મદદના બહાને રત્નકલાકારનો ATM કાર્ડ બદલી 8 ટ્રાન્ઝેક્શન કરી રૂ.1 લાખ ઉપાડયા

  0
  7

  નવો એટીએમ કાર્ડ આવતા ઓટીપી નંબર ટ્રાય કરવા ગયેલા હાલ બેરોજગાર આધેડને પાછળ ઉભેલા અજાણ્યાએ છેતર્યો

  સુરતના પુણા ગામના આધેડ છ દિવસ અગાઉ આવેલા નવા એટીએમ કાર્ડનો ઓટીપી નંબર ટ્રાય કરવા વરાછામાં આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમમાં ગયા ત્યારે પાછળ ઉભેલા અજાણ્યાએ મદદના બહાને કાર્ડ બદલી કાઢીને બાદમાં 8 ટ્રાન્ઝેક્શન મારફત 13 કલાકમાં રૂ.1 લાખ ઉપાડી લીધા હતા.

  ભાવનગરના વતની અને સુરતમાં પુણા ગામ અર્ચના સ્કૂલની બાજુમાં મુક્તિધામ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય બાલુભાઈ માયાભાઇ લાડુમોર અગાઉ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા પણ તબિયતના લીધે નોકરી છોડી દેતા હાલ બેરોજગાર છે.દરમિયાન લંબે હનુમાન રોડ પર શાંતિવન એપાર્ટમેન્ટ સ્થિત આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતેદાર એવા બાલુભાઈનો નવો એટીએમ કાર્ડ તા.8 મીએ સવારે આવતા સાંજે 5.30 વાગ્યે બેન્કની બાજુના એટીએમ સેન્ટરમાં કાર્ડનો ઓટીપી નંબર ટ્રાય કરવા ગયા હતા.

  પણ કાર્ડ ચેમ્બરમાં ફસાઈ જતો હોવાથી પાછળ ઉભેલા અંદાજીત 35 વર્ષના ગોરા અજાણ્યાએ મદદ કરવા પૂછતાં બાલુભાઈએ કાર્ડ આપ્યો તો તેણે કાર્ડ વારંવાર નાખી બહાર કાઢી પરત આપી દીધો હતો.કાર્ડ લઈને બાલુભાઈ ઘરે જતા હતા તે સમયે જ 5.38 કલાકે રૂ.20 હજાર, 5.39 કલાકે રૂ.20 હજાર અને 5.41 કલાકે રૂ.10 હજાર એકાઉન્ટમાંથી ઉપાડયાનો મેસેજ આવતા ચોંકેલા બાલુભાઈએ તરત એટીએમ સેન્ટર જઈ કાર્ડ નાખતા તેમનો કાર્ડ બ્લોક થઈ ગયો હતો. આથી તે ઘરે ચાલ્યા ગયા હતા.

  જોકે, બીજા દિવસે સવારે 6.23, 6.24,6.25,6.25 અને 6.26 કલાકે રૂ.10-10 હજાર મળી રૂ.50 હજાર ઉપડી ગયા હતા.બેન્કમાં જઈ તપાસ કરી તો તેમનો કાર્ડ બદલીને રણજીતસિંહ એન.પડેરીયાએ કતારગામ વિસ્તારના એટીએમમાંથી કુલ 8 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.1 લાખ ઉપાડી લીધાની જાણ થઈ હતી. છેતરપિંડીની ઘટના અંગે ગતરોજ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here