ફ્રેન્ચ ઓપનમાં યોકોવિચ, ઝ્વેરેવ અને બસ્ટાની વિજય સાથે આગેકૂૂચ

0
99

– સ્પેનના કારબાલેસ બાયેનાએ શાપોવાલોવને હરાવતા અપસેટ

– નિશિકોરી અને પ્લીસકોવા બહાર : હાલેપ,કેનિન અને ક્વિટોવાના વિજય

વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે લિથુનિયાના બૅરાન્કિસને સીધા સેટોમાં ૬-૧ ,૬-૨, ૬-૨થી હરાવીને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમની મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. યોકોવિચની સાથે સાથે ઝ્વેરેવ અને બસ્ટાએ પણ પોતપોતાની મેચો જીતીને આગેકૂચ કરી હતી. જોકે કેનેડાના ડેનિસ શાપોવાલોવ અને જાપાનના નિશિકોરી બીજા રાઉન્ડમાં અણધારી હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયા હતા. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોમાનિયન ખેલાડી સિમોના હાલેપ, અમેરિકાની કેનિન અને ચેક રિપબ્લિકની ક્વિટોવાએ પણ જીતનો સિલસિલો જારી રાખ્યો હતો. 

રેડ ક્લે પર રમાઈ રહેલી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમમાં યોકોવિચે તો જીત હાંસલ કરી હતી, પણ કેનેડાના શાપોવાલોવને પાંચ કલાકના સંઘર્ષ બાદ હારનો સામનો કરવો પડયો હતો. તેને સ્પેનના કારબાલેસ બાયેનાએ ૭-૫, ૬-૭ (૫-૭), ૬-૩, ૩-૬, ૮-૬થી હરાવ્યો હતો. સ્પેનના બસ્ટાએ આર્જેન્ટીનાના ગુલિર્મો પેલ્લાને ૬-૩, ૬-૨, ૬-૧થી, બલ્ગેરિયાના ડિમિટ્રોવે સર્બિયાના માર્ટિનને ૬-૪, ૭-૬ (૭-૫), ૬-૧થી અને રશિયાના ખાચાનોવે ચેક રિપબ્લિકના જીરી વેસ્લીને ૬-૧, ૬-૭ (૪-૭), ૭-૬ (૯-૭), ૭-૬ (૭-૨)થી હરાવ્યો હતો. 

જર્મનીના ઝ્વેરેવે ગઈકાલે ફ્રાન્સના હર્બેટીને ચાર કલાકના સંઘર્ષમાં ૨-૬, ૬-૪, ૭-૬ (૭-૫), ૪-૬, ૬-૪થી પરાજીત કર્યો હતો. ઈટાલીના ટ્રાવાગ્લીયાએ જાપાનના નિશિકોરીને ૩ કલાક અને ૫૩ મિનિટ બાદ ૬-૪, ૨-૬, ૭-૬ (૯-૭), ૪-૬, ૬-૨થી હરાવતા ત્રીજા રાઉન્ડમા નડાલ સામેનો મુકાબલો નિશ્ચિત કર્યો હતો. 

ડિફેન્ડિંગ ચેમ્પિયન મહિલા સિંગલ્સ ચેમ્પિયન સિમોના હાલેપે તેના જ દેશ રોમાનિયાની આઇરિના-કેમેલિયા બેગુુને ૬-૩, ૬-૪થી પરાજીત કરતાં આગેકૂૂચ કરી હતી. ચોથો ક્રમાંક ધરાવતી અમેરિકાની સોફિયા કેનિને રોમાનિયાની બોગ્ડેનને ૩-૬, ૬-૩, ૬-૨થી પરાસ્ત કરી હતી. જ્યારે ભૂતપૂર્વ ચેમ્પિયન લાતેવિયાની ઓસ્ટાપેન્કોએ બીજો સીડ ધરાવતી પ્લિસકોવાને ૬-૪ ,૬-૨થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. ચેક રિપબ્લિકની ક્વિટોવાએ ૬-૩, ૬-૩થી ઈટાલીની પાઓલિનીને મહાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here