ભારત, અમેરિકા અને અમેરિકામાં વસતા ભારતીયો

0
27

અમેરિકામાં 40 લાખ ભારતીયો પૈકી 19 લાખ ભારતીય મતદાતાઓ હતા તેમાંથી 72 ટકાએ ડેમોક્રેટસ તરફી મતદાન કર્યું હોવાનું મનાય છે

– હોરાઈઝન- ભવેન કચ્છી

– અમેરિકામાં આપણે ‘ન્યુસન્સ’ નથી પણ ‘કોન્ટ્રીબ્યુશન્સ’માં માનતી પ્રજા તરીકે ઊભરી આવ્યા છીએ.

– ડેમોક્રેટેસ હોય કે રિપબ્લિકન ચીન જે રીતે પાકિસ્તાનના ખભા પર બંદૂક ગોઠવીને બેઠું છે તેમ અમેરિકા ભારતનો વ્યૂહાત્મક ઉપયોગ ફરી ચીનની મહાસત્તા બનવા ભણીની આગેકૂચને ધીમી પાડવાનો પ્રયત્ન કરશે… અમેરિકાને ભારત માટે હમદર્દી હોય તેવા ભ્રમમાં ન રહેવું

અ મેરિકામાં જેઓ ત્યાંના રાજકારણમાં સક્રિય છે તેવા ભારતીયોને બાદ કરતા આ વખતે પ્રમુખપદની ચૂંટણીમાં એટલો જ રસ હતો જેટલો ૧૩,૫૬૮ કિલોમીટર દૂર રહેતા ભારતીયોને. 

બુધવારની પરોઢ સુધી ટ્રમ્પ કે બાઈડેન બેમાંથી કોણ તેની અનિશ્ચિતતા  સાથે સ્વિંગ સ્ટેટ્સમાં ભારે રસાકસી પ્રવર્તતી હતી છતા વર્ષોથી રોજી-રોટી અને ડોલરમાં કમાણી કરવા ગયેલા કે અમેરિકામાં સ્થાયી થવાના સ્વપ્ના સાથે ગયેલી ટેકનોક્રેટ્સ યુવા પેઢી બેમાંથી કોઇએ મંગળવાર રાત્રિ પછી ઉજાગરો નહતો કર્યો.

અમેરિકામાં ભારતીયો બેઝબોલ, બાસ્કેટબોલ કે ઓટીટી પ્લેટફોર્મ પરની સીરીયલ્સ જોવા હજુ પણ મધરાત સુધી ખેંચી કાઢે છે પણ જેમ ક્રિકેટમાં સ્કોર જોઈ લઇએ તેમ બિડેન અને ટ્રમ્પમાંથી કોની સરસાઈ છે તે થોડા સમયના અંતરે જોઈ લેતા હતા.

અમેરિકામાં ભારતીયોની વસ્તી ૪૦ લાખ છે તેમાંથી ૧૯ લાખ જેટલા મતદારો છે. ટ્રમ્પ અને રિપબ્લીકન પક્ષ જાણે જ છે કે ભારતીયોના ૭૨ ટકા મત ડેમોક્રેટ્સ પાર્ટી માટે જ વર્ષોથી પડતા રહ્યા છે. ભારતીયો મહ્દઅંશે ન્યુયોર્ક, ન્યુજર્સી અને કેલિફોર્નિયામાં વસે છે જે ડેમોક્રેટિક તરફી રહ્યું છે.

