બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયું, કડક સિક્યોરિટી બંદોબસ્ત કરવામાં આવ્યો

0
89

આજે 78 બેઠકો માટે બે કરોડ 34 લાખ મતદારો મત આપશે

બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનનો આજે સવારે કડક સિક્યોરિટી બંદોબસ્ત વચ્ચે આરંભ થયો હતો. 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભાની છેલ્લી 78 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે.

વર્તમાન સરકારના બાર પ્રધાનો સહિત કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. જો કે ખરો જંગ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે છે. એનડીએ વતી ભાજપના 29 ટોચના નેતાઓ અહીં પ્રચાર કરી ગયા હતા. જો કે વર્તમાન  મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આ વખતે સહેજ અવઢવમાં છે. છેલ્લાં પંદર વર્ષથી સત્તા ભોગવતા નીતિશ કુમાર માટે લોકલાગણી બદલાઇ હોવાની હવા હતી. સૌથી વધુ દોડાદોડ રાજદના  તેજસ્વી યાદવે કરી હતી. જો કે છેલ્લી ઘડીએ લાલુ યાદવને જામીન ન મળતાં એ ચૂંટણીનાં પરિણામો પહેલાં જેલની બહાર આવી શકે એમ નથી એટલે લાલુ પરિવાર અને રાજદમાં હતાશા વ્યાપી ગઇ હતી.  

જે 78 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે એ પંદર જિલ્લામાં વહેંચાયેલી છે. આજે કુલ 2 કરોડ 34 લાખ મતદારો પોતાનો મત આપશે. વિધાનસભા ઉપરાંત સંસદની વાલ્મીકિ બેઠકની પેટાચૂંટણી પણ આજે છે. જદયુના સાંસદ વૈદ્યનાથ મહતોના અકાળ અવસાનના પગલે આ પેટાચૂંટણી આવી પડી હતી. જદયુએ મહતોના પુત્ર સુનીલ કુમારને ટિકિટ આપી હતી. વાલ્મીકિ નગરની જેમ જે 78 બેઠકોનું આજે મતદાન થઇ રહ્યું છે એ બધી બેઠકો ઉત્તર બિહારમાં અને રાજ્યમાં ગંગા નદીની ઉત્તરે આવેલી છે,  કેટલીક બેઠકો કોસી-સીમાંચલ પ્રદેશમાં છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here