જો બાઇડનનું આગામી અમેરિકી રાષ્ટ્રપતિ બનવાનું નક્કી થઈ ગયું છે. એની સાથે જ ફોકસ એ લોકો પર શિફ્ટ થવા લાગ્યું છે, જે બાઇડન-હેરિસ જીતના સૂત્રધાર હતા. બાઇડન તંત્રમાં તેમનામાંથી અનેક લોકોને મહત્ત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે. ભારતના દૃષ્ટિકોણથી સારી વાત એ છે કે આ લોકોમાં અનેક ભારતીય-અમેરિકી સામેલ છે. બાઇડન સરકારમાં 11 ભારતીય-અમેરિકીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે.
ડૉક્ટર વિવેક મૂર્તિ : સ્વાસ્થ્ય સલાહકાર
ડૉ. વિવેક મૂર્તિને બાઈડન મહામારી માટે રચાનારા ટાસ્કફોર્સની જવાબદારી સોંપી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડૉક્ટર મૂર્તિને સર્જન જનરલ બનાવ્યા હતા. સ્વાસ્થ્ય અને મહામારી મુદ્દે ડૉ. મૂર્તિ સતત બાઇડનની ટીમના સંપર્કમાં રહ્યા છે.
રાજ ચેટ્ટી : અર્થતંત્ર અંગે અભિપ્રાય આપે છે
જે રીતે સ્વાસ્થ્યમુદ્દે બાઇડન ડૉ. મૂર્તિ સાથે વાત કરે છે, એ જ રીતે અર્થતંત્ર મામલે તેઓ એક અન્ય ભારતીય અમેરિકી રાજ ચેટ્ટી પાસેથી આશા રાખે છે. આર્થિક મુદ્દાઓ અંગે બાઇડન હાર્વર્ડના અર્થશાસ્ત્રી ચેટ્ટી સાથે ચર્ચા કરતા રહે છે.
અમિત જાની: મોદીના સમર્થક મનાય છે
અમિત જાનીને બાઇડને પહેલા મુસ્લિમ અમેરિકીઓ સાથે વાત કરવા પસંદ કર્યા હતા, પણ પાર્ટીના ડાબેરી જૂથે જાનીનો વિરોધ કર્યો. જાની ભારતીય વડાપ્રધાન મોદીના સમર્થક પણ મનાય છે. પછી તેમણે બાઇડનનું ફંડ એકઠું કરવાનું કામ કર્યું.
વિનય રેડ્ડી: બાઇડનનું ભાષણ લખે છે
મૂર્તિ, ચેટ્ટી અને જાની ઉપરાંત ગૌતમ રાઘવન, સોનલ શાહ, સબરીના સિંહ, સલોની મુતલાણી, મેઘા રાજ, શ્રેયા પાણિગ્રહી, વિનય રેડ્ડી અને વનિતા ગુપ્તાએ પણ બાઇડનની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વિનય રેડ્ડી બાઇડન માટે ભાષણ લખે છે.