કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા
બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યોની વચ્ચે ઇશાન ભારતના મણીપુર વિધાસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી આજે યોજાઇ હતી. કોરોનાની અગમચેતી સાથે વહેલી સવારથી મતદાન શરૂ થયુ હતું.
ચાર બેઠકો માટે કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. થોઉબલ જિલ્લાની લીલોંગ અેન વાંગજિંગ તેંઠા તથા કાંગપોકપીની સૈતુ અને પશ્ચિમ ઇમ્ફાલની વાંગોઇ બેઠક- આ ચારે બેઠકો કોંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાંથી ખાલી પડી હતી. આ ચારે કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા હતા.
મણીપુરમાં હાલ ભાજપની સરકાર છે. ચારમાંથી ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. ચોથી બેઠક અપક્ષ ઉમેદવાર લડી રહ્યા હતા જેને ભાજપે ટેકો જાહેર કર્યો હતો. કોંગ્રેસ ચારેચાર બેઠકો પર પેટાચૂંટણી લડી રહ્યો હતો. તમામ મતદાન મથકોને સેનિટાઇઝ્ડ કરાયા હતા અને મતદારોને સ્પષ્ટ સૂચના હતી કે માસ્ક પહેર્યા વિના આવશો તો મતદાન કરવા નહીં મળે. કોરોનાનો ચેપ લાગી ચૂક્યો હોય એવા મતદારો માટે છેલ્લો એક કલાક રિઝર્વ રખાયો હતો. મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાનું હતું. મતગણના અને પરિણામોની જાહેરાત 10મી નવેંબરે થશે.