અમેરિકામાં ઘણા ખરા અંશે ભારત જેવું જ છે. શાસક પક્ષ ભાજપના જે ગઢ ગણાય છે તેવા ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, અને હિન્દી બેલ્ટના રાજ્યોની બેઠકો જીતી વિરોધ પક્ષ અપસેટ સર્જી શકે તો જ ભાજપને કારમો ફટકો સહન કરવો પડે તે જ રીતે અમેરિકામાં પણ રાજ્યોના મતદારો દાયકાઓથી રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે ભારે વફાદારીથી વહેંચાયેલા છે. પ્રમુખપદ માટે કયો ઉમેદવાર ઉભો છે તે આ રાજ્યોના નાગરિકો માટે મહત્ત્વનું નથી હોતું પણ તમે આ નાગરિકોને પુછો તો તેઓ હોંશ અને ગૌરવ સાથે કહેશે કે ‘આઈ એમ રિપબ્લીકન’ કે પછી ‘આઈ એમ ડેમોક્રેટ્સ’.

એટલે પ્રમુખપદ માટે ઉભેલા  બન્ને ઉમેદવારનું એક લક્ષ્ય આ વફાદાર ગઢમાં ગાબડુ પાડી શકાય તેટલી ટકાવારી મતદારોનું હૃદય પરિવર્તન કરાવવાનું હોય છે.

જો કે આ બધા વચ્ચે અમુક રાજ્યો એવા છે કે જેઓની વફાદારી પ્રત્યેક ચૂંટણીઓ બદલાતી હોય છે. આ રાજ્યોને ‘સ્વિંગ સ્ટેટ્સ’ કહેવામાં આવે છે. પ્રમુખ પદ માટેના ઉમેદવારોને પરંપરાગત તેમના પક્ષના મજબુત, વફાદાર, કિલ્લા જેવા સમર્થક રાજ્યો અને તેના મતદારોની વોટ બેંક તો સલામત જ લાગે છે. તેથી જ આ ‘સ્વિંગ સ્ટેટસ’માં જે સરસાઈ મેળવે તે મોટે ભાગે જીતી જતા હોય છે.

ધ કૂક પોલિટિક્સ રીપોર્ટ નામની ચૂનાવી વિશ્લેષક સંસ્થાએ અમેરિકાની છેલ્લા ચાર દાયકાની ચૂંટણીનો અભ્યાસ કરીને આ વખતના સંદર્ભમાં તારણ કાઢ્યું હતું કે એરિઝોના, ફ્લોરિડા, મિશીગન, પેન્સિલવેનિયા, વિસ્કોન્સીન, જ્યોર્જિયા, ટેકસાસ, નોર્થ કેરોલિના આ આઠ સ્વિંગ સ્ટેટ છે.

ટ્રમ્પ અને બાઇડેને તેમના કુલ પ્રચાર અને રેલીનો ૬૦ ટકા સમય આ આઠ રાજ્યો માટે ફાળવ્યો હતો. ટ્રમ્પે જ્યારે ફ્લોરિડા, જ્યોર્જિયા, ટેકસાસમાં જીત મેળવી તે સાથે જ તેણે પ્રમુખ તરીકેની રેસ જીતી લીધી છે તેમ દાવો કર્યો હતો.

ટ્રમ્પના મોટા પુત્રએ વિશ્વના નકશાને તેની રીતે બ્લ્યુ (ડેમોક્રેટ્સ તરફી) અને રેડ (રિપબ્લીકન તરફી) રંગથી પુરીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જેમાં ભારત અને ચીન બંનેના નકશાને બ્લ્યુ રંગ લગાવ્યો હતો અને વિવાદ સર્જતા જમ્મુ કાશ્મીરનો જે ભાગ છે તેને પાક. જોડે લાલ રંગ સાથે બતાવ્યો હતો.

ટ્રમ્પ જુનિયરનો સ્પષ્ટ સંકેત હતો ચીનની જેમ ભારતીયો ડેમોક્રેટ્સ પક્ષને મત આપશે.

