ફરી કોરોના થવાના દેશના સૌથી વધુ 9 કેસ અમદાવાદમાં, દોઢથી ત્રણ મહિનામાં 8 ડોક્ટરને બે વાર કોરોનાનો ચેપ લાગ્યો

  0
  8
  • 9માંથી માત્ર 60 વર્ષની એક મહિલાને બાદ કરતાં બાકીના 8ને ચેપ ક્યાંથી લાગ્યો એની હિસ્ટ્રી ખબર નથી

  કોરોનાના રિ-ઈન્ફેકશનના દેશના સૌથી વધુ નવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. નવમાંથી આઠ રેસિડેન્ટ ડોક્ટર્સ છે, જેઓ એલજી અને એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમની ઉંમર 25થી 34 વર્ષ વચ્ચે છે, જયારે અન્ય એક મહિલા 60 વર્ષની છે. નવમાંથી 5 પુરુષ અને 4 મહિલા છે. આ તમામ કેસ 18 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા છે. નવમાંથી સાત ડોક્ટર્સને પહેલાં કોરોના થયો તેના દોઢથી ત્રણ મહિનામાં બીજી વખત કોરોના થયો હતો, પરંતુ એક ડોક્ટરને માત્ર દોઢ જ મહિનામાં ફરી ચેપ લાગ્યો હતો.

  પહેલી વખત કોરોના થયો ત્યારે આ નવમાંથી 3 એ-સિમ્ટોમેટિક હતા, જ્યારે 6ને માઈલ્ડ ઈન્ફેકશન હતું. રી-ઈન્ફેકશન થયું ત્યારે નવમાંથી ચાર એ-સિમ્ટોમેટિક હતા, પાંચને માઈલ્ડ ઈન્ફેકશન હતું. મોટા ભાગના ડોક્ટર્સની ડ્યૂટી કોવિડની જ હતી અને તમામ પ્રોટોકોલનું પાલન કરતા હતા છતાં દર્દીઓ વચ્ચે રહેવાથી ઈન્ફેકશન લાગ્યાનું તેમનું કહેવું છે, પણ એક ડોક્ટર કહે છે કે અમે પ્રોટોકોલ હોસ્પિટલમાં મેઈન્ટેઈન કરતા હતા, પરંતુ હોસ્પિટલની બહાર કદાચ પ્રોટોકલ ભૂલથી બ્રેક થયો હોય અને ફરી ચેપ લાગ્યો હોઈ શકે છે. જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી દરેકે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

  માર્ચથી શહેરમાં કોરોના કેસ શરૂ થયા ત્યારે પોઝિટિવ દર્દીનાં સેમ્પલ રાખવામાં આવ્યાં હતાં, પરંતુ કેસ વધતા ગયા તેમ આઈસીએમઆરની રિવાઈઝડ ગાઈડલાઈન્સ પ્રમાણે સેમ્પલ રાખવા મુશ્કેલ હોવાથી તે ડિસ્પોઝ કરી દેવાયા, જેને કારણે રિપીટ કેસનાં જૂનાં સેમ્પલ રિસર્ચ માટે ઉપલબ્ધ નથી. ફરી ચેપ બાદ તેમના સેમ્પલ વિવિધ વાઈરલ પેરામીટર્સ અને જિનેટિક ટેસ્ટિંગ માટે તુલના થઈ શકી નથી.

  બીજી વખતના ચેપમાં કોઈ લક્ષણ ન હતાં
  રેસિડેન્ટ ડોક્ટરે (ઉંમર-25 વર્ષ) કહ્યું- પહેલી વખત કોરોના થયો ત્યારે થોડેક અંશે સિમ્ટમ્સ જોવા મળ્યાં હતાં, પણ બીજી વખત કોઈ સિમ્ટમ્સ જોવા મળ્યાં ન હતાં. કયાંથી ચેપ લાગ્યો એ ખબર નથી, પરંતુ બીજી વખત પણ સાજા થયા બાદ હજુ ફટિગ (થાક) રહે છે. બેથી ત્રણ માળ ચઢું એટલે રેસ્ટ કરવો પડે છે. કોઈ પણ વ્યકિતએ જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો બહાર ગયા હોય તો તાત્કાલિક સ્ટીમ અને બાથ લેવા જોઈએ.

