ભારત કરતાં મોડાં આઝાદ થયેલા જૂનાગઢની કથા

    0
    8

    9 નવેમ્બર .

    – જૂનાગઢ આઝાદી વિશેષ

    સમયાંતર- લલિત ખંભાયતા

    – જૂનાગઢ 1947ના ઑગસ્ટમાં નહીં પણ નવેમ્બરમાં આઝાદ થયું હતું. નવમી નવેમ્બર આઝાદી દિવસ છે. એ દિવસ નિમિત્તે જૂનાગઢ વિશે નવું-જૂનું જ્ઞાાન..

     – શિલાલેખ: પથ્થરમાં કોતરાયેલો પુરાતન ઇતિહાસ

    જૂ નાગઢની આઝાદી અંગેનો જાણીતો ઈતિહાસ કંઈક આવો છે: આખા દેશના રજવાડાં જ્યારે ૧૯૪૭માં ભારત નામના રાષ્ટ્રમાં વિલિની થઈ રહ્યાં હતા, ત્યારે ત્રણ સત્તાધિશો આડા ફાટયા, કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ. એ ત્રણેયને બાદમાં સરદાર પટેલે સામ-દામ-દંડ-ભેદ દ્વારા ભારતમાં જોડી દીધા. જૂનાગઢ ભારતમાં જોડાઈ જાય એ માટે પ્રજા રસ્તા પર ઉતરી હતી અને તેમનું સંગઠન બન્યું હતુ, જે ‘આરઝી (સમાંતર) હકૂમત (સત્તા)’ કહેવાયું. આરઝી હકૂમતના પ્રયાસથી જૂનાગઢ ભારતમાં જોડાયું એ દિવસ ૧૯૪૭ની ૯મી નવેમ્બર હતો. એટલે કે આવતીકાલે જૂનાગઢ પોતાનો આઝાદી દિવસ મનાવશે. એ નિમિત્તે જ્યારે જૂઓ ત્યારે નીત-નવાં લાગતા જૂનાગઢની કેટલીક જ્ઞાાન કથાઓ…

    – જૂનાગઢના પાદરમાં ગિરનાર અને જરા દૂર જઈએ તો સિંહોને પ્રવાસનમાં વિશેષ મહત્ત્વ અપાયું છે. પણ જૂનાગઢની સંસ્કૃતિ અને ઇતિહાસ ઉજાગર કરવામાં આવે તો ભારતનું પહેલું હેરિટેજ સિટી અમદાવાદ નહીં જૂનાગઢ બની શકે. કેમ? કેમ કે અહીં ગણ્યા ગણાય નહીં એટલા વંશો(ગ્રીક, શક, ક્ષત્રપો, મૌર્ય, કલિંગ, ચુડાસમા, મોગલ, બાબી, અંગ્રેજો )એ શાસન કર્યું છે. ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ નગરે જોયા હશે એટલા રાજવંશો જૂનાગઢે જોયા છે. તેમનું શાસન વૈવિધ્ય હતું તો વળી સ્પાપત્ય વૈવિધ્ય પણ હતું. આજે પણ જૂનાગઢના સ્થાપત્યોમાં આખા ભારતમાં ન હોય એવું હિન્દુ, મુસ્લીમ, બોદ્ધ, જૈન, અંગ્રેજનું મિશ્રણ જોવા મળે છે. 

    – અસંખ્ય શાસકો વચ્ચે જૂનાગઢના લોક માનસમાં ‘રા’ (મૂળ ઓળખ ‘વરાહ’ હતી અને એમાંથી ‘રાહ’ થઈ હતી) અને નવાબ છવાયેલા છે. છેલ્લા એક હજાર વર્ષ પૈકી જૂનાગઢમાં પહેલા પાંચસો વર્ષ હિન્દુ, પછીના પાંચસોએક વર્ષ મુસ્લીમ શાસન રહ્યું. એમાં પણ ચૂડાસમા વંશના રાજા રા’નવઘણની લોકપ્રિયતા વિશેષ છે. હકીકત એ છે કે રા’નવઘણ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એમ ચાર જૂનાગઢની ગાદીએ આવ્યા હતા. એમાંથી લોકોને જે યાદ રહી ગયો એ નવઘણ પહેલો જેણે ઉના પાસેના આલિદર ગામે રહીને પોતાનું સૈન્ય ભેગું કરી ચડાણ કરી પોતાની ગાદી પરત મેળવી હતી. પ્રથમ નવઘણનો શાસનકાળ ઈસવીસન ૧૦૨૫થી લઈને ૧૦૪૪ સુધીનો હતો. નવઘણે જ રાજધાની વંથલીથી જૂનાગઢ સ્થળાંતરીત કરી હતી. ચૂમડાસમા વંશનું શાસન જૂનાગઢમાં ઈસવીસન ૮૫૭માં શરૂ થયું હતું, જ્યારેે ચંદ્રચૂડ નામનો રાજવી ગાદી પર આવ્યો હતો. એ શાસનની પૂર્ણાહૂતી રાહ માડંલીક ત્રીજાએ ૧૪૭૦માં ગાદી ખાલી કરી ત્યારે થઈ. પછી મુસ્લીમ શાસન આરંભાયું હતું. 

