યુકેનાં પીએમ બોરિસ જ્હોન્સને દીવાળી પર્વ પ્રસંગે કોરોનાની મહામારી જેવી આસૂરી શક્તિને હરાવવા લોકોને સંદેશો પાઠવ્યો હતો. તેમણે અંધકાર સામે પ્રકાશનાં વિજયનાં આ દીપોત્સવી પ્રસંગે કોરોનાને હરાવીને કરોડો લોકોનાં જીવનમાં દીપ પ્રગટાવવા જુસ્સો જગાવ્યો હતો. બોરિસ જ્હોન્સને કહ્યું કે જેવી રીતે ભગવાન રામ અને સીતા માતાએ રાવણને હરાવ્યો હતો તેવી રીતે આપણે સૌ સાથે મળીને કોરોનાને હરાવીશું. બ્રિટનમાં કોરોનાનો બીજો ઘાતક તબક્કો શરૂ થયો છે અને સંક્રમણને વધતું રોકવા ૨ ડિસેમ્બર સુધી હોમ લોકડાઉન લાદવામાં આવ્યું છે ત્યારે તેમણે લોકોમાં આશા જગાવતો સંદેશ પાઠવ્યો હતો.
કોરોના સૌથી મોટો પડકાર । બોરિસ જ્હોન્સને કહ્યું કે કોરોનાને હરાવવો એ આપણા સૌના માટે મોટો પડકાર છે. દેશનાં તમામ લોકો એકસાથે મળીને કોરોના વાઈરસની મહામારીમાંથી બહાર આવીશું. દિવાળીનો તહેવાર આપણને અંધકાર દૂર કરી પ્રકાશ પૂંજ ફેલાવતા શીખવે છે, જેવી રીતે ભગવાન રામ અને માતા સીતાએ અસૂરોનાં રાજા રાવણને હરાવીને તેમનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો અને કરોડોનાં જીવનમાં પ્રકાશ ફેલાવ્યો હતો તેમ આપણે સાથે મળીને કોરોનાને હરાવવાનો માર્ગ શોધીશું .