ટ્રમ્પ કે બાઈડેનના સંદર્ભમાં અમેરિકામાં વસતા ભારતીયો અને ભારતમાં વસતા ભારતીયોનું સમર્થન વિરોધાભાસી હોવાનું મનાય છે. ટ્રમ્પના ચીન અને પાકિસ્તાન તેમજ આતંકી જૂથો કે તેઓને પ્રોત્સાહન આપતા દેશો સામેના સખત વલણને લીધે તેમજ મોદી જોડેની નિકટતાને જોતા ટ્રમ્પ ભારત માટે અનુકૂળ રહ્યા. ભારત એમ ઇચ્છતું હોય કે ટ્રમ્પ જીતે તેનાથી વિપરીત અમેરિકામાં ‘અમેરિકન ફર્સ્ટ’ની નીતિ હેઠળ ભારતીયોને વિઝા, નોકરી કે ધંધાની તકો પર ભારે ફટકો પડે તેમ જોવાયું. અમેરિકામાં ગોરાઓ અશ્વેતો, બ્રાઉન કે ઈમિગ્રન્ટસના જાનમાલને પણ બેફામ નુકસાન પહોંચાડી શકે તેવો ફફડાટ પણ ખરો.

એવું પણ મનાય છે કે અમેરિકામાં ચુસ્ત મનાતા જે ૭૨ ટકા ભારતીય મતો ડેમોક્રેટ્સને જતા હતા તેમાંથી આ વખતે ૧૦ ટકા મતો મોદીના પ્રભાવ હેઠળના ભારતીયોએ ટ્રમ્પને આપ્યા છે.

આમ તો ૧ ટકા જેટલો કુલ મતોનો માંડ હિસ્સો ધરાવતા ભારતના મતોની કોઇ પક્ષને એ હદે પરવા ન હોય આમ છતાં અમુક રાજ્યોમાં ૨૦૧૬ની ચૂંટણીમાં ડેમોક્રેટ્સના હિલેરી ક્લીન્ટન ૬૦-૬૫ હજાર મતોથી હાર્યા હતા. આવી હાર-જીત માટે ભારતીયો કે પછી બિન અમેરિકી મતદારો નિર્ણાયક બની શકે છે.

ટ્રમ્પ હોય કે બાઇડેન કોઇને કોઇ દેશ માટે લાગણીના સંબંધો ન હોય. જે રીતે ચીનને પાકિસ્તાન દીઠ્ઠું યે ગમતું ન હોય તો પણ એશિયામાં પ્રભુત્વ સ્થાપવા વ્યૂહાત્મક રીતે તેને પોતાની બાહુપાશમાં સમાવે તે જ રીતે અમેરિકાને ચીન સામે મોરચો માંડવો હોય તો ભારત જોડે દોસ્તી બાંધે. આમ ભારત કે એક જમાનામાં રશિયા જોડે નજીક હતું કે અમેરિકા તરફ સરકતું જાય છે.

હા, એનો અર્થ એવો પણ નથી કે માત્ર ચીન સામે બાથ ભીડવા કે એશિયામાં લશ્કરી અને સમુદ્રી થાણું ગોઠવવા જ ભારત જોડે અમેરિકા મિત્રતા બતાવે. ચીનની વધતી જતી આર્થિક, વ્યાપારી અને ટેકનોલોજીની તાકાત અને વ્યાપ ઘટાડવા માટે પણ અમેરિકા ભારતને આગળ કરતું જ રહેશે. ભારતે મોદીના નેતૃત્વ હેઠળ વિશ્વના ટોચના છ દેશોમાં સ્થાન લઇ લીધું છે. ૧૩૭ કરોડની વસ્તી ધરાવતા ભારત દેશે કોરોના સામે તુલનાત્મક રીતે મૃત્યુના અને કેસોના આંકડાઓ પર જે નિયંત્રણ મેળવ્યું છે તેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ સરાહના કરી છે. ટ્રમ્પ અને અમેરિકા આ મામલે ઝાંખા પૂરવાર થયા છે. ચીન પણ એટલું જરૂર પામી ગયું છે કે મોદીના ભારતે ચીનને પડકાર્યું છે અને વિશ્વના દેશો એશિયાની મહાસત્તા બનાવવા  માટે ભારતને મદદ કરી શકે છે.

