ફટાકડાના વેચાણ પર મંદીનું ગ્રહણ:અમદાવાદના ફટાકડાબજારમાં સન્નાટો, મોટા નુકસાનની ભીતિ, જ્યાં ગ્રાહકોની ભીડ જામતી ત્યાં આજે વેપારીઓએ ગ્રાહકોને હાથ પકડીને બોલાવવા પડે છે

  0
  19

  બજારમાં માત્ર એક-બે નવા પ્રકારના ફોટોલાઇટ અને મોરકળા જેવા ફટાકડા આવ્યા

  કોરોના મહામારીએ લોકો પાસેથી રોજગારી અને આરોગ્ય ઝૂંટવી લીધાં છે. ગુજરાતમાં કોરોનાને 7 મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને ધંધા-રોજગાર પણ પાટે ચડી ગયા છે. માત્ર એટલું જ નહીં, દિવાળી જેવા સૌથી મોટા ગણાતા તહેવારના દિવસો હોવા છતાં બજારમાં રોનક દેખાતી નથી. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની શરૂઆત અને ખરીદી નવરાત્રિ અને શરદપૂનમથી શરૂ થઈ જતી હોય છે. આ સમયગાળા દરમિયાન ફટાકડાના વેપારીઓને કેટલાક ગ્રાહકોને ભાવ કહેવાનો પણ ટાઈમ નથી હોતો, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે ફટાકડાબજારમાં મહામંદી આવી ગઈ છે. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં જ્યાં ફટાકડા માટે ભીડ જામતી હોય છે એવા બજારમાં આજે જો ફટાકડાની દુકાન તરફ કોઈ એક વ્યક્તિ પણ આવતી દેખાય તો દુકાનદારે એનો હાથ પકડીને આવો આવો, અહીં સારા ફટાકડા છે કહી એને બોલાવવી પડે છે. જ્યાં ગ્રાહકને બોલાવવાની ફરજ નથી પડતી ત્યાં આજે વેપારીઓએ આવો સાહેબ, ફટાકડા લઈ જાઓ કહેવું પડે છે.

  કોરોના મહામારીને કારણે એકપણ ગ્રાહક દેખાતો નથી.

  દર વર્ષે જ્યાં 10 દિવસ પહેલાં 40 ટકા માલ પૂરો થઈ જાય છે ત્યાં આ વર્ષે 10 ટકા પણ વેચાણ નહીં
  દિલ્હી દરવાજા ખાતે આવેલા ફટાકડાબજારમાં વર્ષોથી ફટાકડાનો વેપાર કરતા કાલુભાઈ કેરીવાળાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળીમાં ફટાકડાની ખરીદી માટે શરદપૂનમથી ગ્રાહકોની ભીડ જામતી હોય છે. 10 દિવસ પહેલાં 40 ટકા માલ પૂરો થઈ જાય છે, આ વર્ષે 10 ટકા પણ વેચાણ થયું નથી. આ વર્ષે કોરોના મહામારીને કારણે એકપણ ગ્રાહક બજારમાં દેખાતો નથી. નાની ફૂલઝર, કોઠી, દીવડા, ટોટી બોમ્બ જેવા નાના ફટાકડા લઈ જાય છે. મોટા ફટાકડાનું ઓછું વેચાણ થાય છે.

  ફટાકડાબજારને મોટું નુકસાન જાય એવી શક્યતા છે.

  રિટેલર્સ પણ ફટાકડા લેવા ના આવ્યા, પાંચ દિવસમાં થોડો વેપાર થવાની શક્યતા
  આ વર્ષે કોઈ નવો માલ ખરીદ્યો નથી, બજારમાં માત્ર એક-બે નવા ફટાકડા આવ્યા છે. ફોટોલાઈટ અને મોરકળા જેવા ફટાકડા આવ્યા છે. જૂનો માલ જે 12 માસ માટે હોય છે એ જ માલ હાલમાં દિવાળી માટે વપરાય છે. બજારમાં કોઈ જ ડિમાન્ડ નથી. ફટાકડા લેવા માટે પણ રિટેલર્સ આ વર્ષે આવ્યા નથી, જેથી ફટાકડાબજારને મોટું નુકસાન જાય એવી શક્યતા છે. જોકે વેપારીઓને છેલ્લા પાંચ દિવસમાં થોડોઘણો વેપાર થાય અને લોકો ફટાકડા લઈ જાય એવી આશા છે.

  લારીવાળાઓની સ્થિતિ વધુ ખરાબ
  દિલ્હી દરવાજા વિસ્તારમાં આશરે 35 જેટલી હોલસેલ દુકાનો આવેલી છે, જેમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા જોવા મળ્યા છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવેલા ફટાકડાબજારમાં દર વર્ષની જેમ કોઈ ગ્રાહકોની ભીડ જોવા મળી નથી. વગરલાઇસન્સે ફટાકડા વેચતા લારીવાળાઓ પણ પોતાનું ગુજરાન ચલાવવા ઓછા ફટાકડા લાવી ધંધો કરવા બેઠા છે, પરંતુ તેમને પણ ગ્રાહકો મળતા નથી.

  ગત વર્ષે ભારે મંદી હોવાથી 50 ટકા સ્ટોક પડ્યો રહ્યો હતો
  ગત વર્ષે દિવાળીમાં ફટાકડાના વેપારીઓને ભારે મંદી નડી હતી. ફટાકડાબજારના વેપારીઓના જણાવ્યા મુજબ, ફટાકડા પર 28 ટકા જીએસટી લાગતો હોવાથી ફટાકડા પણ મોંઘા થયા હતા. શહેરમાં દર વર્ષે શરદપૂનમથી જ ફટાકડા બજારમાં આવવાના શરૂ થઇ જાય છે અને દિવાળીના તહેવારો શરૂ થાય એ પહેલા તો વેપારીઓના 50-60 ટકા સ્ટોક ખાલી પણ થઇ જાય છે, પરંતુ દિવાળીના દિવસે પણ વેપારીઓનો 50 ટકા કરતાં વધુ સ્ટોક વેચાયા વગર પડી રહ્યો હતો. ફટાકડાના વેચાણમાં પાછલાં દસ વર્ષોમાંથી સૌથી ખરાબ સ્થિતિ આ વર્ષે જોવા મળી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here