‘છલાંગ’ આમ તો રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જોકે, આ ફિલ્મના બેકડ્રોપમાં સરકારી સ્કૂલ તથા PT શિક્ષકોની વાત કરવામાં આવી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સરકારી સ્કૂલોની હાલત ઘણી જ કફોડી છે અને આ વાત જગજાહેર છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ તથા બિહારની સ્કૂલમાં શિક્ષકો અભ્યાસને બદલે પશુ ગણતરી, વસ્તી ગણતરી તથા ચૂંટણીના કામો વધુ કરતા હોય છે. બાળકો પણ સ્કૂલમાં ભોજન મળે તે માટે જ આવતા હોય છે. ફિલ્મમાં હરિયાણાની સરકારી સ્કૂલની વાત કરવામાં આવી છે.
હીરો મોન્ટુ એટલે કે મહેન્દ્ર PT ટીચર છે. તે કમને બાળકોને શીખવતો હોય છે. તેનું મન ભણાવવાને બદલે સ્કૂલમાં જાનૈયાઓની વ્યવસ્થા કરવામાં વધુ હોય છે. પાર્ટ ટાઈમમાં પાર્કમાં પ્રેમી યુગલોને ભગાડવાનું કામ કરતો હોય છે. ત્યારે જ સ્કૂલમાં હીરોઈન નીલિમાની એન્ટ્રી થાય છે. હવે મોન્ટુને સ્કૂલમાં વધુ ગમે છે. નીલિમા સાથે મોન્ટુની લવ સ્ટોરી આગળ જ વધતી હોય અને વચ્ચે કથિત વિલન ટીચર આઈ એમ સિંહનું પોસ્ટિંગ આ સ્કૂલમાં થાય છે. તેને પણ નીલિમા ગમવા લાગે છે. ત્યારબાદ મોન્ટુ તથા આઈ એમ સિંહ વચ્ચે નોકરી તથા પ્રેમ અંગે સ્પર્ધા શરૂ થાય છે.
ફિલ્મના રાઈટિંગમાં લવ રંજનને અસીમ અરોરા તથા ઝિશાન કાદરીનો સાથ મળ્યો છે. ત્રણેયના કામ વહેંચાયેલા છે. એકે મોન્ટુ-નીલિમાના ટ્રેકને પકડ્યો તો બીજાએ સ્કૂલના બાળકોના વિચાર તથા તેમના અપ્રોચ પર કામ કર્યું હતું. મોન્ટુ, નીલિમા તથા આઈ એમ સિંહની સાથે શુક્લા, પ્રિન્સિપાલ ઉષા ગેહલોત, મોન્ટુના માતા-પિતા, મિત્ર ડિમ્પી, ભાઈ બબુલ વગેરેના પાત્રો સારા છે. બાળકોને ભણાવવા તથા તેમને શીખવવાનું કામ કેટલું રસપ્રદ હોઈ શકે છે, આ વાત અસરકારક રીતે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. બાળકોના પાત્રોને પણ સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ફિલ્મ પહેલી 28 મિનિટ એકદમ સહજતાથી આગળ વધે છે પરંતુ પછી ફિલ્મ અવડે પાટે ચઢી ગઈ હોય તેમ લાગે છે. લવ રંજનની વાર્તામાં હીરોના પિતા તથા બાળકોની વચ્ચે એક ઈનફોર્મલ રિલેશન હોય છે. મોન્ટુના પિતાનો રોલ સતીશ કૌશિકે પ્લે કર્યો છે.
નીલિમાના રોલને સશક્ત બનાવવામાં આવ્યો છે અને નુસરત ભરૂચાએ પાત્ર સાથે પૂરતો ન્યાય કર્યો છે. મોન્ટુની સાથે શરૂઆતમાં થતી નાની-મોટી લડાઈમાં નીલિમા, મોન્ટુની કથિત મર્દવાદી વિચારધારાને ધ્વસ્ત કરે છે. અનેક સંવાદો વન લાઈનર છે, જેમ કે ‘ઈન્સાન બનને કી ઔકાત નહીં, ભગવાન બનને કા ઘમંડ પાલે હુએ હૈ’, ‘ટીચર હૂ, દિખાને પર આઉં તો ગધે કો ભી ડર્બી દોડાઉં’, ‘જીત ઉનકી હોતી જાતી હૈ, જો હાર માનના ટાલતે જાતે હૈ.’
રાજકુમાર રાવે મોન્ટુનો રોલ પ્લે કર્યો છે અને તે એકદમ નેચરલ લાગે છે. તેને ફિલ્મમાં મિત્ર ડિમ્પી બનેલા જતિન સરના તથા સીનિયર શુક્લાજીનો સાથ મળ્યો છે. આઈ એમ સિંહનો રોલ ઝીશાન અય્યુબે પ્લે કર્યો છે.