યુરોપમાં કોરોનાને કારણે ફરી લોકડાઉન અમલી
– વર્તમાન વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં નિકાસમાં ૧૩ ટકાથી વધુનો ઘટાડો
યુરોપમાં કોરોનાના કેસ ફરી વધવા લાગતા લોકડાઉન લાગુ કરવાની પડેલી ફરજને પગલે દેશમાંથી એન્જિનિયરિંગ માલસામાનની નિકાસમાં ફરી ઘટાડો થવાની ઉત્પાદકોને ચિંતા સતાવી રહી છે.
ભારતના એન્જિનયરિંગ માલસામાનના નિકાસ વોલ્યુમની દ્રષ્ટિએ યુરોપ ત્રીજું મોટું મથક છે. સપ્ટેમ્બરમાં સારુ વેચાણ રહ્યા બાદ યુરોપમાં વેચાણ ઘટવાની નિકાસકારોને ચિંતા છે. જર્મની, ફ્રાન્સ, ઈટાલી ભારતના મુખ્ય આયાતકાર દેશો છે.
યુરોપમાં કોરોનાનો બીજો વેવ ચિંતા ઉપજાવનારો છે એમ એન્જિનિયરિંગ માલસામાનના એક નિકાસકારે જણાવ્યું હતું. આજની તારીખમાં વેપાર પર કોઈ પ્રતિબંધ મુકાયો નહીં હોવાથી અમારા વેચાણ પર અસર થઈ નથી પરંતુ યુરોપમાં વ્યાપક સામાજિક પ્રતિબંધો લાગુ કરાયા છે.
ક્રિસમસની રજા દરમિયાન વેપાર બંધ રહેશે તેમ છતાં અમારે હાલમાં હવે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડી છે એમ તેમણે ઉમેર્યું હતું.
એન્જિનિયરિંગ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક હોદ્દેદારે નવેમ્બરમાં વેચાણમાં ઘટાડો થશે તેવી ધારણાં મૂકી હતી. એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ કરતી મોટાભાગની કંપનીઓ ક્ષમતાના ૬૫થી ૭૦ ટકાએ કામ કરે છે, ત્યારે યુરોપમાં સેકન્ડ વેવ ચિંતાનો વિષય જરૂર બની રહે છે એમ તેમણે ઉમેર્યું હતું.
નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ભારત ખાતેથી એન્જિનિયરિગ માલસામાનનો નિકાસ આંક ૭૫.૮૧ અબજ ડોલર રહ્યો હતો.વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૩.૭૩ ટકા ઘટાડો થયાનું પ્રાપ્ત આંકડામાં જણાવાયું હતું.