ફાઇનલની ટિકિટ માટે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે આજે ક્વોલિફાયર-૨ રમાશે

0
33

આઇપીએલ ટી૨૦ લીગમાં અણીના સમયે ફોર્મ હાંસલ કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રવિવારે ટૂર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મુકાબલા માટે દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઊતરશે ત્યારે તે વિજય માટેની ફેવરિટ ટીમ તરીકે રમશે. આ મેચની વિજેતા ટીમનો ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે મુકાબલો થશે. હૈદરાબાદના છેલ્લા ચારેય મુકાબલા કરો યા મરોના હતા પરંતુ સુકાની ડેવિડ વોર્નરની ટીમે તમામમાં વિજય હાંસલ કર્યા હતા. બીજી તરફ પ્રારંભિક મેચોમાં શાનદાર દેખાવ કરનાર દિલ્હી કેપિટલ્સની ટીમ ટૂર્નામેન્ટના અંતિમ તબક્કામાં વિજયની રિધમ ગુમાવી ચૂકી છે.

પ્રારંભિક તબક્કામાં અપેક્ષા કરતાં ખરાબ પ્રદર્શન કરનાર હૈદરાબાદની ટીમે લીગમાં કરેલા શાનદાર પુનરાગમન માટે વોર્નરનું પ્રેરણાદાયી નેતૃત્વ કારણભૂત છે. તેણે ખેલાડીઓ પાસે તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવ્યું છે. બીજી તરફ પ્રારંભિક નવ મેચમાં સાત વિજય હાંસલ કરનાર દિલ્હીના સુકાની શ્રેયસ ઐય્યરનો ગેમપ્લાન વેરવિખેર થઈ ગયો છે. યુવા સુકાની ઐય્યર ૧૩મી સિઝનમાં ટીમને પ્રથમ વખત ફાઇનલમાં લઈ જવા આતુર રહેશે. વોર્નર ૨૦૧૬ની સફળતાનું ફરીથી પુનરાવર્તન કરવાના લક્ષ્યાંક સાથે ખેલાડીઓને પ્રેરિત કરશે. વોર્નર જો આગામી બંને મેચમાં વિજય હાંસલ કરશે તો તે ટૂર્નામેન્ટમાં સૌથી ઓછા અનુભવવાળા ખેલાડીઓ સાથે ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવશે.

ટોચના બેટ્સમેનોનું ફોર્મ દિલ્હી કેપિટલ્સની સૌથી મોટી ચિંતા 

ટોચના ક્રમના બેટ્સમેનોનું કંગાળ તથા અનિશ્ચિત ફોર્મ દિલ્હી માટે સૌથી મોટી સમસ્યા બની છે. ધવને ૧૫ મેચમાં ૫૨૫ રન બનાવીને સારો દેખાવ કર્યો છે પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો છે. યુવા બેટ્સમેન પૃથ્વી શો (૧૩ મેચમાં ૨૨૮ રન)ની નબળાઈ પેસ બોલિંગ સામે સપાટી ઉપર આવી ગઈ છે. અનુભવી અજિંક્ય રહાણે સાત મેચમાં ૧૧૧ રન જ બનાવી શક્યો છે. ટીમનો કોચ રિકી પોન્ટિંગ ઓપનિંગ બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વિના આઉટ થવાની બાબતથી પરેશાન છે. ધવન ચાર, પૃથ્વી ત્રણ તથા રહાણે બે વખત સ્કોરરને પરેશાન કર્યા વિના પેવેલિયન પરત ફરી ગયા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ અને બોલિંગ યુનિટ શાનદાર ફોર્મમાં છે 

વોર્નરના નેતૃત્વ હેઠળની હૈદરાબાદની ટીમે એક યુનિટ તરીકે છેલ્લી કેટલીક મેચમાં શાનદાર રિધમ હાંસલ કરી લીધી છે. બોલિંગમાં હૈદરાબાદ પાસે સંદીપ શર્મા, જેસન હોલ્ડર, શાહબાજ નદીમ, નટરાજન તથા અનુભવી લેગ સ્પિનર રાશિદ ખાન ફોર્મમાં રહેલા બોલર્સ છે. સંદીપે પાવરપ્લે તથા નટરાજને ડેથ ઓવર્સમાં અપેક્ષા કરતાં વધારે સારો દેખાવ કર્યો છે. રાશિદ ઇનિંગ્સની મધ્યની ઓવરમાં ઉપયોગી સ્પેલ નાખી રહ્યો છે. મધ્યમ હરોળની બેટિંગ હૈદરાબાદ માટે નબળું પાસું છે. યુવા ખેલાડી પ્રિયમ ગર્ગ અને અબ્દુલ સમદ જેવા બેટ્સમેનોએ પોતાની કારકિર્દીના સૌથી મોટા પડકારમાંથી પસાર થવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here