    –  રાજા-મહારાજાઓને ઘોડે સવારી આવડતી હોય, પણ જૂનાગઢ નવાબ મહાબતખાનને તો ગાયો દોહતાંય આવડતી હતી. ગાયો પ્રત્યેના અનદહ પ્રેમને કારણે તેમણે વિલિંગ્ડન ફાર્મમાં સર્વોત્તમ પ્રકારની ગાયો અને ધણખૂટો રાખ્યા હતા. અહીં ગાયોને આજીવન પોષણ મળતું, કતલખાને તો કોઈ સંજોગોમાં મોકલાતી ન હતી. કેટલાય ધણખૂટો તો વિવિધ સ્પર્ધામાં વિજેતા પણ થયેલા હતા. જૂનાગઢ રાજ્યએ ખેડૂતોને સન્માન આપવા માટે ૧૯૩૪-૩૫માં ‘ખેડૂત સંરક્ષણ ધારો’ પસાર કર્યો હતો. ખેડૂતોને કરજના બોજમાંથી મૂક્ત કરવા ‘ઋણ રાહત ધારો’ પણ અમલમાં હતો. આજે દુઃખી થતા ખેડૂતો નવાબી કે રાજાશાહી શાસનને સારું ગણાવે તેમાં નવાઈ નથી.

    –  જૂનાગઢમાં અશોકનો બ્રાહ્મીલિપીમાં લખાયેલો શિલાલેખ જાણીતો છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓમાંથી જેમને ઇતિહાસમાં રસ હોય એ ભવનાથ રોડ પર આવેલા કદાવર પથ્થર અને તેના પર કોતરાયેલી સમ્રાટ અશોકની આજ્ઞાાઓની અચૂક મુલાકાત લેતા હોય છે. એ શિલાલેખ પ્રથમવાર ઉકેલવાનો પ્રયાસ જૂનાગઢના જાણીતા પુરાતત્ત્વશાસ્ત્રી અને ભગવાનજી ઈન્દ્રલાલે કર્યો હતો. કદાવર પથ્થર પર કંઈક લખાણ છે, એ સંશોધકો જાણતા હતા. પરંતુ અશોકની શું શું આજ્ઞાાઓ છે એ પ્રસ્થાપિત ભગવાનજીએ કર્યું હતું. સંભવતઃ સમગ્ર ભારતવર્ષમાં શિલાલેખ પદ્ધતિની શરૂઆત જૂનાગઢથી જ થઈ હતી.

    –  ઝૂમ્મરથી ઝગમગતો ખંડ હોય અને તેમાં ભવ્ય સિંહાસન પર રાજ્યાભિષેક થતો હોય એવા ઇતિહાસની નવાઈ નથી. જૂનાગઢમાં જોકે તમામ નવાબોનું તિલક મહેલની બહાર આવેલા ઓટલા પર થતું હતું. એ પછી રાજમહેલમાં ભવ્ય કાર્યક્રમ યોજાતો. રંગમહેલના ઉત્તર દરવાજા પાસે આવેલા એ ઓટલા પર જ પ્રથમ નવાબ બહાદરખાનનું રાજતિલક થયું હતું, માટે એ પરંપરા સ્થપાઈ હતી. ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ’માં એસ.વી.જાનીએ લખ્યું છેઃ ‘નવાબ મૂળ તો દિલ્હીપતી મોગલ બાદશાહના સુબા હતા, પણ ઓરંગઝેબના નિધન પછી મોગલ સત્તા નબળી પડી એટલે ૧૭૪૮માં જૂનાગઢના બાબી ફોજદાર શેરખાને (બહાદુર ઈલ્કાબ હોવાથી તેઓ બહાદુર ખાન નામે ઓળખાયા) પોતાનું સ્વતંત્ર રજવાડું સ્થાપી દીધું. બાકી બાબી તો મૂળ અફઘાનિસ્તાની હતા.’

