। જેસલમેર ।
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જેસલમેર નજીક પાકિસ્તાન સાથેની સરહદ પર આવેલી ભારતીય સેનાની ગૌરવગાથા સમાન લોંગેવાલા પોસ્ટ પર શનિવારે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે જવાનોને કરેલા ૪૦ મિનિટના સંબોધનમાં વડા પ્રધાન મોદીએ ચીન અને પાકિસ્તાનને નામ લીધા વિના સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભારતને છંછેડશો તો પ્રચંડ જવાબ મળશે.
ચીન પર આડકતરો પ્રહાર કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આખું વિશ્વ વિસ્તારવાદી પરિબળોથી પરેશાન છે. વિસ્તારવાદ ૧૮મી સદીની વિકૃત માનસિકતા બતાવે છે. ભારત અન્યોને સમજવા અને સમજાવવાની નીતિમાં માને છે પરંતુ જો ભારતના સંયમની પરીક્ષા કરવાનો પ્રયાસ કરાશે તો તે દેશને પ્રચંડ જવાબ અપાશે. વિસ્તારવાદી પરિબળો ભારતની સહનશીલતાનો ગેરલાભ લેવાનો પ્રયાસ કરશે તો ભારતના જડબાતોડ જવાબ આપશે.
વિશ્વની કોઇ શક્તિ અમારા સૈનિકોને ભારતની સરહદની સુરક્ષા કરતા અટકાવી શકે નહીં. ભારતને પડકાર આપનારાને જડબાતોડ જવાબ આપવાની રાજકિય ઇચ્છા અને શક્તિ ભારતે પ્રર્દિશત કરી દીધી છે. ભારત તેના હિતો માટે કોઇ પ્રકારનું સમાધાન કરશે નહીં. પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, ભારતે તેની લશ્કરી ક્ષમતા પૂરવાર કરી દીધી છે. સમગ્ર વિશ્વ અને આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓએ જોઇ લીધું છે કે ભારતીય સેના આતંકવાદીઓને તેમના ઘરોમાં ઘૂસીને મારી શકે છે.
મોદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેના જંગમાં દેશવાસીઓ સેનાના જવાનો પાસેથી શીખી રહ્યાં છે. અમે એ પણ જોઇ શકીએ છીએ કે જો અમને માસ્ક પહેરાવામાં આટલી તકલીફ થાય છે તો તમે આટલા ભારે કપડાં અને સામાન સાથે કેવી રીતે રહેતા હશો. દેશ તમારી પાસેથી શીખી રહ્યો છે. સરહદ પરના તમારા ત્યાગ અને તપસ્યા દેશમાં આત્મવિશ્વાસ પેદા કરે છે કે સાથે મળીને ગમે તેવા પડકારનો સામનો થઇ શકે છે.
લોંગેવાલાની ઐતિહાસિક ધરતી પર મોદી યુદ્ધટેન્ક પર સવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી ભારતીય સેનાના જવાનો સાથે કરતાં આવ્યા છે. ૨૦૧૪માં પીએમ બન્યા પછી તેમણે સિયાચીનની વિશ્વની સૌથી ઊચ્ચ યુદ્ધભૂમિ ખાતેની પોસ્ટ પર તહેનાત ભારતીય જવાનો સાથે દિવાળી ઉજવી હતી. શનિવારે મોદી દિવાળીની ઉજવણી કરવા રાજસ્થાનમાં લોંગેવાલા પોસ્ટ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતીય સેનાની ટેન્ક પર સવારી કરી હતી અને સૈનિકોને મીઠાઈ વહેંચી હતી.
સેનાના જવાનોને જોઇને મારી દિવાળી શુભ બની જાય છે : વડા પ્રધાન મોદી
વડાપ્રધાને જવાનોને જણાવ્યું હતું કે, હું તમારા માટે દરેક ભારતવાસી તરફથી દિવાળીની શુભેચ્છા લઇને આવ્યો છું. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી મેં સિયાચીનમાં ઊજવણી કરી ત્યારે ઘણાને આશ્ચર્ય થયું હતું. દિવાળી ઊજવવા પોતાનાની વચ્ચે નહીં જાઉં તો ક્યાં જઇશ. તમે બરફા અચ્છાદિત પર્વતોમાં હો કે રણમાં, તમારા ચહેરા પરની રોનક જોઇને જ મારી દિવાળી શુભ બની જાય છે.
લોંગેવાલાની પોસ્ટ દરેક ભારતીયને યાદ છે, મેજર કુલદીપ રાષ્ટ્રદીપ બની ગયા
મોદીએ જણાવ્યું હતું કે, લોંગેવાલા પોસ્ટનું નામ દેશની પેઢીઓ સુધી યાદ કરાશે. લોંગેવાલાનું નામ લેતા જ અવાજ ઊઠે છે, જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. મેજર કુલદીપનું નામ માતાપિતાએ કુળનો દીપક સમજીને રાખ્યું હશે પરંતુ પોતાના શૌર્યથી મેજર કુલદીપ રાષ્ટ્રદીપ બની ગયા. લોંગેવાલાની પોસ્ટ આપણી સેનાના શૌર્યનું પ્રતીક છે. સૈનિક ઇતિહાસમાં લોંગેવાલાની પોસ્ટનું નામ અમર છે.
ભારતીય સેનાની વીરતા દરેક પડકાર પર ભારે : મોદી
- હિમાલયની ઊંચાઇથી રાજસ્થાનના રણ સુધી ભારતીય જવાનોનું પરાક્રમ અને શૌર્ય અતુલનીય છે
- દુશ્મનો પણ સારી રીતે જાણે છે કે ભારતીય સૈનિકોની બરાબરી કોઇ કરી શક્તું નથી
- ૧૩૦ કરોડ ભારતીયોને જવાનોના શૌર્ય પર ગૌરવ, હંમેશાં સેનાની પડખે ઊભા છે
- આક્રમણખોરોનો મુકાબલો કરવાની શક્તિ હતી તે જ દેશ ટકી શક્યા છે
- દુનિયાના સમીકરણ ગમે તેટલા બદલાય પરંતુ સજાગતા જ સુખચેનની ચાવી છે