૧ ૯૪૭માં બનેલું પહેલું માઇક્રોવેવ ઓવન રેડારેન્જ ૫ ફૂટ ૧૧ ઇંચ ઊંચુ અને ૩૪૦ કિલો વજનનું હતું. તે ત્રણ કિલોવોટ પાવરનો વપરાશ કરતું. પ્રથમવાર તે એન.એસ. સવાના જહાજમાં પ્રવાસીઓ માટે મૂકવામાં આવેલું. ત્યારબાદ ઓછો વીજ વપરાશ કરે તેવા નાના માઇક્રોવેવ ઓવન ૧૯૫૦ પછી બનવા લાગ્યા. ૧૯૭૦ પછી જાપાન, અમેરિકા અને બીજા દેશોમાં વિવિધ કંપનીઓએ જાતજાતના માઇક્રોવેવ ઓવન બનાવ્યા. ૧૯૭૫ પછી તેનું વેચાણ વધવા લાગ્યું. માઇક્રોવેવ ઓવન નામ પણ તે સમયગાળામાં આવ્યું.
માઇક્રોવેવ ઓવન મેગ્નેટોન નામના સાધનથી વીજપ્રવાહને માઇક્રોવેવમાં ફેરવી ખોરાક ઉપર ફેંકે છે. માઇક્રોવેવ ઓવેન સામાન્ય રેડિયો ફ્રિકવન્સી જેવા ૨.૪૫ ગીગા હર્ટઝના ૧૨૨ એ.એ.ના મોજા વહાવે છે. આ મોજા નોન આયોનાઇઝીંગ હોય છે. ખોરાકમાં રહેલા પાણી અને ચરબી જેના ઘણા દ્રવ્યોના મોલક્યુલમાં વીજભાર હોય છે. માઇક્રોવેવને કારણે આ મોલેક્યુલ ઘુમવા લાગે છે અને ઊર્જા છૂટી પડી ગરમી પેદા થાય છે. આ ક્રિયા ખોરાકના મધ્ય ભાગમાંથી શરુ થાય છે અને છેલ્લે સપાટી ગરમ થાય છે. માઇક્રોવેવની આ અસર પાણી પર સૌથી વધુ થાય છે. મોટા ઔદ્યોગિક માઇક્રોવેવ ઓવન પાણીને ઉકાળી પણ શકે છે.
માઇક્રોવેવ ઓવનમાં રેડિએશનની ફ્રિકવન્સી ઇન્ડસ્ટ્રીયલ સાયન્ટીફિક અને મેડિકલ (આઇ.એસ.એન.) ઉપયોગમાં લેવાતી માન્ય ફ્રિકવન્સીનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત ઓવન માટે બીજી ત્રણ ફ્રિકવન્સી પણ માન્ય થયેલી છે. ઉત્પાદકો આ ધોરણને વળગી રહે છે.
માઇક્રોવેવ ઓવનનું બારણું કાચનું બનેલું છે. પરંતુ તેની પાછળ સૂક્ષ્મ તારની જાળી હોય છે. ખરેખર તો આ કુકિંગ ચેમ્બર એક જાતનું કેરાડે કેજ છે જે માઇક્રોવેવને બહાર આવવા દેતું નથી.