    –  બહાઉદ્દીન કોલેજ જેમના નામે છે એ બહાઉદ્દીન ભાઈ જૂનાગઢના વઝીર (વઝીર તરીકેે કાર્યકાળ ૧૮૬૧થી ૧૯૧૪) હતા. તેઓ સિંહોના શિલ્પ બનાવવા માંગતા હતા. એટલા માટે જૂનાગઢના પથ્થરો ઈંગ્લેન્ડ-અમેરિકાની લેબોરેટરીમાં મોકલાવી તેની મજબૂતી તપાસી હતી. જૂનાગઢના પ્રખર ઇતિહાસવિદ્ શંભુપ્રસાદ દેસાઈએ ‘જૂનાગઢ અને ગિરનાર’માં નોંધ્યુ છે કે ‘લેબોરેટરી તપાસ પછી સોનરખ નદી (જેના પર દામોદર કૂંડ છે એ)ની ભેખડમાંથી ગ્રેનાઈટનો કદાવર પથ્થર કાપી તેમાંથી ચાર સિંહના શિલ્પો તૈયાર કરાવ્યા હતા. એ પૈકી બે શિલ્પ જૂનાગઢના, બે વેરાવળના રેલવે સ્ટેશને મુકાવ્યા હતા. ૧૪૦ વર્ષ પછી આજેય એ પથ્થરના વનરાજો અણનમ છે.

    બહાઉદ્દીન ભાઈના નામે ઓળખાતી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ એ વખતે સોરઠમાં ભાવનગર પછી બીજી મહત્ત્વપૂર્ણ કોલેજ હતી. ૧૯૦૦માં વાઈસરોય કર્ઝન તેનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. ત્યારે કોલેજનો ૧૦૦ ફીટ લાંબો અને ૮૦ ફીટ પહોળો મધ્યસ્થ ખંડ જોઈને આભા થયા હતા. કેમ કે કોઈ ટેકા વગર એ ખંડ ઉભો હતો (આજેય ઉભો છે). એ ખંડ સહિત કોલેજનું સર્વોત્તમ બાંધકામ કરનારા જેઠાભાઇ મિસ્ત્રીને કર્ઝને ઈનામ પણ આપ્યું હતું. જોવાની વાત એ છે કે આખી કોલેજ અતિ આકર્ષક છે, પણ જૂનાગઢની પ્રવાસન સર્કિટમાં તેને શામેલ કરવાનો વિચાર કોઈ સત્તાધિશોને કે કોલેજના સંચાલકોને આવ્યો નથી!

    –  જૂનાગઢની આજની એક ઓળખ નર કેસરી છે, તો બીજી ઓળખ કેસર કેરી છે. જૂનાગઢની કેરી નામે સિઝનમાં તેની ઢગલાબંધ પેટીઓ વેચાતી હોય છે. એ કેરીનું નામ કેસર ન હતું. આ કેરી સંભવતઃ માંગરોળમાં ઉગતી અને ત્યાંથી જૂનાગઢમાં આવી હતી. પછી તો એ વખતના બગીચા અધિકારી આયંગરને કેરી ગમી જતાં આંબાવાડિયું ઉભું કર્યું હતું. પાક્યા પછીના તેના રંગને કારણે તેને કેસર નામ આપ્યું. એ નામ આજે જગવિખ્યાત બની ચૂક્યું છે. વડાપ્રધાન નહેરુ રશિયા ગયા ત્યારે ખાસ ગીરની કેસર રશિયન પ્રધાનમંત્રી નિકિતા ખુશ્ચોવનેે ભેટ આપવા્ લઈ ગયા હતા. કુલ ૩૫થી વધારે પ્રકારની કેરીઓ થતી અને તેનું નિયમિત પ્રદર્શન યોજાતું.

