ભારતીય સુકાની વિરાટ કોહલીનું માનવું છે કે બાયો-બબલ સિક્યોરમાં સતત રહેવાના કારણે ખેલાડીઓ ઉપર માનસિક અસર થઇ રહી છે અને લાંબા સમય સુધી બાયો-બબલમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. દિલ્હી સ્થિત બેટ્સમેન આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે અને તે સતત બે મહિનાથી બાયો-બબલમાં છે. કોહલીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે બાયો-બબલ સિક્યોરના કારણે ક્રિકેટર્સની માનસિક સ્થિતિ પ્રભાવિત થઇ શકે છે. કોઇ પણ શ્રેણી હોય તેના દિવસો અંગે ફરીથી વિચારણા કરવી જરૂરી છે. આઇપીએલમાં તૈયાર કરવામાં આવેલી બાયો-બબલ સિસ્ટમનો પ્રત્યેક ભાગ શાનદાર છે. પરંતુ ક્યારેક ઘણી વખત બાયો-બબલ મુશ્કેલ પણ બની જાય છે. ખેલાડીઓ ઉપર સતત ૮૦થી ૯૦ દિવસ સુધી એક જ પ્રકારના માહોલમાં રહેવાથી કેવી અસર પડે છે તેની સમીક્ષા કરવા જેવી છે. અમે અમારા પરિવારને મળી શકીએ તેવી વ્યવસ્થા થવી જોઇએ અને આ રીતે પણ ખેલાડીઓ માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. પ્રવાસની લંબાઇ હવે ટૂંકાવવી જોઇએ અને ખેલાડી માનસિક રીતે સર્વશ્રેષ્ઠ પરિસ્થિતિમાં છે કે નહીં તેની પણ ચકાસણી થવી જોઇએ.