બીજા પેપરમાં પણ પરીક્ષાથી વંચિત રહેતાં મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં તીવ્ર આક્રોશ

0
104

– ઈન્સ્ટિટયૂટ ઓફ ડિસ્ટંસ એન્ડ ઓપન લર્નિંગ

– યુનિવર્સિટીના ગોટાળાને કારણે વિદ્યાર્થીઓ જમા થતાં કાલિના કેમ્પસમાં સોશિયલ ડિસ્ટંસિંગના ધજાગરા ઉડયા

મુંબઈ યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા દરમ્યાન ઈનસ્ટિટયૂટ ઓફ ડિસ્ટંસ એન્ડ ઓપન લર્નિંગના વિદ્યાર્થીઓના આજના બીજા પેપરમાં પણ ટેક્નિકલ સમસ્યા સર્જાતા આજે પણ અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી. અનેક વિદ્યાર્થીઓને લિંક જ ન મળી તો અનેક વિદ્યાર્થી લોગઈન કરી શક્યા નહોતાં. તો કેટલાંક વિદ્યાર્થીઓની લિન્ક ઓપન થવા છતાં તેમને સ્ક્રીન પર કંઈ દેખાતું ન હોવાથી પરીક્ષાથી વંચિત રહેવું પડયું હતું.

વિદ્યાર્થીઓ આ સંદર્ભે હેલ્પલાઈન નંબર પર સતત ફોન કરી રહ્યાં હતાં પરંતુ માત્ર વેઈટિંગ ટોન અને કોઈ જ પ્રતિસાદ મળતો ન હોવાથી વિદ્યાર્થીઓ સતત પરેશાન થયા હતાં. દરમ્યાન યુનિવર્સિટી દ્વારા તાંત્રિક ખામીમાં સુધારાનું કામ ચાલી રહ્યું હોઈ પરીક્ષા વહેલી તકે ફરીથી લેવાશે આથી વિદ્યાર્થીઓએ ચિંતા કરવી નહીં એવું યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટ કરાયું હતું.

પરંતુ વિવિધ ટેક્નિકલ ખામીને કારણે પરીક્ષા ન આપી શકેલાં વિદ્યાર્થીઓ તેમની મૂંઝવણોનો ઉકેલ મેળવવા માટે તુરંત યુનિવર્સિટીના કાલિના કેમ્પસમાં દોડી જતાં ત્યાં સોશિયલ ડિસ્ટંસિંગના ધજાગરા ઉડયા હતાં. અને વિદ્યાર્થીઓએ સવાલો ઉપસ્થિત કરતાં કહ્યું હતું કે, દર વરખતે આ રીતે પરીક્ષામાં ગોટાળા થવા પાછળનું કારણ શું? જો કોન્ટ્રાક્ટ અપાયેલ કંપની આટલાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા સમર્થ ન હોય તો તુરંત તેની સાથેના કરાર રદ્દ કરી બીજી કંપનીને પરીક્ષા લેવાની પરવાનગી આપવી જોઈએ. વળી જે બે પેપર ગયા તેને બદલે શક્ય હોય તો હવે પ્રોજેક્ટ્સ લેવા જોઈએ અન્યથા દરેક પેપરમાં આજ રીતે પરીક્ષા પાછળ ઠેલાતી રહેશે તો તે અમારે માટે જ મુશ્કેલીનું કારણ બનશે કારણ અનેક વિદ્યાર્થીઓ નોકરી કરે છે જેમને વધારાની રજા મળવી શક્ય નથી. 

વળી જો યુનિવર્સિટી વિદ્યાર્થીઓને પ્રવાસ ન કરવો પડે અને કોરોના ન ફેલાય એ હેતુથી સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરાવવા જ આ રીતે ઓનલાઈન પરીક્ષા લઈ રહી છે તો તેની અસમર્થતાને કારણે વિદ્યાર્થીઓ અહીં જમા થતાં સોશિયલ ડિસ્ટંસિંગના તો ફજેતા ઉડે છે સાથે જો કોઈ એકાદ વ્યક્તિને રસ્તામાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તો અહીંથી જ કોરોનાનો જુવાળ ફાટવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. તો કોઈ વિદ્યાર્થીને જો આ કારણસર સંક્રમણનો ભોગ બનવું પડે તો તેની જવાબદારી મુંબઈ યુનવર્સિટી લેશે? એવા અનેક સવાલો રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here