    –  અન્ય પ્રાચીન નગરોની માફક જૂનાગઢ પણ એક સમયે કિલ્લામાં વસતું નગર હતું. એ કિલ્લો હવે ઉપરકોટ તરીકે ઓળખાય છે. ઉપરકોટ ખરેખર કોણે બંધાવ્યો હતો એ અંગે મતમતાંતરો છે. એક માન્યતા પ્રમાણે મહારાજા ઉગ્રસેને કિલ્લો બંધાવ્યો હતો, જ્યારે બીજી માન્યતા ચંદ્રગુપ્ત મૌર્યએ બંધાવ્યો હોવાની છે. ઇતિહાસ કરતાં પણ વધારે રસપ્રદ વાત કિલ્લામાં ક્યાંક દટાયેલા ખજાનાની છે. જૂનાગઢના પ્રાચીન બાંધકામો તોડી નવું બાંધકામ કરવા જતાં અનેક વખત જૂના બાંધકામ નીચેથી પુરાતન ભોંયરા અને કેટલાક કિસ્સામાં સોના-ચાંદીના સિક્કાનો જથ્થો હાથ લાગ્યો છે અને લાગતો રહે છે. જૂનાગઢના ઈતિહાસવિદ્ ડૉ. પ્રધ્યુમન ખાચર કહે છે, ‘ઉપરકોટ કિલ્લાનું પૂર્ણ રીતે ઉત્ખન્ન થાય તો તેના તળીયેથી પણ આવા જર-ઝવેરાત કે ખજાના હાથ લાગેે એવી પુરી શક્યતા છે.’ એવો કાયદો પણ હતો કે રાજ્યમાં રૂપિયા દસ કે તેનાથી વધારે કિંમતની ચીજો દટાયેલી મળી આવશે તો તેના પર રાજ્યનો હક્ક રહેશે!

    એ જૂનાગઢ જોકે ક્યારનું ઉપરકોટના કાંગરાની બહાર નીકળી ચૂક્યુ છે.

    જૂનાગઢની આઝાદીમાં મહત્ત્વનો રોલ ભજવનારા સરદાર પટેલની યાદમાં આ દરવાજો તેમના નામે ઓળખાય છે. રેલવે સ્ટેશન સામે જ આકર્ષક દેખાવ ધરાવતો આ દરવાજો ઉપેક્ષીત રહ્યા પછી હવે કંઈક તેના રંગ-રોગાન થઈ રહ્યા છે. આ દરવાજો મૂળ તો આખા મકાન સમુહનો ભાગ છે. એક સમયે ત્યાં વજીર બહાઉદ્દીન ભાઈ રહેતા હતા. એટલે આજે પણ દરવાજાની દરેક કમાન પર ડાબી તરફ અંગ્રેજીમાં અને જમણી તરફ ગુજરાતીમાં ‘બહાઉદ્દીનભાઈનું મકાન’ એવું લખેલા કદાવર અક્ષર જોવા મળે છે. અલબત્ત, એ માટે દરવાજાની બન્ને તરફ ફેલાયેલી કમાનોને ધ્યાનથી જોવી પડે.. 

     સમયની જ વાત કરીએ તો ૧૮૮૪માં જૂનગઢનું નવું વર્ષ ૧લી સપ્ટેમ્બરથી ગણવાની શરૂઆત થઈ હતી. જ્યારે પ્રજા સમય જાણી શકે એટલા માટે રોજ બપોરે બાર વાગે ઉપરકોટ પરથી તોપ ફોડાતી હતી. 

    નવાબીકાળનું સ્થાપત્ય, જે આજેય ઝગમગે છે પરંતુ તેનો પ્રવાસનની દૃષ્ટિએ વિકાસ થયો નથી.

    આરઝી હકૂમતનું મ્યુઝિયમ ક્યારે?

    કાશ્મીર અને હૈદરાબાદના મુક્તિસંગ્રામની કથા કહેતા મ્યુઝિયો જે-તે નગરમાં છે. પણ જૂનાગઢને આઝાદી અપાવનારી આરઝી હકૂમતનો સળંગ ઇતિહાસ રજૂ કરતું મ્યુઝિયમ સ્થાપવાની વારંવાર ડિમાન્ડ છતાં સરકારે રસ લીધો નથી. આરઝી હકૂમત એ માત્ર જૂનાગઢની આઝાદની લડત ન હતી, પણ આખા ભારતમાં થયેલા પ્રજાયુદ્ધોનું એક શક્તિશાળી પ્રકરણ છે. જૂનાગઢના નવાબ અને સલાહકાર ભુટ્ટોએ પાકિસ્તાન સાથે ભળવાનો નિર્ણય કર્યો હતો તેની ટીકા છેક અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પણ થઈ હતી. એ વાતો પુસ્તકોમાં તો જીવંત છે, પણ સંગ્રહાલય દ્વારા પ્રજા વચ્ચેય જીવતી કરવી રહી…