  ગ્લોવ્ઝ, માસ્ક પહેર્યાં છતાં ચેપ લાગ્યો
  રેસિડેન્ટ ડોક્ટર (ઉંમર-33 વર્ષ)એ જણાવ્યું હતું કે કદાચ એન્ટિબોડી ના બન્યા હોય એટલે ફરીથી કોરોના થયો હોઈ શકે છે. મને પહેલાં અને ફરીથી ચેપ લાગવાનાં કારણો વિશે ખબર નથી, પણ સતત દર્દીઓની વચ્ચે રહ્યા હતા એટલે કોનો ચેપ લાગ્યો એ જાણી શકાયું નથી. ડબલ ગ્લોવ્ઝ, માસ્ક, સેનિટાઈઝરનો સતત ઉપયોગ કરતા હોવા છતાં ફરીથી ચેપ લાગ્યો એટલે જ લોકોએ પણ સમજવું જોઈએ અને હાલની પરિસ્થિતિમાં પણ ગેધરિંગ ટાળવું એ ખૂબ જ જરૂરી છે.

  એન્ટિબોડી ન બન્યા હોવાથી ચેપની શક્યતા
  એક રેસિડેન્ટ ડોક્ટર (ઉંમર-26 વર્ષ)એ કહ્યું, પહેલીવખત કોરોના થયો ત્યારે માથામાં દુખાવો,વીકનેસ જેવાં લક્ષણો હતાં. બીજી વખત હોસ્પિટલમાં માસ ટેસ્ટિંગ કરાયું ત્યારે મારો રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો. નોન-કોવિડ વોર્ડમાં હું ડ્યૂટી કરતી હતી. માસ્ક પહેરી રાખતી હતી, પણ એક્સપોઝર કયાંથી લાગ્યું એનો ખ્યાલ નથી. કદાચ શરીરમાં એન્ટિબોડી ના બન્યા હોવાથી ચેપ લાગ્યો હશે.

  પ્રોટોકોલના પાલનમાં ક્યાંક ચૂક રહી હોવી જોઈએ
  બીજા એક રેસિડેન્ટ ડોક્ટર, (ઉંમર-27 વર્ષ) એ કહ્યું, શરૂઆતથી જ અમારી ડયૂટી એસવીપી હોસ્પિટલમાં હતી. દર્દીઓની વચ્ચે રહેતા હોવાથી ચેપ લાગ્યો હોઈ શકે છે, પરંતુ કોના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો એ સ્પષ્ટ નથી. પહેલી વખત સાજા થયા પછી ફરી વખત ડયૂટી જોઈન કરી અને પાછો ચેપ લાગ્યો હતો. જોકે હું એટલું ચોક્કસ કહીશ કે કદાચ ઓફ ડ્યૂટી વખતે એક ટકા પણ પ્રોટોકોલ કે ગાઈડલાઈન્સ બ્રેક થઈ હોય તો ચેપ લાગ્યો હોઈ શકે છે.

  પહેલીવાર પતિનો, બીજીવાર ભાઈનો ચેપ લાગ્યો
  એક મહિલા, (ઉંમર-60 વર્ષ)એ કહ્યું, પ્રથમ વખત હું મારા પતિને કોરોના થયો હોવાથી તેમને લઈને સિવિલમાં ગઈ હતી અને તેમના સંપર્કમાં આવ્યા પછી મેં રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવી હતી. સિવિલમાં અમે પતિ-પત્ની બન્ને દાખલ થયાં હતાં. સમય પછી મારો ભાઈ જે દિલ્હી એરફોર્સમાં હતા તેઓ અહીં આવ્યા હતા. તેને તાવ આવતાં રિપોર્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો. તેમના સંપર્કમાં હું આવવાથી મેં પણ રિપોર્ટ કરાવ્યો અને પોઝિટિવ આવતાં રતન હોસ્પિટલમાં દાખલ થઈ હતી. હવે મેં ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કર્યું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here