મુંબઇનો આતંકવાદી હુમલો પોતે કરાવ્યો હોવાનો એકરાર, પાકિસ્તાને આતંકવાદીઓની યાદી જાહેર કરી

0
30

પોતાની ધરતી પરથી હુમલાખોરો આવ્યા હોવાની પણ કબૂલાત

મહાનગર મુંબઇમાં 2008ના નવેંબરની 26મીએ થયેલો આતંકવાદી હુમલો પોતાની ધરતી પરથી થયો હતો એવો એકરાર પાકિસ્તાને પહેલીવાર કર્યો હતો અને પાકિસ્તાનની મોખરાની તપાસ સંસ્થા ફેડરલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ આતંકવાદીઓની એક યાદી પ્રગટ કરી હતી જેમાં મુંબઇ પરના હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓનો પણ સમાવેશ થયો હતો.

એજન્સીએ જે આતંકવાદીઓનાં નામની યાદી પ્રગટ કરી હતી એમને મોસ્ટ વોન્ટેડ ગણાવ્યા હતા. આ યાદીમાં લશ્કર એ તૈબાના ઘણા આતંકવાદીનો સમાવેશ છે જે મુંબઇ પરના હુમલા સાથે સીધી યા આડકતરી રીતે સંડોવાયા હતા. એવા આતંકવાદીઓમાં ઇફ્તીખાર અલી, મુહમ્મદ અમજદ ખાન, મુહમ્મદ ઉસ્માન,અબ્દુલ રહેમાન ઇત્યાદિનો સમાવેશ થયો હતો. મુંબઇ પરના હુમલા માટે બોટ, હથિયારો અને અન્ય સામગ્રી ખરીદનારા આતંકવાદીઓનાં નામ પણ આ યાદીમાં હતાં. 

મુંબઇ પરના હુમલાનું આયોજન અને આર્થિક સહાય વગેરે પોતાને ત્યાંથી થયાં હોવાનું પણ પાકિસ્તાને સ્વીકાર્યું હતું.

દરિયા માર્ગે મુંબઇ પર થયેલા હુમલામાં 160 દેશી વિદેશી લોકો માર્યા ગયા હતા. છત્રપતિ શિવાજી ટર્મિનસ (બોરીબંદર), ભાયખલા અને ગેટવે ઑફ ઇન્ડિયા નજીકની તાજમહાલ હૉટલ પર આતંકવાદીઓ ત્રાટક્યા હતા. માત્ર મુંબઇ નહીં, ઊરી, પુલવામા, પઠાણકોટ સહિત ડઝનબંધ સ્થળોએ આતંકવાદી હુમલા થયા હતા.

ભારતે એક કરતાં વધુ વખત પાકિસ્તાનને આ બાબતે પુરાવા આપ્યા હતા પરંતુ પાકિસ્તાને કદી પોતાના અપરાધો સ્વીકાર્યા નહોતા. આ પહેલીવાર પાકિસ્તાને એકરાર કર્યો હતો કે  ભારત પર થયેલા આતંકવાદી હુમલાનું આયોજન અમારી ધરતી પરથી થયું હતું અને એની પાછળ થયેલો ખર્ચ પણ અમારા દ્વારા ઉપાડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here