બિહારમાં બીજા તબક્કામાં 54.15 ટકા મતદાન, પટનામાં સૌથી ઓછું

  0
  22

  બિહાર વિધાનસભામાં ત્રીજા-અંતિમ તબક્કાનું મતદાન 7મીએ, પરિણામ 10મીએ

  – મધ્ય પ્રદેશ, ગુજરાત સહિત 10 રાજ્યોની 54 બેઠકો પર પણ મતદાન પૂરૂં : છત્તીસગઢમાં વિક્રમી 71.99 ટકા મતદાન

  મધ્ય પ્રદેશમાં ભાજપ માટે નિર્ણાયક 28 બેઠકો પર સરેરાશ 66.67 ટકા, ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 53 ટકા મતદાન

  બિહાર વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે બીજા તબક્કાનું મતદાન પૂરૂં થઈ ગયું છે. કોરોના મહામારી વચ્ચે બીજા તબક્કાના મતદાનમાં પણ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બીજા તબક્કાના મતદાનમાં 54 ટકાથી વધુ મતો પડયા. પહેલા તબક્કામાં 55.69 ટકા મતદાન થયું હતું.

  દેશના 10 રાજ્યોની 54 બેઠકો પર પણ પેટા ચૂંટણીમાં 71.99 ટકાથી 51.57 ટકા સુધી મતદાન થયું હતું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મંગળવારે બીજા તબક્કામાં 94 બેઠકો પર મતદાન પૂરૂં થયું હતું. બીજા તબક્કામાં સરેરાશ 54.15 ટકા મતદાન થયું હતું. જોકે, દિવસના અંતે મતદાનના અંતિમ આંકડા એકત્ર કરવામાં આવશે ત્યારે આંકડો હજુ વધી શકે છે તેમ ચૂંટણી પંચે જણાવ્યું હતું.

  બિહારમાં 2015ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકો પર 55.35 ટકા મતદાન થયું હતું. બિહારમાં હવે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 7મી નવેમ્બરે યોજાશે અને 10મી નવેમ્બરે પરિણામ આવશે. બિહાર વિધાનસભાની સાથે મંગળવારે દેશના 10 રાજ્યોમાં 54 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણીઓ યોજાઈ હતી.

  ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, છત્તિસગઢમાં વિક્રમી 71.99 ટકા, ગુજરાતમાં 58.58 ટકા, હરિયાણામાં 69.43 ટકા, ઝારખંડમાં 62.51 ટકા અને ઓડિશામાં 70 ટકા, કર્ણાટકમાં 77.34 ટકા મતદાન થયું હતું. 

  શિવરાજસિંહ ચૌહાણના શાસન માટે અત્યંત મહત્વની એવી મધ્ય પ્રદેશની 28 બેઠકોની પેટા ચૂંટણીઓ પર 66.57 ટકા મતદાન થયું હતું. નાના રાજ્યોમાં નાગાલેન્ડમાં 84.41 જ્યારે તેલંગાણામાં 82 ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં સાત બેઠકો પર સરેરાશ સૌથી ઓછું 53 ટકા મતદાન નોંધાયું હતું. જોકે, ચૂંટણી પંચે કહ્યું હતું કે, મતદાનના આ આંકડા અંતિમ ગણતરી પછી બદલાઈ પણ શકે છે. 

  મધ્ય પ્રદેશમાં 28 બેઠકો, ગુજરાતમાં આઠ, ઉત્તર પ્રદેશમાં સાત, ઓડિશા, નાગાલેન્ડ, કર્ણાટક, ઝારખંડમાં બે-બે અને છત્તિસગઢ, તેલંગાણા અને હરિયાણામાં એક-એક બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાઈ હતી.

  મણીપુરની પાંચ વિધાનસભા બેઠક અને બિહારની એક લોકસભા બેઠકની પેટા ચૂંટણી 7મી નવેમ્બરે યોજાશે. મધ્ય પ્રદેશમાં આ પેટા ચૂંટણી શિવરાજસિંહ ચૌહાણ સરકારનું ભાવી નક્કી કરશે, કારણે કે ભાજપે વિધાનસભામાં બહુમતી માટે આઠ બેઠકોની જરૂર છે. 

  બિહાર વિધાનસભાની બીજા તબક્કાની 94 બેઠકોમાં રાજદના નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રીના ઉમેદવાર તેજસ્વી યાદવ સહિત 1,450 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. મંગળવારે સવારે સુશીલ મોદી, તેજસ્વી યાદવ, રાબડી દેવી સહિત અનેક દિગ્ગજોએ મતદાન કર્યું હતું. કોરોના મહામારીને પગલે આ બેઠકો પર સવારે 7.00 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6.00 વાગ્યે પૂરૂં થયું હતું.

  જોકે, માઓવાદીવાળા વિસ્તારોમાં મતદાન વહેલાં પૂરૂં થઈ ગયું હતું. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં સૌથી વધુ 59.98 ટકા જ્યારે સૌથી ઓછું પટના જિલ્લામાં 48.24 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાની 94 બેઠકોમાંથી 46 ઉપર ભાજપ લડી રહ્યો છે. ત્રણ તબક્કામાંથી આ તબક્કામાં ભાજપ પાસે સૌથી વધુ બેઠકો છે. બીજીબાજુ રાજદ 56 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.  

  ચૂંટણી સચિવ ઉમેશ સિંહાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં પણ મતદારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મોટાપાયે મતદાન કર્યું હતું. મતદારોનો આત્મવિશ્વાસ વધતાં ત્રીજા અને અંતિમ તબક્કામાં પણ મતદાન ઊંચું રહેવાની સંભાવના છે.

  મધ્ય પ્રદેશના નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈને જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં એન્ક્રોચમેન્ટ ટીમોએ રૂ. 23.42 કરોડના મૂલ્યની જપ્તી કરી છે. તેમણે મોરેનામાં ગોળીબારની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. અહીં એક વ્યક્તિની ધરપકડ પણ કરાઈ હતી. જોકે, મતદાન પર કોઈ અસર પડી નહોતી. ભિંડમાં પણ અજાણ્યા શખ્સોએ હવામાં ગોળીબાર  કર્યો હોવાની ઘટના બની હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here