અમેરિકા હવે ચીનની જોડે સંબંધમાં સુવાસ ઊભી કરવાનો પ્રયત્નો તો નહીં જ કરે. ભારત લૂચ્ચુ, ખંધુ કે બદમાશ નથી. જ્યારે ચીન પર તો ભરોસો જ ના મૂકી શકાય તે વિશ્વ જાણે છે. કોરોના માટે ચીન જ ષડયંત્રકાર તરીકે જોવાય છે.

બાઇડેન હોય કે ટ્રમ્પ કોઇ આપણા પર ઉપકાર નથી કરતા. ચીનને અંકુશમાં રાખવા, વખત આવે પછાડવા ભારતની જરૂર પડવાની જ છે. ભારત એક દેશ તરીકે પણ અમેરિકા, ચીન, રશિયા પછી વિશ્વના રાજકારણમાં અને પરસ્પર વ્યાપારની રીતે ચોથા ક્રમે છે. બ્રિટન, ફ્રાંસ અને જર્મનીની તુલનામાં છેલ્લા છ વર્ષમાં ભારતે ચોક્કસ મુખ્ય પ્રવાહ સર્જતા દેશો તરીકે સ્થાન ઊભું કર્યું છે.

જો અમેરિકાને ભારત પ્રત્યે માત્ર દોસ્તી અને કુણી લાગણી જ હોત તો ટ્રમ્પે ભારત જેવો દેશ વિશ્વમાં પર્યાવરણની અસમતુલા સર્જતી જળ, વાયુ અને ઘન કચરાની ગંદકી ફેલાવે છે તેવું વૈશ્વિક સંમેલનમાં ન કહ્યું હોત.

ભારત કોરોનાના ટેસ્ટિંગ નહીં કરી કેસના અને મૃત્યુના આંક છૂપાવે છે જેના લીધે અમેરિકા કે જે પારદર્શક રહ્યું છે તેને વિશ્વ સમક્ષ નીચું જોવું પડે છે તેમ ટ્રમ્પે ચોંકાવનારૂ નિવેદન કર્યું હતું. હજુ થોડા દિવસો પહેલા જ ટ્રમ્પે ભારતને સૌથી અશુધ્ધ હવા ધરાવતો ગોબરો દેશ કહ્યો હતો.

ભારતના વિદેશ મંત્રાલય, આઇ.ટી. મંત્રાલય અને ટોચની કંપનીઓની અનેક વખત રજૂઆત છતાં ટ્રમ્પ એચ વન-બી વિઝા, વર્ક પરમીટ વિઝા કે અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કારકિર્દી અને સ્વપ્ન રોળાઇ જાય તેવા એક પછી એક નિર્ણયો લેતા જ રહ્યા.

ટ્રમ્પે ભારત જોડેના વ્યાપારી નિયંત્રણો ટેરિફ્સ પણ જારી જ રાખી હતી. સામૂહિક લશ્કરી કવાયત સાથેે અમેરિકાએ શસ્ત્રોનો ધંધો પણ ધમધોકાર કરી લીધો છે. ભારત રશિયા જોડે તમામ સ્તરે સંપૂર્ણ છેડો ફાડી નાખે તેવું અમેરિકાનું દબાણ પણ અવિરત જારી જ રહ્યું છે.

