બિહારમાં એનડીએમાં ભંગાણ : પાસવાનનો પક્ષ સ્વતંત્ર ચૂંટણી લડશે

0
47

– મુખ્યમંત્રી નિતિશકુમાર સાથે વાંધો પડતા એલજેપીએ રાજ્યમાં ગઠબંધન તોડયું

– ભાજપ સાથે કોઇ તકલીફ નથી પણ નિતિશ કુમાર સ્વીકાર નથી, કોઇ સાથે ગઠબંધન નહીં કરીએ : એલજેપી

જદ(યુ)ની સામે બધી બેઠકો પર અમારા ઉમેદવારો ઉતારીશું તેવી એલજેપીની જાહેરાત

બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, આ સિૃથતિ વચ્ચે રાજકારણ ગરમાયું છે. આશ્ચર્યજનક રીતે લોકજનશક્તિ પાર્ટી (એલજેપી)એ એનડીએ સાથે છેડો ફાડીને પુરા રાજ્યમાં એકલા જ ચુંટણી લડવાની જાહેરાત કરી દીધી છે અને મુખ્ય પ્રધાન નિતિશ કુમાર પર આરોપો લગાવ્યા છે.

જોકે સાથે એવી પણ માગણી મુકી છે કે નિતિશ કુમારની જદયુ નહીં પણ ભાજપની આગેવાનીમાં ચૂંટણી લડાય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ. નિતિશ કુમાર અને જદ(યુ) સાથે વાંધો પડતા રામ વિલાસ અને તેમના પુત્ર ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીએ આ નિર્ણય લીધો છે. 

પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને પાર્ટી સાથેની બેઠકમાં આ નિર્ણય લીધો હતો, જેને પગલે હવે બિહારમાં એક તરફ કોંગ્રેસ, આરજેડીનું ગઠબંધન અને બીજી તરફ જદ(યુ) તેમજ ભાજપનું ગઠબંધન અને એલજેપી એમ ત્રીપાંખીયો જંગ જોવા મળશે.

જોકે સાથે જ એલજેપીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે જ્યાં ભાજપના ઉમેદવાર હશે ત્યાં નહીં પણ જદ(યુ)ના ઉમેદવારોની સામે અમે અમારા ઉમેદવારો આ ચૂંટણીમાં ઉતારીશું. આ નિર્ણય બાદ ન માત્ર નિતિશ કુમાર સાથે જ એનડીએને પણ નુકસાનની ભીતિ છે. જોકે આ એનડીએ સાથે કેન્દ્રમાં એલજેપીનું ગઠબંધન યથાવત રહેશે. 

એલજેપી દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જદ(યુ) સાથે વૈચારિક મતભેદો હોવાને કારણે પાર્ટીએ ગઠબંધનથી અલગ થઇને એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ નિતિશ કુમારના જદ(યુ) અને ભાજપ બન્ને મળીને જ આ ચૂંટણી લડશે, બન્ને વચ્ચે 50:50ની ફોર્મ્યૂલા નક્કી કરાઇ છે અને નિતિશ કુમાર જ મુખ્ય પ્રધાન પદનો ચેહરો રહેશે.

જો ફરી જદ(યુ) અને ભાજપનું ગઠબંધન જીતે તો નિતિશને મુખ્ય પ્રધાન બનાવવા માટે ભાજપ તૈયાર થઇ ગયું છે. બીજી તરફ એલજેપીનું અગાઉનું પ્રદર્શન પણ સવાલોમાં છે, કેમ કે 2015માં વિધાનસભાની ચૂંટણીમાં એલજેપીએ 42 બેઠકો પર ચૂંટણી લડી હતી પણ જીત માત્ર બેમાં જ મળી હતી. 

આ પહેલા ચિરાગ પાસવાને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સાથે બેઠકો યોજી હતી, જે બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે તેઓ કોંગ્રેસ-આરજેડી અને ડાબેરીઓના ગઠબંધનમાં સામેલ થશે કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી કરી પણ દાવો કર્યો છે કે અમે વિપક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ.

એલજેપીનું ગઠબંધન તોડવાનું એક કારણ નિતિશ કુમાર અને ચિરાગ પાસવાન વચ્ચે ચાલી રહેલી તકરાર છે, એલજેપી ઇચ્છે છે કે ચિરાગ પાસવાનને વધુ તક મળે અને નવા ચેહરાને રાજ્યમાં સીએમ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે જ્યારે ભાજપે નિતિશ કુમારને જ મુખ્ય પ્રધાન પદ માટે પસંદ કરી લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here