    એક નગર અનેક નામ

    આજે તો અઢળક પ્રવાસીઓ ગિરનાર આવે છે, પણ છેક સાતમી સદીમાં ચીની સફરી હ્યુ-એન-સંગે અહીંનો પ્રવાસ કરી ગિરનારનું વર્ણન લખ્યું હતું. તેણે આ પર્વતનું નામ ઉજ્જયંત નોંધ્યુ હતું. આમેય ગિરનારના તો ઇતિહાસમાં અડધો ડઝન નામો નોંધાયેલા છે. ગિરનારથી હેઠા ઉતરીએ તો જૂનાગઢ શહેરના જ અગાઉ સત્તર નામો હતા અને આ આઢારમું નામ છે, એવુ પરિમલ રૂપાણીએ પોતાના પુસ્તકમાં નોંધ્યુ છે. આ રહ્યા એ સત્તર નામ: કરણકુબ્જ, મણિપુર, ચંદ્રકેતુપુર, રૈવત, પુરાતનપુર, ગિરિનગર, નગર, પૂર્વનગર, દુર્ગ, જીર્ણદુર્ગ, ખેંગારગઢ, ઉગ્રસેનગઢ, મુસ્તફાબાદ, જીરણગઢ, જૂનાગર અને જૂનાગડ. 

    વાદળથી વાતું કરતો ગઢ ગિરનાર અને તેના નોંધપાત્ર શિખર

    –  ગિરનાર જ્વાળામુખીનો ઠરેલો પર્વત છે. અંબાજીથી ગોરખનાથ-દતાત્રેય જતી વખતે પાછળ દૂર ફેલાયેલી ટેકરીઓમાં ક્યાંક ક્યાં કાળા થર જોવા મળે એ ઠરેલો લાવા. ૧૮૯૩માં અંગ્રેજ અધિકારી જે.ડબલ્યુ.ઈવાન્સે ગિરનારની ભૂસ્તરશાસ્ત્રીય તપાસ કરીને તારણ આપ્યું હતું કે તેમાં તાંબુ અને અબરખ જેવી ધાતુઓ છે. પરંતુ એ કાઢવી મોંઘી પડે એમ હોવાથી એ દિશામાં ક્યારેય કાર્યવાહી થઈ નહીં. 

    –  જૂનાગઢ હિન્દુ, મુસ્લીમ, બૌદ્ધ, જૈન એમ ચારેય મુખ્ય ધર્મોનું કેન્દ્ર રહ્યું છે. ગિરનાર ઉપર આ ચારેય ધર્મના મથકોની ધજા ફરફરે છે. ગિરનાર પરનું અંબાજી મંદિર પ્રસિદ્ધ છે, એનાથી આગળ ગોરખનાથ અને દતાત્રેયના વાદળોથી વાતું કરતા શીખર છે. એ સિવાય ગિરનારમાં અનેક જાણી-અજાણી અલૌકીક જગ્યાઓ આવેલી છે. ગિરનાર પોતે બાબરીયો, ખોડિયાર, ભેંસલો, જોગણીઓ, અશ્વસ્થામા, લક્ષ્મણ, દાતાર એવી ટેકરી કે ડૂંગરનો સમુહ છે. તો વળી ગિરનારમાંથી સોનરખ (એક સમયેે નદીમાંથી સોનાના કણો મળતી હોવાની માન્યતાને કારણે પડેલું નામ), હેમાજલી, કાળવો, વગેરે નાની-મોટી નદીઓ નીકળે છે. ગિરનાર એ પર્વત ઉપરાંત રક્ષીત જંગલ વિસ્તાર છે. ગિરનારનું જંગલ લગભગ પોણા બસ્સો ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે, જેમાં દોઢ-બે ડઝન સિંહ, સંખ્યાબંધ દીપડા અને અન્ય સજીવો રહે છે. સામાન્ય રીતે આ જંગલી જીવો મનુષ્યોથી દૂર રહે છે, પરંતુ ગિરનારની પાછોતરી બાજુએ લઈ જતી ભરતવન-સિતાવનની સીડી પર ક્યારેક દીપડા જોવા મળતો રહે છે. જંગલીજીવોને સાચવવા માટે અહીં ૬૦૦ પ્રકારની વનસ્પતી ઉગે છે.

    અંબાજી

    ૧૦૨૦.૫ મીટર

    ૩૩૪૮ ફીટ

    ગોરખનાથ

    ૧૧૧૭ મીટર

    ૩૬૭૨ ફીટ

    ઓઘડ દતાત્રેય

    ૧૦૬૬ મીટર

    ૩૪૯૭ ફીટ

    અનસૂયા

    રેણુકા

    કાલિકા/કાળકા

    ૧૦૦૪ મીટર

    ૩૨૯૪ ફીટ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here