હવે જ્યારે બંને પક્ષો કાંટાની ટક્કર કરી બેઠકો મેળવી છે તે સંપૂર્ણ બહુમતિ જેવી નથી. ડેમોક્રેટ્સ અને રિપબ્લીકન પોતપોતાના એજેન્ડા જારી પણ રાખી જ શકશે. આમ ગોરા, અશ્વેતો, ઈમિગ્રાન્ટ્સ વચ્ચેનું વૈમનસ્ય હિંસક સ્વરૂપ ધારણ કરતું જ રહેશે. ચીન માટેનું કઠોર વલણ રાખ્યા સિવાય  છૂટકો નથી. ટ્રમ્પે જે રીતે ‘અમેરિકન ફર્સ્ટ’  કે એન્ટી ઈસ્લામ, એન્ટી બ્લેક કે એન્ટી ઈમિગ્રન્ટસના ઝેરી બીજ વાવી દીધા છે તેને લીધે અમેરિકા તેનું મૂળ ‘વૈશ્વિક દેશ’નું હાર્દ પરત મેળવી નહીં જ શકે. જમ્મુ કાશ્મીરમાં ૩૭૦મી કલમ રદ કરી છે તે ઠરાવ ભારતે જારી જ રાખવો હોય તો અમેરિકા કે ચીન તેમાં ચંચૂપાત કે લવાદ નહીં બની શકે તેમ કડક શબ્દોમાં મેસેજ આપી દેવો પડશે. અમેરિકાને ધંધો કરવો હોય તો ભારતની જરૂર છે. ભારત પાસે બજાર છે, ટેકનોક્રેટ્સ છે, તંદુરસ્ત લોકશાહી છે અને સબળ નેતૃત્વ, સંસ્કૃતિ છે તેથી અમેરિકા કે વિશ્વને તેની જરૂરિયાત છે. કોઇ ઉપકાર નથી કરતા તેવો પણ ટંકાર કરવો રહ્યો. અમેરિકાને એ મેસેજ પણ પાઠવી દેવો જોઇએ ”અમને ખબર છે કે તમે હમદર્દીથી નહીં પણ ચીન સામે અમે જ વ્યૂહાત્મક વજીરની ચાલ છીએ તેથી દોસ્તી રાખો છો.”

અમેરિકામાં વસતા ભારતીયોએ પણ દૂધમાં સાકળ ભળી જાય તે હદે સૌહાર્દ અને ભારતનું ગૌરવ વધે તેમ વસવાટ કર્યો છે. અમેરિકા માટે ભારતીયો જવાબદારી નહીં પણ મૂડી પૂરવાર થયા છે. અમેરિકાની સમૃધ્ધિ, વહીવટ અને ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક ઈમેજ ઊભી કરવામાં ભારતીયોનું યોગદાન છે. અમેરિકાના રાજકારણ, ન્યાયતંત્ર, કોર્પોરેટ જગત, બેન્કિંગ, નાસા, હોટલ, મોટલ ઈન્ડસ્ટ્રીમાં ભારતીયોનું યોગદાન પણ કોઇપણ અન્ય દેશના નાગરિકો કરતા વધુ અને આદરણીય સ્થાન સાથે છે. આપણે ‘ન્યુસન્સ’ નથી પણ ‘કોન્ટ્રીબ્યુશન્સ’માં માનતી પ્રજા તરીકે ઊભરી આવ્યા છીએ.

કેલિફોર્નિયા કે જ્યાં અમેરિકાની ટોચની ટેકનોલોજી કંપનીઓ છે અને ભારતની મહત્તમ ક્રિએટિવ, ક્વોલીફાઇડ યુવા પેઢી આ જ રાજ્યમાં વસે છે. રિપબ્લિકનનો ગઢ નથી મનાતું. કેલિફોર્નિયા અલગ દેશ તરીકે અમેરિકા કરતા પણ સમૃધ્ધ બની શકે તેમ છે. તેઓએ પણ નવી ટર્મ દરમ્યાન  તેમની મહત્તાનો  પરચો બતાવવો જ પડશે.

ભારત અને અમેરિકામાં વસતા ભારતીયોએ અંજાઇને કે અહોભાવમાં આવી જઇને કે લઘુતાગ્રંથિથી પીડાયા વગર આત્મસન્માન અને ગૌરવ કેળવવા તરફ વધુ ડગલા માંડવા પડશે. ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણને નવી ટર્મમાં જોવામાં ન આવે તે માટે ખૂમારી બતાવવી પડશે… વી આર  ફોર્સ ટુ રેકન…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here