીને ફરી આવી દુર્ઘટના સર્જાય નહીં તે દિશામાં કામ કરવું જોઈએ, તે કોઈને સૂઝતું નથી.
બીજી તરફ ફેક્ટરીમાં પડેલું આ કેમિકલ કેવા પ્રકારનું છે ? કેટલા પ્રમાણમાં જોખમી છે ? તેના જથ્થાને સલામત રીતે રાખવા શું કરવું જોઈએ ? વગેરે બાબતે જીપીસીબી અને સંલગ્ન તંત્રોએ ઝડપથી તપાસ હાથ ધરવી જોઈએ.
કેટલુંક કામ થઈ પણ રહ્યું છે, પણ તે વધુ ચુસ્તપણે થાય તે જરૂરી છે. સંલગ્ન તંત્રોની સાંઠગાંઠ ના હોય તો કોઈ પણ જાતના પરવાના વગર આવી ફેક્ટરી ચાલી જ કઈ રીતે શકે ? તે પ્રશ્ન છે. હપ્તારાજનો વિસ્તાર લોકોના જીવ જાય એટલી હદ સુધી વિસ્તરવો ન જોઈએ તે સત્ય બધાએ સ્વીકારવું જોઈએ.
મ્યુનિ.એ કઈ ફેક્ટરીઓ સીલ કરી ?
ફેક્ટરીનું નામ | સરનામું | ક્ષેત્રફળ | |
(ચો.મી.) | |||
1. | શાહ વેરહાઉસ | પીપળજ રોડ, લાંભા | 950 |
2. | સુંદરલાલ એમ. | 182, આનંદ ઇન્ડસ્ટ્રીયલ | 1200 |
અગ્રવાલ | એસ્ટેટ, શાહવાડી, લાંભા | ||
3. | સુભાષભાઈ અગ્રવાલ | આનંદ એસ્ટેટની પાછળ | 50 |
શ્રી શ્યામ ગ્લોબલ | શાહવાડી, લાંભા | ||
4. | પંકજભાઈ જૈન | શ્રી શક્તિની બાજુમાં, | 450 |
રાણીપુર ચર્ચની પાછળ | |||
5. | ગાયત્રી માર્કેટિંગ | 6, આર.જે.ડી. ઇન્ડસ્ટ્રીયલ | 400 |
એસ્ટેટ, લાંભા | |||
6. | ઓમકાર કેમિકલ | 5 આરજેડી ઇન્ડસ્ટ્રીયલ | 1000 |
યોગેશભાઇ પટેલ | એસ્ટેટ, લાંભા |